ઓબીસી સમાજના સ્વાભિમાન આંદોલનના ડરથી સરકારે એક વર્ષ બાદ અનામતનો નિર્ણય લીધો : સમર્પિત આયોગના ઓબીસી અનામતના રીપોર્ટને સરકાર ઘોળીને પી ગઈ: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં ઓબીસી અનામતની જાહેરાતમાં સુપ્રીમકોર્ટની ગાઈડલાઈનનું સરેઆમ ઉલ્લંઘન: અમીત ચાવડા
ગાંધીનગર
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં ઓબીસી સમાજને અનામત મુદ્દે રાજ્યની ભાજપ સરકાર દ્વારા કરવામાં આવી રહેલા અન્યાયના મુદ્દે જસ્ટીસ ઝવેરી કમિશનના રીપોર્ટ પર પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, “સમગ્ર દેશમાં અલગ અલગ રાજ્યોમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં ઓબીસી અનામત માટે જે અલગ અલગ જોગવાઈ અને વ્યવસ્થા હતી, તેના બદલે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ દરેક રાજ્ય પોતાના વિસ્તારોમાં ઓબીસીની વસ્તી ગણતરી કરાવી, યુનિટ અનુસાર એટલે કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા હોય તેને એક યુનિટ ગણી, તે યુનિટમાં ઓબીસીની વસ્તી ગણતરી કરાવીને સુપ્રીમ કોર્ટમાં રીપોર્ટ જમા કરાવી, અનામતની જોગવાઈઓ લાગુ કરવાની વ્યવસ્થા કરવામાં આવે તેમ જણાવવામાં આવ્યું હતું.
સુપ્રીમ કોર્ટના આ ચુકાદા બાદ ગુજરાત સરકારે આટલા વર્ષો સુધી કઈ ના કર્યું, તેના લીધે જયારે ૨૦૨૧ માં સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો ત્યારપછી ગુજરાત સરકારે જુલાઈ ૨૦૨૨ માં પંચાયતોની ચૂંટણી માટે બહાર પાડેલા જાહેરનામાંમાં ઓબીસી સમાજની દસ ટકા અનામત નાબુદ કરવામાં આવી એટલે કે ઓબીસી સમાજનું સ્થાનિક સ્વરાજ્યમાંથી રાજકીય અસ્તિત્વ નાબુદ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા અને ઓબીસી સમાજ દ્વારા ખૂબ ઉગ્ર વિરોધ થયો. અમે સૌ લડ્યા, કોંગ્રેસ પક્ષ પણ લડ્યો અને તેના કારણે સરકારે ઝવેરી કમીશન બનાવવાની ફરજ પડી.
૨૨ જુલાઈ ૨૦૨૨ ના રોજ જસ્ટીસ ઝવેરીજીના નેતૃત્વમાં સમર્પિત આયોગ બનાવવામાં આવ્યું. ૯૦ દિવસમાં રીપોર્ટ આપવાનો હતો તેના બદલે બે વખત મુદત વધારી. ફેબ્રુઆરી ૨૦૨૩ માં મુદત પૂરી થઇ ગઈ હોવા છતાં રીપોર્ટ આપવામાં ના આવ્યો, ત્યારે વિધાનસભા સત્રમાં પણ અમે સૌએ સરકારને વિરોધ સાથે રજૂઆત કરી, આ રીપોર્ટ ના આવવાને કારણે ઓબીસી સમાજને અન્યાય થાય છે તો બીજીતરફ તેના કારણે ગુજરાતમાં ચૂંટણીઓ ના થતા વહીવટદારોનું શાસન ચાલી રહ્યું છે. તેમ છતાં સરકારે કોઈ કાર્યવાહી ના કરી.”
