ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સુરંગ દુર્ઘટનામાં ફસાયેલા શ્રમિકોને બહાર કાઢવા માટે યુદ્ધસ્તર પર પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ફસાયેલા શ્રમિકોને માટે NDRF, SDRF, સ્થાનિક વહિવટીતંત્ર, નિષ્ણાતો છેલ્લા 5 દિવસથી સતત કામ કરી રહ્યા છે. બીજી બાજુ આજે આ રેસ્ક્યુ ઓપરેશનમાં વધુ ઝડપ લાવવા માટે વિદેશી નિષ્ણાતોની મદદ લેવામાં આવી છે.
મંગળવારે મોડી રાત્રે કાટમાળમાં ડ્રિલિંગ સમયે જ્યારે ભૂસ્ખલન અને માટી સતત પડવાથી બચાવ અભિયાન અધવચ્ચે અટકાવવું પડ્યું હતું. ત્યારબાદ ઓગર મશીન પણ ખરાબ થઈ ગયા હતા. અને આ મશીન વગર ડ્રિલિંગ કરવું શક્ય ન હતું. આ સંજોગોમાં દિલ્હીથી અન્ય ઓગર મશીન મંગાવવામાં આવ્યા હતા.
વાયુસેનાના હરક્યુલિસ વિમાન મારફતે આ મશીનોને પહોંચાડવામાં આવ્યા હતા. વાયુ સેનાના હરક્યુલિસ વિમાનો મારફતે 25 ટન વજનના અત્યાધુનિક ઓગર મશીન દિલ્હીથી ઉત્તરકાશી પહોંચાડવામાં આવ્યા અને ત્યારબાદ તાત્કાલિક ડિલિંગ કામગીરી ફરીથી શરૂ થયું હતું.
ઉત્તરાખંડમાં જ્યાં સુરંગ આવેલી છે ત્યાં પહાડોની નાજુક સ્થિતિને જોતા નોર્વે અને થાઈલેન્ડના નિષ્ણાતોની મદદ લેવામાં આવી છે. આ નિષ્ણાતો પાસેથી એ બાબત સમજવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે કેવી રીતે આ શ્રમિકોને જલ્દીથી બહાર કાઢવામાં આવે. 800 મિમી અને 900 મિમી એક્ઝિટ ટ્યુબ માટે 50 મીટર સુધી કાટમાળમાં પ્રવેશ કરવો પડશે.
એક વખત આમ કરવાથી જ કાટમાળની બીજી બાજુ ફસાયેલા શ્રમિકોને સુરક્ષિત રીતે બહાર કાઢી શકાશે. બીજી બાજુ આ બચાવ કામગીરી સંભાળી રહેલા અભિષેક રુહેલાએ કહ્યું કે અમે ટૂંક સમયમાં શ્રમિકો સુધી પહોંચી જશું. આ માટે સતત પ્રયત્ન ચાલી રહ્યા છે.