નેશનલ હેરાલ્ડ કેસમાં એનફોર્સમેન્ટ ડિરેક્ટોરોટ(ઈડી)એ આજે મોટી કાર્યવાહી કરી છે. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને આ કેસમાં ઈડીએ મોટો ઝટકો આપ્યો છે. એસોસિએટેડ જર્નલ લિમિટેડ(AJL) અને યંગ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડની 751 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. નોંધનીય છે કે, નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડીએ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની પૂછપરછ કરાઈ હતી.ત્યારે આજે મોટી કાર્યવાહી કરી છે.
નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડીએ મની લોન્ડરિંગના આરોપો હેઠળ કોંગ્રેસ-સંલગ્ન AJL અને યંગ ઈન્ડિયનની 751 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ જણાવ્યું કે જપ્ત કરાયેલી AJLની સંપત્તિ દિલ્હી, મુંબઈ અને લખનઉ સહિતના શહેરોમાં છે. જેની કુલ કિંમત 661 કરોડ રૂપિયા છે.
EDએ સોશિયલ મીડિયા પર એક નિવેદન જારી કરીને કહ્યું કે યંગ ઈન્ડિયનની પ્રોપર્ટીની કિંમત 90 કરોડ 21 લાખ રૂપિયા છે. એજન્સી આ મામલામાં અગાઉ સોનિયા અને રાહુલ ગાંધીની પૂછપરછ કરી ચૂકી છે.
નેશનલ હેરાલ્ડ કેસ શું છે?
જવાહરલાલ નેહરુએ 1938માં એસોસિએટેડ જર્નલ લિમિટેડ નામની કંપનીની રચના કરી હતી. જેમાં 5000 સ્વાતંત્ર્ય સેનાનીઓ શેરધારકો હતા. આ કંપની નેશનલ હેરાલ્ડ નામનું અંગ્રેજી અખબાર પ્રકાશિત કરતી હતી. આ સિવાય AJL ઉર્દૂમાં કૌમી આવાઝ અને હિન્દીમાં નવજીવન નામના અખબારો પ્રકાશિત કરતું હતું. જોકે, અખબાર ખોટમાં જતા અને કોંગ્રેસ પાસેથી રૂ. 90 કરોડની લોન લેવા છતાં 2008માં બંધ કરી દેવામાં આવ્યું હતું.
જોકે, 2010માં યંગ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ (YIL) નામની એક નવી સંસ્થાની રચના કરવામાં આવી હતી. જેણે નેશનલ હેરાલ્ડ ચલાવતા AJLને સંભાળ્યું. YILના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનો સમાવેશ થાય છે. YIL માં સોનિયા અને રાહુલનો હિસ્સો 76% હતો અને બાકીનો 24% મોતીલાલ વોરા અને ઓસ્કર ફર્નાન્ડીઝ પાસે હતો. મોતીલાલ વોરાનું 2020માં અને ઓસ્કર ફર્નાન્ડીઝનું 2021માં નિધન થયું હતું. આ પછી કોંગ્રેસે AJLની 90 કરોડ રૂપિયાની લોન YILને ટ્રાન્સફર કરી દીધી. અને YIL પર 50 લાખ આપીને AJLની 2000 કરોડ રૂપિયાની સંપત્તિ પર કબજો કરવાનો આરોપ છે.