વધુમાં શ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, “ત્યારબાદ કોંગ્રેસનું ડેલીગેશન ૧૧ એપ્રિલ ૨૦૨૩ ના રોજ ગવર્નરને મળ્યું અને તેઓને સરકારને આદેશ આપવા માટે રજૂઆત કરી, ગવર્નરશ્રીના આદેશ બાદ ૧૨ એપ્રિલ ૨૦૨૩ ના રોજ સરકારે સમર્પિત આયોગના રિપોર્ટનો સ્વીકાર કર્યો. અમને આશા હતી કે ૧ વર્ષથી આ પ્રક્રિયા ચાલે છે તો સરકાર આ રીપોર્ટ પર તાત્કાલિક કાર્યવાહી કરશે પણ એપ્રિલમાં આપવામાં આવેલા આ રીપોર્ટ પર કોઈ કાર્યવાહી કરવામાં ના આવી. તેના જ કારણે ફરીથી ગુજરાતભરના ઓબીસી આગેવાનોએ એકત્રિત થઈને બિનરાજકીય આંદોલન કરવાનું નક્કી કર્યું, કોંગ્રેસે આંદોલનને સમર્થન કર્યું,
૨૨ ઓગસ્ટના રોજ ગાંધીનગરમાં સ્વાભિમાન ધરણા થયા અને ગુજરાતભરમાંથી હજારોની સંખ્યામાં ઓબીસી સમાજના લોકો ગાંધીનગરમાં ઉમટ્યા અને મંચ પરથી નક્કી કરવામાં આવ્યું કે સરકાર કાર્યવાહી નહીં કરે તો રસ્તા પર ઉતરીને હક્ક અધિકારો માટે લડીશું. એક વર્ષથી ઊંઘતી સરકાર સ્વાભિમાન આંદોલન થતા જાગી, પાંચ મંત્રીઓની કમિટી બનાવી તાત્કાલિક નિર્ણય કરવા માટે આ કેબીનેટની બેઠકમાં મુદ્દો લીધો. જે રીતે સરકાર તરફથી મંત્રીએ જાહેરાત કરી છે તે જોતા સ્પષ્ટ લાગે છે કે સરકારની પહેલા પણ મંશા સારી નહોતી અને આજેપણ નથી, એટલા માટે કે સુપ્રીમ કોર્ટનો સ્પષ્ટ આદેશ હતો કે દરેક રાજ્યે પોતાના રાજ્યમાં યુનિટ એટલે કે ગ્રામ પંચાયત, તાલુકા અને જીલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાને યુનિટ ગણી તેમાં જેટલી ઓબીસીની વસ્તી હોય તે મુજબની વસ્તી ગણતરી કરાવી અનામત આપવા જણાવેલું.”
વધુમાં અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, “સમર્પિત આયોગના રીપોર્ટમાં પણ સ્પષ્ટ ભલામણ કરવામાં આવી છે. ગુજરાતના જે આઠ મહાનગર- અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, જુનાગઢ અને ગાંધીનગર છે તેમાં સરેરાશ ૪૦ ટકા વસ્તી ઓબીસી સમાજની વસ્તી છે. ગુજરાતની ૧૬૦ નગરપાલિકામાં સરેરાશ ૫૪ ટકા ઓબીસી સમાજની વસ્તી છે, આખા ગુજરાતમાં પેસા એક્ટ હેઠળના વિસ્તાર સિવાયના જિલ્લાઓમાં એવરેજ ૫૪ ટકા વસ્તી ઓબીસી છે. આ અનુસાર અનામત મળે તેવો સ્પષ્ટ ઉલ્લેખ રીપોર્ટમાં કરવામાં આવ્યો છે, ૪૯ ટકાની જે અપર લીમીટ નક્કી થઇ છે. તેમાં પણ આજની તારીખે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસી સમાજને ૧૦ ટકા અનામત મળે છે, એસ.સી. અને એસટી સમાજને એમની જેટલી વસ્તી છે એ જે તે યુનિટમાં છે એ મુજબ અનામત આપવામાં આવે છે. ત્યારે ૫૦ ટકાની લીમીટમાં એસ.સી. અને એસ.ટી. સમાજને વસ્તીના ધોરણે અનામત મળતી હોય તો ઓબીસી સમાજને પણ વસ્તીના ધોરણે અનામત આપવામાં આવે.
જો કોઈ યુનિટમાં એસસી સમાજને ૭ ટકા અને એસટી સમાજને ૧૪ ટકા અનામત આપવામાં આવતી હોય તે યુનિટમાં ઓબીસી સમાજને ૨૭ ટકા અનામત આપવામાં આવે તો વાંધો હોઈ શકે નહીં, પણ જો એસસી એસટી સમાજને ઓછી અનામત આપવામાં આવતી હોય તો ૫૦ ટકાની મર્યાદામાં ઓબીસી સમાજને ૪૭ ટકા અનામત આપવામાં આવે ઉદાહરણ તરીકે અમદાવાદ શહેરમાં મહાનગરપાલિકાની ૧૯૨ બેઠકો છે, જેમાં શહેરમાં એસ.ટી. સમાજની ૧ ટકા વસ્તી છે તો તે અનુસાર એસ.ટી. અનામત આપવામાં આવે, એસ.સી. સમાજની ૮ ટકા વસ્તી છે તો તે અનુસાર એસ.સી. અનામત આપવામાં આવે ત્યારે ૪૯ ટકાની અપર લીમીટમાં બાકી બચતી ૪૦ ટકા અનામત ઓબીસી સમાજને આવે તો કોઈને પણ અન્યાય ના થાય, તેવી જ ઝવેરી કમિશનના રીપોર્ટમાં પણ ભલામણ કરવામાં આવી છે પણ સરકાર આ રીપોર્ટને ઘોળીને પી ગઈ છે અને સુપીર્મ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરી રહી છે. સરકારે રાજકીય નફા- નુકસાનના એજન્ડા સાથે જાહેરાત કરી છે. આ જાહેરાત કોઇપણ સંજોગોમાં સ્વીકારી ના શકાય, આ જાહેરાત ઓબીસી સમાજને અન્યાયકર્તા છે, ઓબીસી સમાજનો હક્ક અધિકાર છીનવવા બરાબર છે.”