ન્યૂ ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં જીવલેણ અકસ્માત સર્જાયો હતો. જેમાં સફેદ રંગની સ્કોર્પિયો કારની ટક્કરથી એક્ટિવા સવાર મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારે સારવાર શરૂ થાય તે પહેલાં મોત નિપજ્યુ હતું. ઈન્ફોસિટી પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં સર્જાયેલા અકસ્માતમાં મહિલાનું મોત નીપજ્યું છે. ગાંધીનગરના કુડાસણમાં રાધેહોમ્સ ખાતે રહેતાં દિનેશભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ, આજે સવારે તેઓ ઘરે હતા. ત્યારે સાળા વિજયનો ફોન આવ્યો હતો. વિજયભાઈના માતા (ફરિયાદીના સાસુ) સુરજબેન એક્ટિવા લઈને જતા હતા. ત્યારે મહાલક્ષ્મી સોસાયટી નજીકના ક્રોસ રોડ પર અકસ્માતનો ભોગ બનેલા હતા.
કુડાસણના સરદાર ચોક ખાતેથી આવી રહેલી સફેદ રંગની સ્કોર્પિયો કાર નં જીજે 23 એએન 9314ના ચાલકે પૂરઝડપે અને ગફલત રીતે હંકારીને એક્ટિવાને ટક્કર મારી હતી. આ ટક્કર બાદ સુરજબેનને શરીરે ઈજા થતાં સ્કોર્પિયો ચાલક તેમને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. માથા પર ગંભીર ઈજાના પગલે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ બાદ પરિવારજનોને અંતિમક્રિયા માટે મૃતદેહ સોંપાયો હતો. સવારે બનેલા આ બનાવ અંગે કાર ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી ઈન્ફોસિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.