અમદાવાદમાં આશ્રમરોડ હયાત હોટલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને અમદાવાદમાંયોજાઈ પ્રિ-વાઇબ્રન્ટ એક્સપોર્ટર્સ કોન્ફરન્સ
વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત@૨૦૪૭ના સંકલ્પને પાર પાડવામાં વિકાસ ક્રાંતિની સાથે નિકાસ ક્રાંતિ પણ નિર્ણાયક બની રહેશે
વાઇબ્રન્ટ ગુજરાત સમિટ દુનિયાભરના રોકાણકારો, ઉદ્યોગકારો, થોટલીડર્સ માટે નોલેજ શેરિંગનું ગ્લોબલ પ્લેટફોર્મ બની ચૂકી છે
રાજ્ય સરકારના પ્રો-એક્ટિવ ગવર્નન્સ અને ઇન્વેસ્ટર્સ ફ્રેન્ડલી અભિગમના પરિણામે ગુજરાત ભારતનું એક્સપોર્ટ હબ બનવા અગ્રેસર છે
વિશ્વની બજારોમાં ભારતના દબદબાની લોસ્ટ ગ્લોરી વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ફરી ઉજાગર થઈ રહી છે
ભારતને પાંચ ટ્રિલિયન ડૉલર ઇકોનોમી બનાવવાના વડાપ્રધાનશ્રીના લક્ષ્યને પૂર્ણ કરવા માટે ઉત્પાદન અને નિકાસ બન્ને ઉપયોગી અને મહત્ત્વપૂર્ણ ક્ષેત્રો છે
નરેન્દ્રભાઈના વિઝનરી નેતૃત્વને કારણે બે દાયકામાં ગુજરાતની નિકાસ 24 ગણી વધી છે : ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત
ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત, ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા તથા અમદાવાદ શહેરના મેયર શ્રીમતી પ્રતિભા જૈન ઉપસ્થિત રહ્યાં
અમદાવાદ
અમદાવાદમાં આયોજિત પ્રિ-વાઇબ્રન્ટ એક્સપોર્ટર્સ કોન્ફરન્સ-‘એક્સ્પોર્ટ એક્સેલરેટ’ને સંબોધતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આ કોન્ફરન્સ રાઈટ જોબ એટ ટાઈમ છે. ગેટ વે ટુ ધ ફ્યુચરની થીમ સાથે ૧૦મી વાઇબ્રન્ટ સમિટ આગામી ૧૦થી ૧૨ જાન્યુઆરી ૨૦૨૪ દરમિયાન યોજવા જઈ રહી છે ત્યારે એક્સ્પોર્ટને એક્સલરેટ કરવા માટેની આ પ્રિ-વાઈબ્રન્ટ કોન્ફરન્સ એક મહત્ત્વની કડી સાબિત થશે. આ વખતની વાઇબ્રન્ટ સમિટ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં ઉપયોગી બની રહેશે. વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત@૨૦૪૭ના સંકલ્પને પાર પાડવામાં વિકાસ ક્રાંતિની સાથે નિકાસ ક્રાંતિ પણ નિર્ણાયક બની રહેશે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૦૩માં શરૂ કરાવેલી વાઇબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતા અને બે દાયકાથી વૈશ્વિક રોકાણકારોના મળી રહેલા જબરદસ્ત પ્રતિસાદથી આજે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ દુનિયાભરના રોકાણકારો, ઉદ્યોગકારો, થોટલીડર્સ માટે નોલેજ શેરિંગનું ગ્લોબલ પ્લેટફોર્મ બની ચૂકી છે.આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વોકલ ફોર લોકલની વાત કરતા કહ્યું કે, આજે ભારત દેશ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્ત્વમાં અનેક ક્ષેત્રે આત્મનિર્ભર બની ગયો છે. એક સમયે ખૂબ આયાત કરનાર ભારત દેશ આજે અનેક વસ્તુઓ, ઉત્પાદનો અને સેવાઓ એક્સપોર્ટ કરતો દેશ બની ગયો છે. આજે ગુજરાત રાજ્ય કાચા માલને બદલે ફાયનલ પ્રોડક્ટ જ એક્સપોર્ટ કરી રહ્યું છે. આ સાથે વડાપ્રધાન શ્રીએ દેશને ‘વોકલ ફોર લોકલ’નું સૂત્ર આપ્યું છે અને હવે ‘લોકલ ગોઝ ગ્લોબલ’નો નવો રાહ ચીંધ્યો છે, એવું તેમણે ઉમેર્યું હતું.ડિજિટલ ટેકનોલોજી અંગે વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વર્તમાન સમયમાં ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગથી વ્યક્તિ દુનિયાના કોઇ પણ છેડે પોતાની પ્રોડક્ટ વેચી શકે છે. ડિજિટલ ટ્રેડના કારણે એક્સપોર્ટ હવે વધુ સરળ, ઝડપી અને વિશ્વસનીય બન્યું છે. આ સાથે ડિજિટલ ટેકનોલોજીએ એક્સપોર્ટ સેક્ટરની નવી દિશાઓ ખોલી આપી છે. આ અવસરે એમ.એસ.એમ.ઈ. વિશે વાત કરતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, એમ.એસ.એમ.ઈ. એકમો પોતાની પ્રોડક્ટની નિકાસ કરી શકે તે માટે રાજ્ય સરકારે માર્કેટ ડેવલપમેન્ટ સહાય યોજના અંતર્ગત રૂપિયા ૪૩ કરોડની સહાય કરી છે. રાજયમાં બે દાયકામાં એમ.એસ.એમ.ઈ.ની સંખ્યા પોણા ૩ લાખથી વધીને ૮ લાખ ૬૬ હજારે પહોંચી ગઈ છે. આમ, શ્રી નરેન્દ્ર ભાઈના નેતૃત્વમાં ૨૦ વર્ષમાં ગુજરાતે ઉત્પાદન અને નિકાસ બંને ક્ષેત્રમાં ખૂબ મોટી હરણફાળ ભરી છે.રાજ્ય સરકારના પ્રો-એક્ટિવ ગવર્નન્સ અને ઇન્વેસ્ટર્સ ફ્રેન્ડલી અભિગમ તેમજ મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સીમલેસ કનેક્ટિવિટી, ઇઝ ઓફ લોજિસ્ટિક્સ અને એકસપોર્ટ ઇકોસિસ્ટમને કારણે ગુજરાત ભારતનું એક્સપોર્ટ હબ બનવા અગ્રેસર છે. વર્ષ ૨૦૦૨માં આપણા પોર્ટ્સ પરથી ૧૨૦૦ લાખ મેટ્રિક ટન કાર્ગો વહન થતું તે આજે ૫૪૦૦ લાખ મેટ્રિક ટન થઈ ગયું છે.
વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપ અંગે વાત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાનશ્રીની નેતૃત્વમાં જી -૨૦, બિઝનેસ અને ઇન્વેસ્ટમેન્ટ ફ્રેંડલી તંત્ર, વિશ્વનું સૌથી મોટું માર્કેટ અને વિશાળ યુથ ટેલેન્ટ પુલથી ભારતે તેની વિશ્વમાં શાખ વધારી છે. એટલું જ નહિ, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં હવે ભારતે નવા સપના, નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપમાં ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે. હવે વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનાવવાનું ભારતનું લક્ષ્ય છે. આ સાથે ભારતને પાંચ ટ્રિલિયન ડૉલર ઇકોનોમી બનાવવાનો પણ વડાપ્રધાનશ્રીએ લક્ષ્ય નિર્ધાર કર્યો છે જેને સાકાર કરવામાં ગુજરાત વાઈબ્રન્ટ સમિટ પણ મહત્ત્વપૂર્ણ કડી સાબિત થશે, એવો વિશ્વાસ પણ મુખ્યમંત્રીએ વ્યકત કર્યો હતો. આજના પ્રસંગે ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, આજથી ૨૦ વર્ષ પહેલાં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘદૃષ્ટિને કારણે આજે ગુજરાત દેશનું એક્સપોર્ટ હબ બન્યું છે. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આગામી સમયમાં ગુજરાત વિશ્વ સ્તરે એક્સપોર્ટ હબ બનશે. નરેન્દ્રભાઈના વિઝનરી નેતૃત્વને કારણે બે દાયકામાં ગુજરાતની નિકાસ 24 ગણી વધી છે. જેના મૂળમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇનું માર્ગદર્શન અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની નિર્ણાયકતા છે. તેમણે ઉમેર્યુ કે, 48 બંદરો, એર કાર્ગો ચેઇન, ધોલેરા અને ગિફ્ટ સિટી જેવા પ્રકલ્પો અને માળખાકીય સુવિધાઓને કારણે દેશની કુલ નિકાસમાં ગુજરાતનો હિસ્સો 33% થયો છે. ગુજરાત પોલિસી ડ્રિવન સ્ટેટ હોવાનું જણાવી તેમણે ઉમેર્યું કે, ગુજરાતમાંથી વિશ્વના દેશોમાં થતી નિકાસ પણ નોંધપાત્ર છે. ગુજરાતમાંથી અમેરિકામાં 27%, સાઉદીમાં 37%, ઓસ્ટ્રેલિયામાં 52%, સાઉદી અરેબિયામાં 41%, મલેશિયામાં 30% નિકાસ થાય છે.
નીતિ આયોગના વરિષ્ઠ સલાહકાર સંજીત સિંહે પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના લક્ષ્યની પૂર્તિ માટે નેતૃત્વ કરી શકે તેવું કોઈ રાજ્ય હોય તો એ ગુજરાત છે. વિકાસ અને નિકાસ મામલે ગુજરાત ફ્રન્ટ રનર રહ્યું છે. આજે અનેક ક્ષેત્રના ઉત્પાદકો અને રોકાણકારોને ગુજરાત આકર્ષી રહ્યું છે, વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા કેન્દ્ર, રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક ટીમ તરીકે કામ કરવા આહવાન કર્યું છે. ત્યારે રાજ્યના વિકાસથકી રાષ્ટ્રના વિકાસનું ઉત્તમ ઉદાહરણ ગુજરાતે પૂરું પાડ્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું.
સંજીત સિંહે ઉમેર્યું કે, ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે. છેલ્લાં ત્રણ નાણાકીય વર્ષથી ગુજરાત નિકાસમાં મોખરે છે તેનું કારણ અહીં રોડ અને રેલવે, હવાઈ અને જળ માર્ગે નિકાસ માટે પૂરતી આંતરમાળખાકીય સુવિધાઓ છે. ત્યારે દેશને પાંચ ટ્રિલિયન ડૉલરની ઇકોનોમી બનાવવા માટે અન્ય રાજ્યો માટે ગુજરાત અનુકરણીય છે.આજના પ્રિ-વાયબ્રન્ટ એક્સપોર્ટર્સ કોન્ફરન્સમાં ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, રસના ઇન્ટરનેશનલના ગ્રૂપ ચેરમેન પીરુઝ ખંભાતા, હિતાચી હાઇરેલ પાવરના મેનેજિંગ ડિરેકટર દર્શનભાઈ શાહ સહિતના ઉદ્યોગ જગતના અગ્રણીઓ, ધારાસભ્ય સર્વશ્રીઓ હસમુખ પટેલ, બાબુસિંહ જાદવ, કંચનબેન રાદડિયા, દર્શનાબેન વાઘેલા, કૌશિકભાઈ જૈન, અમિત ઠાકર તથા શહેર મેયર શ્રીમતી પ્રતિભા જૈન, ડેપ્યૂટી મેયર જતીન પટેલ, મનપાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી, અધિક મુખ્ય સચિવ એસ.જે.હૈદર, ઉદ્યોગ કમિશનર સંદીપ સાગલે તથા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.