અમદાવાદના ઓગણજ પાસે પોલીસે એરપોર્ટથી પરત ફરતા દંપતી સાથે કરેલા તોડકાંડમાં ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો સંજ્ઞાન લીધું હતું. જેની સુનાવણી ચીફ જજ સુનિતા અગ્રવાલ અને જજ અનિરુદ્ધ માયીની બેંચ સમક્ષ ચાલી રહી છે. ત્યારે આજની સુનાવણીમાં સરકારી વકીલ દ્વારા શહેરના એન્ટ્રી અને એક્ટિઝ પોઈન્ટ પર 7000 CCTV કેમેરા લગાવાશે એમ જણાવ્યું હતું. જે બાદ હાઈકોર્ટે પ્રશ્ન કરતા કહ્યું હતું કે, TRB શું છે? તેનું માળખું શું? જેનો જવાબ આપવામાં સરકાર અને પોલીસને ફાંફા પડ્યા હતા. તેમજ આજે સરકારે આરોપી પોલીસ કર્મીઓ સામે ધરપકડ, ફરિયાદ, રિમાન્ડ, ચાર્જશીટ અને સસ્પેન્ડ કરવાના પગલાની વાત કરી હતી. સાથે જ ગત સુનાવણીમાં કોર્ટ મિત્રએ પોલીસ દ્વારા બોડી વોર્ન કેમેરાના અયોગ્ય ઉપયોગની શંકા વ્યકત કરી હતી. જેથી સરકારી વકીલે તેની છણાવટ કરી હતી. આજની સુનાવણીને ચાર ભાગમાં વહેંચી શકાય.
ગત સુનાવણીમાં કોર્ટ મિત્રએ પોલીસ દ્વારા ઉપયોગમાં લેવાતા બોડીવોર્ન કેમેરાના દુરુપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જે સંદર્ભે આજે સરકારી વકીલે જણાવ્યું હતું કે બોડીવોર્ન કેમેરાનો ઉપયોગ આંધ્રપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને ગુજરાતની પોલીસ કરે છે. તેમાં રેકોર્ડ થયેલા વીડિયો અને ઓડિયો સાંભળવાની સત્તા શહેરી વિસ્તારમાં પોલીસ કમિશનર અને જિલ્લામાં સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ પાસે હોય છે. કોઈ ગુનાને લગતો પુરાવો મેળવવા પણ પોલીસે આ ઓફિસરની મંજૂરી લેવી પડે છે. ફિલ્ડ ઉપર આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ તેનો ઉપયોગ કરે છે. કેમેરાના ઓપરેશનમાં પોલીસ કર્મચારી કશું કરી શકતો નથી. તેની અંદર વીડિયો, લોકેશન અને ઓડિયો રેકોર્ડિંગનો સાત દિવસનો ડેટા જ સંગ્રહાયેલો રહે છે. જો કોઈ ગુનો બન્યો હોય તો તેનો વીડિયો અને ઓડિયો કસ્ટડીમાં લેવામાં આવે છે. બોડી વોર્ન કેમેરા બે પ્રકારના હોય છે બોડી ટુ અને બોડી થ્રી. બોડી ટુ પ્રકારના કેમેરા સામાન્ય વપરાશ માટે જ્યારે બોડી થ્રી પ્રકારના કેમેરા તહેવારો, સરઘસો, રેલી, VVIP વ્યક્તિની સિક્યુરિટી વગેરેમાં ઉપયોગમાં લેવાય છે. આ કેમેરા ત્રિનેત્ર સિસ્ટમ સાથે સંકળાયેલા છે. નવરાત્રિમાં પણ તેનો ઉપયોગ થશે.
સરકારી વકીલે કહ્યું કે 7000થી વધુ CCTV કેમેરા શહેરમાં ઇન્સ્ટોલ છે. તેના દ્વારા 6300 ગુનાઓને ડિટેક્ટ કરવામાં આવ્યા છે. વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત 33 જિલ્લામાં અને 6 યાત્રાળુ સ્થળોએ કેમેરા લાગ્યા છે. ગુજરાતમાં 41 શહેરોના ટ્રાફિક મેનેજમેન્ટમાં કેમેરા મહત્વનો ભાગ ભજવે છે. 7000થી વધુ કેમેરા શહેરના એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ પર લગાવવામાં આવશે.
ઓગણજ તોડકાંડ કેસમાં એક TRB જવાન પણ સામેલ હતો. જે ઓનરરી સેવા આપતો હતો અને તેને હાંકી કઢાયો હતો. કોર્ટે સરકારી વકીલને TRB એટલે શું? તેના માળખા અને તેમાં ઓનરરી સેવા એટલે શું? તેમ પૂછ્યું હતું. જેનો જવાબ આપવો સરકારને ભારે પડ્યો હતો. સરકારી વકીલે તાબડતોબ કોર્ટમાં ઉપસ્થિત પોલીસ ઓફિસરને બોલાવીને તે અંગે પ્રશ્ન કર્યો હતો. જેના જવાબમાં થોડા સમય બાદ પોલીસ ઓફિસરે જણાવ્યું હતું કે TRB એટલે ટ્રાફિક બ્રિગેડ. જોકે માનદ સેવક અને તેનું માળખું શું છે? તેની પોલીસને પણ ખબર નહોતી. જેવી રીતે હોમગાર્ડનું માળખું છે તેના કમાન્ડર હોય છે. તેવા TRBના માળખાની કોઈ ખબર ન હોવાથી આ મુદ્દે આગામી સુનાવણી આવતા શુક્રવારે હાથ ધરાશે.
