અત્યારે અનેક મેડિકલ સ્ટોર છે, જેના માટે ફાર્મસિસ્ટ પોતાનું સર્ટિફિકેટ આપે છે અને જેની સામે ભાડું વસૂલતા હોય છે. આ અંગે અત્યારસુધી 1 હજાર રૂપિયાનો દંડ હતો. જે દંડની રકમ વધારી હવે 1 લાખ કરવામાં આવી છે. ભારત સરકારે જન વિશ્વાસ બિલમાં ફાર્મસી એક્ટમાં સુધારો કરતા નવા દંડની રકમ નક્કી કરવામાં આવી છે. બીજીવાર નિયમનું ઉલ્લંઘન કરતા ઝડપાઇ તો 2 લાખનો દંડ અને 3 મહિનાની સજા કરવામાં આવશે.
ફાર્મસી એક્ટમાં સુધારો કરીને કાયદો કડક કર્યો ફાર્મસી માફિયા પર અંકુશ લાવવા માટે 75 વર્ષે કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો છે. ભારત સરકારે જાણ વિશ્વાસ બિલમાં ફાર્મસી એક્ટમાં સુધારો કરીને કાયદો કડક કર્યો છે. હવેથી ફાર્મસી એક્ટનો ઉલ્લંઘન કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ફાર્માસિસ્ટ પોતાનો રજિસ્ટ્રેશનનો ઉપયોગ કરી સર્ટિફિકેટ મેડિકલ સ્ટોર ચલાવવા ભાડે આપશે તો 1 લાખનો દંડ કરવામાં આવશે. અગાઉ હજારનો દંડ અને 6 માસની સજા હતી. જૂના કાયદામાં સુધારો કરીને દંડની રકમ 1 લાખ કરવામાં આવી છે.
ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખ મોન્ટુ પટેલે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ અને ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને પાવર આપવામાં આવ્યો છે. નિયમનું ઉલ્લંઘન કરનાર ફાર્માસિસ્ટને પ્રથમ વખત 1 લાખનો દંડ કરવામાં આવશે. બીજી વખત ઝડપાય તો 2 લાખનો દંડ અને 3 મહિનાની સજા કરવામાં આવશે. આ કાયદાથી ગામડાના લોકોને પણ ગામડાના મેડિકલ સ્ટોરમાંથી ફાર્માસિસ્ટ પાસેથી દવા મળશે. ફાર્માસિસ્ટ વિના દવા વેચી જ નહીં શકાય.
વધુમાં જણાવ્યું હતું કે, ફાર્મસી કાઉન્સિલ ઇન્ડિયા દ્વારા દેશના દરેક રાજ્યની સરકાર અને સ્ટેટ ફાર્મસી કાઉન્સિલને સેક્શન 26 હેઠળ જન વિશ્વાસ બિલમાં સુધારો આવ્યો છે તે અંગે જાણ કરવામાં આવી છે. ભાડા પર ફાર્મસીના રજિસ્ટ્રેશન ચાલી રહ્યા છે, ટીચર્સ પણ દવાઓ આપતા હોય છે તે બધા પર કાયદા દ્વારા નિયંત્રણ આવશે. લોકોને ફાર્માસિસ્ટ પાસેથી ચોક્કસ ગુણવત્તાવાળી દવા મળવી જોઈએ તે ફાર્માસિસ્ટની હાજરીમાં જ મળશે. અત્યાર સુધી ફાર્મસી માફિયાઓ ફાર્મસી ચલાવી રહ્યા હતા એ માફિયાગીરીનો અંત આવશે. હવે ગરીબ લોકો સુધી પણ ગુણવત્તાસભર દવા પહોંચશે.