રાજ્યના પોલીસવડા વિકાસ સહાય સાંજે પાંચેક વાગ્યે ગાંધીનગર સેક્ટર-21 પોલીસ મથકે પહોંચી ગયા હતા. તેમણે આગામી દિવસોમાં અમલમાં મૂકાનાર નેશનલ ઓટોમેટેડ ફિંગરપ્રિન્ટ આઇડેન્ટિફિકેશન સિસ્ટમ (NAFIS)ની કામગીરીનું જાત નિરિક્ષણ કર્યું હતું. ડીજીપી FSLના અધિકારીઓ સાથે પોલીસ મથકે પહોંચ્યા હતા અને NAFIS અંગેની વિગતો મેળવી હતી. રેન્જ આઈજીપી વિરેન્દ્ર યાદવ અને જિલ્લા એસપી રવિ તેજા પણ ઉપસ્થિત રહ્યા હતા. થોડા દિવસ પહેલાં જ ડીજીપીએ દિલ્હી ખાતે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોની મુલાકાત લઇ NAFIS સાથેની કનેક્ટિવિટીની ચર્ચા કરી હતી.
કોઇ પણ ગુનામાં ઝપાયેલા ગુનેગારોની ફિંગરપ્રિન્ટનો જે ડેટા તેયાર કરાયા છે. તેનું ગુજરાત એફએસએલ દ્વારા ડિજિટલાઇઝેશન કરાઇ રહ્યું છે. જે સિસ્ટમ હવે છેક પોલીસ સ્ટેશન સુધી કનેક્ટ કરાઇ રહી છે. ગુજરાતની માફક અન્ય રાજ્યોમાં પણ ગુનેગારોના ફિંગરપ્રિન્ટ રેકોર્ડને NAFIS સાથે કનેક્ટ કરવામાં આવી રહ્યો છે.
હવે પોલીસ મથકોમાં આ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે અને તેમાં કેવી સમસ્યાઓ ઉભી થાય છે, તેની ડીજીપીએ વિગતો મેળવી હતી. NAFIS કાર્યરત થઇ જતાં દેશભરના ગુનેગારોને એક ડેટા તૈયાર થશે. જેને કારણે ગુજરાતમાં ગુનાખોરી કરનાર ગુનેગારની ફિંગરપ્રિન્ટને આધારે તેની ક્રાઇમકુંડળી તૈયાર થઇ જશે. તેવી જ રીતે કોઇ ક્રાઇમ સીન પરથી મળેલી ફિંગરપ્રિન્ટને આધારે આરોપીની વિગતો પણ મેળવી શકાશે.
ડીજીપી વિકાસ સહાયે સેક્ટર -21 પોલીસ મથકની મુલાકાત લઇ NAFISની વિગતો મેળવી હતી. તેમણે જણાવ્યું હતું કે, ડિજિટલ યુગમાં NAFIS ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને માત્ર એક જ રાજ્યની નહીં પરંતુ આંતર રાજ્ય ગેંગની પણ વિગતો મળી શકશે. વિરેન્દ્રસિંઘ યાદવે જણાવ્યું હતું કે, NAFISની મદદથી ગુનેગારોનો ડેટા એકત્રિત થઇ જશે જેને કારણે ડિટેક્શન ઝડપી બનશે.