આજ્યના પાટનગર ગાંધીનગરથી 13 કિલોમીટર દૂર આવેલ રૂપાલ ગામનો મહિમા અનોખો છે. જ્યાં આસો સુદ 9ની રાત્રે રૂપાલ ગામના તમામ રસ્તાઓ ઘી ની નદીઓ સમાન બની જાય છે. ત્યારે આસો સુદ 9 ના દિવસે રૂપાલ ગામમાં વરદાયિની માતાજીની પલ્લી ભરાઈ હતી. જેમાં 5 લાખથી વધુ લોકોએ દર્શનનો લ્હાવો લીધો હતો. વરદાયીની માતાજીની પલ્લી છેલ્લા 5000 વર્ષથી ભરાતી હોવાની ગ્રામજનોનું કહેવું છે.
ગ્રામજનોની શ્રદ્ધાની વાત કરવામાં આવે તો પલ્લીના દર્શન સમયે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. ત્યારે નાના બાળકો ભીડ જોઈને જ રડતા હોય છે. તેમ છતાં આ બાળકોને એક હાથે ઊંચકીને પલ્લીની જવાળા સુધી લઇ જવામાં આવે છે. નાના ભૂલકાઓને પલ્લીની જ્વાળા ઉપરથી શા માટે ફેરવવામાં આવે છે. તો તમને જણાવી દઈએ કે, રૂપાલ ગામમાં કોઈપણ દીકરો જન્મે તેની બાબરી સીધી રીતે કરી શકાતી નથી. જ્યોત ઉપરથી બાળકને ફેરવીને તેના દર્શન કરાવ્યા બાદ થોડા વાળ કાપવામાં આવે છે. ત્યાર બાદ આ બાળકને ચૌલ ક્રિયા કરી શકાય છે. જ્યાં સુધી રૂપાલ ગામમાં જન્મેલા દીકરાને પલ્લી જ્યોતના દર્શન ન કરાવવામા આવે ત્યાં સુધી બાળકની બાબરી ઉતારી શકાતી નથી.
રૂપાલ ગામના 27 ચોકમાં પલ્લીના રથને ઊભો રાખવામાં આવે છે. તે દરમિયાન ટ્રોલીમાં ભરેલા ઘીનો અભિષેક કરવામાં આવે છે. પલ્લીનો રથ બીજા નંબરના ચોકમાં આવે છે. તે પહેલા જ નાના ભૂલકાઓને રથની નજીક લાવવામાં આવે છે અને પલ્લી ઉપર ઘી ચડાવતા સ્વયંસેવકોનો બાળકો સોંપવામાં આવે છે. એક હાથે પકડી પકડીને સ્વયંસેવકો જ્યોત ઉપરથી બાળકોને ફેરવીને પોતાના માતા-પિતાને પરત આપે છે. રૂપાલ ગામમાં કોઈપણ વ્યક્તિના ઘરે દીકરાનો જન્મ થાય ત્યાર બાદ સવા મહિના બાદ દીકરાના પરિવારના કોઈપણ સભ્ય ઉપવાસ કરતા હોય છે. તે ઉપરાંત આ બાળકો જે વિસ્તારમાં રહેતા હોય તેજ ચોકમાં પલ્લીની જ્વાળાના દર્શન કરવા પડતા હોય છે. જ્યારે આસો માસની નવરાત્રીમાં ગ્રામજનો નકોડો ઉપવાસ કરે છે અને વરદાયિની માતાજીની પલ્લીના દર્શન કર્યા બાદ જ તે ઉપવાસ છોડે છે અને આ ઉપવાસ સંપૂર્ણ પ્રવાહી ઉપર જ રાખવામાં આવે છે. – નીતિન પટેલ, વરદાયિની માતા સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી
વરદાયિની માતાની પલ્લીની વાત કરવામાં આવે તો, રાત્રે 12:00 વાગ્યે પલ્લીની શરૂઆત કરવામાં આવી હતી અને માતાજી દર્શન આપવા માટે નીકળ્યા હતા. હજારો કિલો ઘી નો ઉપયોગ પલ્લીમાં કરવામાં આવ્યો હતો. જ્યારે તમામ ગલીઓમાં ઘી ની ખાસ ટ્રોલી રાખવામાં આવી હતી. આમ પલ્લીમાં ઘી નાખવાના નીયમથી વહેલી સવાર થતા જ રૂપાલ ગામના તમામ રસ્તાઓ પર જેમ ઘી ની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.
ગાંધીનગરથી 13 કિલોમીટરના અંતરે આવેલ શ્રી વરદાયિની માતાજીના મંદીરનુ નિર્માણ અનેક વખત થયુ હશે. પરંતુ માતાજી અહિ સુષ્ટિના નિર્માણથી જ બિરાજમાન છે. આધ્યશક્તિ માં નવદુર્ગા પોતાના નવ સ્વરૂપો પૈકી દ્રિતિય સ્વરુપ બ્રહ્મચારીણી હંસવાહીની સ્વરુપે સ્વયં અહી બિરાજમાન છે. રૂપાલાના પ્રખર વિધવાનોએ પ્રાચીન ધર્મગ્રંથોનો ઉંડો અભ્યાસ સંશોધન કરી તેઓ આધાર લઈ માં શ્રી વરદાયીની માહાત્યમ નામના ગ્રંથની રચના કરી હતી. જે લગભગ અપ્રાય બનતા તેમના વારસદારો પાસેથી શ્રી વરદાયીની માતા દેવસ્થાન સંસ્થાના ટ્રસ્ટીઓએ તે જીર્ણ હાલતમા મેળવી આ ગ્રંથનુ પુન : મુદ્રણ કરાવી લોક સમુદાય આગળ મુકયો છે.
