ગુજરાતનાં વિવિધ શહેરોમાં સાળંગપુરમાં હનુમાનજીનાં અપમાનજનક ચિત્રોને લઈને વિરોધ સતત વધતો જાય છે. ત્યારે ફરી આજે રાજકોટમાં કોંગ્રેસ કાર્યકર્તાએ હનુમાનજીનો વેશ ધારણ કરીને કલેક્ટર કચેરીએ આ કૃત્ય કરવા બદલ કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી. તો બીજી તરફ શહેરમાં સનાતન ગ્રુપના યુવાનો દ્વારા સ્વામિનારાયણ મંદિર ખાતે બેનરો લગાવી અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં હનુમાનજી મહારાજ સૂતા છે, જેના એક સ્વામી હનુમાનજી મહારાજના પગ દબાવી રહ્યા છે, તો બીજા સ્વામી હવા નાખી રહ્યા છે, જ્યારે ત્રીજા સ્વામી તેમના માટે ફ્રૂટ્સ લઈને ઊભા છે. આ ઉપરાંત વડોદરા પણ કલેક્ટર કચેરીએ સાધુ, સંતો, મહંતો અને સંગઠન દ્વારા ભીતચિત્રોને લઇને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આસ્થાને ઠેસ પહોંચી હોવાથી સાળંગપુરનો મામલો જરા પણ ચલાવી લેવામાં નહીં આવે તેમજ રાવણ નીતિ, વૈદિક નીતિ પ્રમાણે અમે શાસ્ત્ર અને શસ્ત્રથી વિરોધ કરવાનો સંતો-મહંતોએ હૂંકાર કર્યો હતો.
હનુમાનજીનો વેશ ધારણ કરનાર કોંગી કાર્યકર નિલેશ ગોહેલે જણાવ્યું હતું કે સાળંગપુરમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા કેટલાંક ચિત્રો બનાવવામાં આવ્યાં છે, જેમાં હનુમાનજીને દાસ તરીકે દર્શાવવામાં આવતાં હિન્દુ સમાજની લાગણીને ઠેસ પહોંચી છે. હનુમાનજી એકમાત્ર ભગવાન શ્રી રામના જ દાસ છે. તેમને અન્ય કોઈના દાસ તરીકે દર્શાવવા યોગ્ય નથી. આ માટે આજે હનુમાનજીનો વેશ ધારણ કરીને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા આવ્યા છીએ.
સાળંગપુરનું કાર્ય સહન થાય એમ નહીં કોંગ્રેસના આગેવાન રણજિત મુંધવાએ હતું કે કોંગ્રેસનાં મહિલા પ્રમુખ અને મહામંત્રીની આગેવાનીમાં આજે સાળંગપુર વિવાદ મામલે કલેક્ટરને રજૂઆત કરવા આવ્યા છીએ. અમે કોઈ ધર્મનો વિરોધ કરતા નથી, પરંતુ હનુમાનજીનું અપમાન થાય એવાં ચિત્રો સાળંગપુર ખાતે લગાવવામાં આવ્યાં છે. એને લઈને અમારે વિરોધ કરવાની ફરજ પડી છે. રઘુપતિના દાસ હનુમાનજીનું અપમાન કરવામાં આવ્યું છે. જે કોઈપણ રીતે સહન થાય એમ નહીં હોવાથી આ અંગે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.
તો બીજી તરફ, રાજકોટમાં સનાતન ગ્રુપના યુવાનો ભૂપેન્દ્ર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે વિરોધ કરવા પહોંચ્યા હતા. યુવાનોએ મંદિરની જાળીઓમાં કેટલાંક બેનરો લગાવી રોષ સાથે પોતાનો વિરોધ દર્શાવ્યો તેમજ જય શ્રીરામ અને ગૌતમ સ્વામી હાય હાયના નારા લગાવ્યા હતા.
સનાતન ગ્રુપના સભ્ય હાર્દિકસિંહ રાઠોડે જણાવ્યું હતું કે સાળંગપુર મંદિર ખાતે ભીંતચિત્રો સામે અમારો વિરોધ છે. તાત્કાલિક ચિત્રો હટાવવામાં આવે એવી માગ કરીએ છીએ. આજે અમે સ્વામિનારાયણ મંદિરમાં બેનરો લગાવ્યાં છે, જેમાં હનુમાનજી મહારાજ સૂતા છે. હનુમાનજી મહારાજના પગ સ્વામી દબાવી રહ્યા છે અને બીજા સ્વામી હવા નાખી રહ્યા છે, તો ત્રીજા સ્વામી ફ્રૂટ્સ લઈને ઊભા છે. આનાથી અમે સ્પષ્ટ મેસેજ આપવા માગીએ છીએ કે હનુમાનજી માત્ર ભગવાન રામના જ દૂત હતા. બાકી હનુમાનજી મહારાજ દાદા છે, હતા અને રહેશે.
વડોદરામાં પણ સંતો-મંહતો કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા માટે ગયા હતા. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ઘણા સમયથી ગુજરાતમાં ફૂલેલાફાલેલા સંપ્રદાયના પડેલા ફાટોઓ દ્વારા સતત સનાતન ધર્મના ઇતિહાસને સનાતન ધર્મના માનદ ચિહ્નો કે સનાતન ધર્મનાં દેવીદેવતાઓ બાબતે અપમાનજનક વાતો કે અપમાનજનક ઈતિહાસનાં સાહિત્યો લખી સમાજમાં વૈમનસ્ય ફેલાવી સનાતન ધર્મના લોકોની આસ્થા સાથે ખિલવાડ કરવામાં આવે છે, સાથે સાથે દેવી-દેવતાઓને સંપ્રદાયના સ્વામીના સેવક હોય એમ દર્શાવી ધર્મહીનતા દર્શાવી છે. શ્રી મધ્ય ગુજરાત રામાનંદ વિરક્ત મંડળ, સનાતન સંત સમિતિ, કરણી સેના, બ્રહ્મ સેના અને સમસ્ત સનાતન ધર્મીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આ અંગે શાસ્ત્રી કેયુર ભટ્ટે જણાવ્યું હતું કે અમે આજે વડોદરા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. સાધુ, સંતો, મહંતો ભેગા થઈ ધર્મની લાગણી દુભાણી છે. સાળંગપુર ધામમાં કષ્ટભંજન સ્થિત ધામ પર જે કઈ ધર્મવિરોધી તકતીઓ લગાવવામાં આવી છે એને કાઢી નાખવામાં આવે અને અવારનવાર હિન્દુ દેવી-દેવતાનાઓ પર જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાય વિરોધ કરતા હોય અને નીચે પાડી બતાવતા હોય છે, ત્યારે અમે એનો સખતપણે વિરોધ કરતા હોઈએ છીએ અને આગળ જતા રાવણ નીતિ, વૈદિક નીતિ પ્રમાણે શાસ્ત્ર અને શસ્ત્રથી વિરોધ કરીશું.
આ સાથે કરણી સેનાના પ્રવક્તા મહેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું કે સનાતન ધર્મ પર એજ્યુકેટેડ સંતો દ્વારા આ પ્રહાર કરવામાં આવ્યો છે. 175મી ભૂલ અને હવે તો તકતી લગાવીને હનુમાનજીને ભક્ત બનાવવાનું આ દુઃસાહસ કર્યું છે. શાસ્ત્ર એટલે ભૂદેવો-સાધુઓ, શસ્ત્ર એટલે ક્ષત્રિયો ભેગા થઇ ગયા છે અને સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ. રાષ્ટ્રવિરોધી કૃત્યને ચલાવી નહીં લેવામાં આવે.