સરકારી વકીલે કોર્ટની માહિતી આપતા જણાવ્યું હતું કે રાત્રિ દરમિયાન એરપોર્ટ અને રેલવે સ્ટેશનથી આવતા લોકોને ચેકિંગ અંગે પોલીસે SOP જાહેર કરી છે. જે મુજબ મહિલા યાત્રી સાથે મહિલા પોલીસ ઓફિસર જ પૂછપરછ કરી શકશે. જો મહિલા પોલીસ ઉપસ્થિત ન હોય તો પોલીસ ગાડીમાં પ્રવેશી શકશે નહીં. તેમજ મહિલા યાત્રી સાથે પૂછપરછ પણ કરી શકશે નહીં. ડ્રાઇવરની સીટ પાછળ પોલીસ કંટ્રોલ, મહિલા હેલ્પલાઇન વગેરે નંબર આપેલા હશે. ચેક પોઇન્ટ પાસે CCTV હોય તેનું ધ્યાન રખાશે. DYSP આવા ચેકિંગ પોઈન્ટની વિઝીટ કરશે. પોલીસ નાગરિકો સાથે સભ્ય રીતે વર્તન કરશે. અમદાવાદ શહેરમાં એસ.જી હાઈવે, રિવરફ્રન્ટ, આશ્રમ રોડ, એસ.પી.રિંગ રોડ વગેરે પોલીસ પોઇન્ટ પર DYSP ખાસ ચેકિંગ કરશે. પોલીસ ફરજિયાત રીતે યુનિફોર્મ અને નેમ પ્લેટ ધારણ કરશે. જે પોઇન્ટ પોલીસ કર્મચારીને સોંપાયો હોય ત્યાંથી તે બીજે જઈ શકશે નહીં. કોઈપણ વ્યક્તિની પોલીસને લગતી હેરાનગતિની ફરિયાદ આવશે તો તુરંત પગલાં લેવામાં આવશે. રાત્રે શહેરમાં પેટ્રોલિંગ કરવામાં આવશે. પોઇન્ટ પરના પોલીસ કર્મચારીઓનું તારીખ પ્રમાણે રોટેશન કરવામાં આવશે. રાત્રે DYSPને નાઈટ ડ્યુટી સોંપવામાં આવશે. અમદાવાદ શહેરના સેક્ટર-1 અને સેક્ટર-2ની મોનિટરિંગની જવાબદારી આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસની રહેશે.
ઓગણજ તોડકાંડ મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી શરૂ થતા જ ચીફ જજે સરકારી વકીલ અને કોર્ટ મિત્રને જણાવ્યું હતું કે એક સમાચાર સંસ્થાના અહેવાલમાં આજની સુનાવણીમાં સરકારે ફાઈલ કરવાની એફિડેવિટનો કેટલોક ભાગ છપાયો છે. તો તે ન્યૂઝ સંસ્થા સુધી કેવી રીતે પહોંચ્યો? આ ખૂબ જ ગંભીર બાબત છે. સરકારી વકીલે જણાવ્યું હતું કે દરેક કેસમાં આવું થાય છે. કોર્ટે જણાવ્યું હતું કે આ કેસ સબ જ્યુડિશિયલ છે, તો એફિડેવિટ બહાર જવી ન જોઈએ. ન માહિતી કેવી રીતે બહાર જાય! કોર્ટ મિત્રએ આ બાબતે પણ સુઓમોટો લેવી જોઈએ તેવું સૂચન કર્યું હતું. કોર્ટમાં ચર્ચા થઈ હતી કે વકીલ અને કોર્ટ રજિસ્ટ્રી મીડિયાને આવી એફિડેવીટ આપવા જાય નહીં, એટલે ત્યાંથી લીકેજ થયું લાગતું નથી. સરકારી વકીલે જણાવ્યું હતું કે ગઈકાલે બપોરે 2:30 કલાકે તેમણે રજિસ્ટ્રીમાં એફિડેવિટ ફાઇલ કરાવી હતી. જ્યારે તે પહેલા 1:45 કલાકે તેમણે કોર્ટ મિત્રને એફિડેવિટ આપી હતી. કોર્ટે આવી વસ્તુને રોકવા ઇન્કવાયરી થવી જોઈએ તેમ જણાવ્યું હતું. આ સાથે જ કોર્ટે જે સમાચાર સંસ્થાના અહેવાલમાં એફિડેવિટના કેટલાક ભાગની માહિતી છપાઇ છે. તેના એડિટરને નોટિસ પાઠવવાનો ઓર્ડર પણ પાસ કર્યો હતો. જોકે સુનાવણીના અંતે કોર્ટ મિત્ર શાલીન મહેતાએ જણાવ્યું હતું કે તેમની ઓફિસમાંથી જ કોઈ કર્મચારીએ આ એફિડેવિટની સોફ્ટ કોપી સમાચાર સંસ્થાને આપી છે. કોર્ટ મિત્રએ કોર્ટની માફી માંગતા અને આવી ભૂલ ફરી નહિ થાય તેવી બાહેંધરી આપતા આ ઓર્ડરને કોર્ટે રદ કર્યો હતો.