મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ શાસન દાયિત્વના પાંચમા વર્ષ પ્રવેશ અવસરે રાજ્યની ૮ મહાનગરપાલિકાઓ અને ૧પપ નગરપાલિકાઓને એક સાથે એક જ દિવસમાં ૧૦૬પ કરોડ રૂપિયાની રાશિ નગર વિકાસ કામો માટે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતીમાં અર્પણ કરી હતી. મુખ્યમંત્રીએ નાણાં-ગ્રાન્ટના અભાવે શહેરી સુખાકારીના કોઇ કામ સરકાર અટકવા દેતી નથી તેવો સ્પષ્ટ મત આ વેળાએ વ્યકત કર્યો હતો. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, અગાઉના કોંગ્રેસી શાસકો-સરકારોમાં વિકાસની જિજિવિષા નહોતી કે કોઇ વિઝન પણ ન હતું એટલે વિકાસ કામો થતાં ન હતા. આજે સ્થિતી એવી છે કે સરકાર નગરો-મહાનગરોને વિકાસ કામો માટે થોકબંધ પૈસા મોકલે છે અને સુઆયોજિત નગર વિકાસ-શહેરી સુખાકારીના કામો સવાઇ ગતિથી આગળ વધતા રહે છે. મુખ્યમંત્રીએ રાજ્યના વિવિધ જિલ્લા મથકોએથી આ અવસરે વિડીયો કોન્ફરન્સથી જોડાયેલા મંત્રીઓ અને પદાધિકારીઓને સંબોધતાં ગુજરાતના નગરો-મહાનગરોને આધુનિક વિકાસ ઓપ આપી સુવિધાસભર અને રહેવાલાયક – માણવાલાયક બનાવવાનું પ્રેરક આહવાન કર્યુ હતું. તેમણે જ્યાં માનવી ત્યાં સુવિધાના મંત્ર સાથે કાર્યરત વર્તમાન સરકાર નગરો-મહાનગરો-ગામોમાં લોકોની પ્રાથમિક સુવિધા રોડ, લાઇટ, પાણી વગેરેના કામોને અગ્રતા આપે છે તેમ પણ ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીએ મહાનગરો-નગરોના સ્થાનિક સત્તાતંત્રોના પદાધિકારીઓને પ્રેરણા આપતાં કહ્યું કે, જનસેવાની મળેલી આ તક ‘‘વિવાદ નહિ સંવાદ’’ની વિકાસ નીતિ અપનાવી સાકાર કરીએ. મુખ્યમંત્રીએ વિશ્વકક્ષાના શહેરી વિકાસની તુલનાએ રાજ્યના શહેરો-નગરોને બરોબરી કરવા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ વિકાસ પ્રોજેકટની કેપેસિટી બિલ્ડ અપ કરે તો રાજ્ય સરકાર પૂરતા નાણાં ફાળવશે તેમ પણ જણાવ્યું હતું. વિજયભાઇ રૂપાણીએ કોરોનાના કપરા કાળમાં પણ વિકાસ કામોની ગતિ અટકી નથી અને સમયબદ્ધ ધોરણે કામો પૂર્ણ થાય તે દિશામાં સરકાર પ્રતિબદ્ધ છે તેમ પણ ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીએ શહેરી સુખાકારી-નાગરિકલક્ષી સેવાઓ ઓનલાઇન કરવાની વ્યવસ્થા વિકસાવી લોકોને કચેરીઓમાં આવવું ન પડે તેવી ફેઇસ લેશ પદ્ધતિઓ માટે પણ સૂચવ્યું હતું. તેમણે શહેરી વિકાસમાં પર્યાવરણ જાળવણીને પણ ધ્યાનમાં રાખી પ્રદુષણમુકત શહેરો, એસ.ટી.પી. થી યુઝડ વોટરનો રિયુઝ અને વોટર સરપ્લસ નગરો માટે પણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને પ્રેરણા આપી હતી.
રાજ્ય સરકારે અમદાવાદને રૂ. ૩રપ કરોડ, સુરતને રૂ. ર૬પ કરોડ, વડોદરાને રૂ. ૯૯ કરોડ, રાજકોટને રૂ. ૭૮ કરોડ, ભાવનગરને રૂ. ૩૬ કરોડ, જામનગરને રૂ. ૩૪ કરોડ, જુનાગઢને રૂ. ૧૮ કરોડ, ગાંધીનગરને રૂ. ૧૮ કરોડ એમ કુલ ૮૭૭ કરોડની ફાળવણી કરી છે. તેમજ અ વર્ગની-રર નગરપાલિકાઓને રૂ. પપ કરોડ, બ વર્ગની-૩૦ ને રૂ. ૪પ કરોડ, ક વર્ગની-પ૯ને રૂ. ૬૬ કરોડ, ડ વર્ગની-૪૪ ને રૂ. રર કરોડ એમ કુલ રૂ. ૧૮૮.૩૮ કરોડ એમ એકંદર કુલ મળી રૂ. ૧૦૬પ.૮૮ કરોડની ફાળવણી કરી છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, ગુજરાત શહેરી વિકાસ ક્ષેત્રમાં આખા દેશમાં અગ્રેસર છે. ૧૩ હજાર કરોડનું માતબર બજેટ આ સરકારે નગરપાલિકા-મહાનગરપાલિકાના વિકાસ કામો-નાગરિક સુવિધાના કામો માટે ફાળવેલું છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાત રાજ્યની સ્થાપનાની સુવર્ણજ્યંતિએ સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના શરૂ કરીને નગરોના આયોજનબદ્ધ વિકાસને નવી દિશા આપી છે તેમ પણ ઉમેર્યુ હતું. ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઇ ભંડેરીએ મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રીને સફળ શાસનના ૪ વર્ષ પૂર્ણ કરી પાંચમા વર્ષ પ્રવેશની શુભેચ્છાઓ આપી હતી. તેમણે કહ્યું કે, નગરોના વિકાસ કામો અને આધુનિક નગર આયોજન માટેની દીર્ઘદ્રષ્ટિથી મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રીએ માતબર ફાળવણી કરી છે અને મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ મારફતે નગર વિકાસ કામોને પૂરતાં નાણાં ફાળવણીની નવી દિશા આપી છે. શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મુકેશ પુરીએ સ્વાગત પ્રવચન અને મ્યુનિસીપાલિટીઝ એડમીનીસ્ટ્રેશનના કમિશનર શ્રી બેનિવાલે સૌનો આભાર વ્યકત કર્યો હતો. જિલ્લા મથકોએ મંત્રીઓ-પદાધિકારીઓના હસ્તે નગરપાલિકાઓને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.