સુષ્ટિના પ્રારંભે અહિં દુર્મદ નામનો અતિ બળવાન અને ભયંકર રાક્ષસ રહેતો હતો. તેણે બ્રહ્માજીએ રચેલ સુષ્ટિનો નાશ કરી સ્વયં બ્રહ્માજીને અતિ ત્રાસ આપતા તેઓ શ્રી વરદાયીની માતાજીના પુત્રરુપે શરણે ગયા હતા. શ્રી માતાજીએ તેમને પુત્રરુપે સ્તનપાન કરાવી સાત્વના આપી હતી. અજેય દૈત્ય દુર્મદ સાથે દારુણ યુદ્ધ કરી તેનો સંહાર કર્યો અને માનસરોવરનું સ્વયં નિર્માણ કરી પોતે તેમાં સ્નાન કરી પોતાના લોહીવાળા વસ્ત્રો તેમાં ધોયા અને શ્રી વરદાયીની માતાજીયે અહિ જ નિવાસ કર્યો હતો.
ત્રેતા યુગમાં ભગવાન શ્રી રામચંદ્ર પિતાની આજ્ઞા પાળવા વનમાં ગયા હતા. ત્યારે તેમણે ભરત મિલાપ બાદ શ્રી સૃંગી ઋષિના આદેશથી લક્ષ્મણ તથા સીતામાતા સહિત શ્રી વરદાયીની માતાજીના દર્શન કરી પુજા અર્ચના કરી પ્રાર્થના કરી હતી. શ્રી વરદાયીની માતાજીએ પ્રસન્ન થઈ ભગવાન શ્રી રામચંદ્રને આશીર્વાદ આપી શક્તિ નામનુ એક અમોધ દિવ્ય અસ્ત્ર આપ્યુ હતું. લંકાના યુદ્ધમાં ભગવાન શ્રી રામચંદ્ર આજ બાણથી અજેય રાવણનો વધ કર્યો હતો.
કળીયુગમાં પાટણના રાજા સિદ્ધરાજ જયસીંહની માળવાના રાજા યશોવાર્માએ અવગણના કરતા તેની સાથે વેર બાંધતા, એમણે તેઓ યશોવાર્માનો વધ ન કરે ત્યાર સુધી અન્ન ન લેવાની અવિચારી પ્રતિજ્ઞા લઈ અન્નનો ત્યાગ કર્યો અને સેના લઈ માળવા ઉપર ચઢાઈ કરવા પ્રયાસ કર્યુ. રાજા ભૂખના કારણે ખૂબ પીડાવા લાગ્યો, તે અરસામાં તેમનો પડાવ રૂપાલમાં માતાજીના મંદિર પાસે હતો. રાજા અવિચારી પ્રતિજ્ઞાથી ચિતિત અવસ્થામાં નીંદરાધીન થયા ત્યારે માતાજીએ સ્વપ્ન દર્શન આપી કહ્યુ, સવારે ઉઠી ગાયના છાણાનો કિલ્લો બનાવી, તેમાં અડદના લોટનું શત્રુનુ પુતળું બનાવી તેનો વધ કરી અન્ન ગ્રહણ કરજે, આ રીતે તારી પ્રતિજ્ઞા પૂર્ણ થશે. ત્યારબાદ તુ માળવા પર ચઢાઈ કરજે. માના આશીર્વાદથી યુદ્ધમાં યાશોવર્માનો વધ કર્યો. ત્યારબાદ સીદ્ધરાજ જયસીંહે રૂપાલ આવી માતાજીની પુજા કરી નવેસરથી મંદિર બનાવ્યું, માતાજીની મુર્તિ બનાવી તેની પ્રતિષ્ઠા કરી. સીદ્ધરાજ જયસીંહેને માતાજીએ દર્શન આપ્યા હોય તેઓ વડેચી તરીકે પણ ઓડખાયા છે.
રૂપાલ ગામની મંદિરની પલ્લીની વાત કરવામાં આવે તો આસો સુદની 9 ના રાત્રે 12 વાગ્યાની આસપાસ પલ્લીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે સવારે 7 વાગે પલ્લી નિજ મંદિરે પરત ફરશે સાથે જ દશેરાના દિવસે પણ લોકો અહીંયા પલ્લીના દર્શન કરવા આવે છે. ઉપરાંત રાત્રે પણ અહીંયા ગાંધીનગર, અમદાવાદ અને આસપાસના જિલ્લાઓ ઉપરાંત દેશ વિદેશથી લોકો પલ્લીના દર્શન કરવા માટે આવે છે.
રૂપાલ ગામમાં લાખોની સંખ્યામાં ભક્તો અને શ્રદ્ધાળુ પહોંચતા મોબાઇલ નેટવર્ક જામ થઈ ગયા હતા અને લોકો પલ્લીના દર્શન કરવા માટે તમામ ઘરના ધાબા ઉપર ઓસરીમાં અને શેરીમાં દર્શનની રાહ જોતા આખી રાત ઉભા રહ્યા હતા. જ્યારે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આરોગ્ય કેમ્પની પણ સુવિધા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી કે જ્યારે 3 જેટલા બસ સ્ટેન્ડની પણ ટેમ્પરરી વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હોવાને વિગતો વરદાયિની મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી નીતિન પટેલે જણાવ્યું હતું.