હિટ એન્ડ રન કેસ માટેના નવા કાયદાને લઈને સરકાર અને ટ્રાન્સપોર્ટરો વચ્ચે સમાધાન થઈ ગયું છે. ટ્રાન્સપોર્ટ સંગઠને દેશભરના ડ્રાઈવરોને હડતાળ પાછી ખેંચવા કહ્યું છે. સરકારની તરફથી આશ્વાસન આપવામાં આવ્યું છે કે હાલ કાયદો લાગુ કરવામાં નહીં આવે અને જ્યારે પણ કાયદો લાગુ થશે ત્યારે સંગઠન સાથે ચર્ચા કરવામાં આવશે. ત્યાર પછી ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે ડ્રાઇવરોને હડતાળ પરત ખેંચવા અપીલ કરી છે.
કેન્દ્ર સરકારે હડતાળ કરનારા ટ્રક ડ્રાઈવરોને કામ પર પાછા ફરવાની અપીલ કરી છે. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ મંગળવારે નવી દિલ્હીમાં ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ સાથે બેઠક યોજી હતી. આ પછી કહેવામાં આવ્યું હતું કે નવો કાયદો હજી લાગુ થયો નથી. ભારતીય ન્યાયિક સંહિતા 106/2 લાગુ કરતા પહેલા AIMTCના પ્રતિનિધિઓ સાથે ચર્ચા થશે, ત્યારબાદ જ નિર્ણય લેવામાં આવશે.
હિટ એન્ડ રન કાયદામાં નવા ફેરફારો સામે ઘણા રાજ્યોમાં ટ્રક ચાલકો હડતાળ પર હતા. જેના કારણે પેટ્રોલ-ડીઝલ, ફળ-શાકભાજી અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ પહોંચી રહી નહતી. જેના કારણે આ તમામના ભાવમાં વધારો થયો છે. કોંગ્રેસ અને ભારતીય કિસાન યુનિયને ટ્રક ડ્રાઈવરોની હડતાળને સમર્થન આપ્યું હતું.
એવો અકસ્માત, જેમાં વાહનની ટક્કર માર્યા બાદ ડ્રાઈવર સ્થળ પરથી ભાગી જાય છે, એને ‘હિટ એન્ડ રન’ કેસ ગણવામાં આવે છે. હિટ એન્ડ રનના કેસમાં ઘણી વખત ઈજાગ્રસ્ત વ્યક્તિને સમયસર હોસ્પિટલમાં લઈ જવામાં આવે અથવા પ્રાથમિક સારવાર મળે તો તેને બચાવી શકાય છે. જૂના કાયદા મુજબ હિટ એન્ડ રન કેસમાં બે વર્ષની જેલની જોગવાઈ હતી અને જામીન પણ મળતા હતા.
ટ્રક અને બસ-ડ્રાઈવરોના આ વિરોધનું કારણ હિટ એન્ડ રનનો નવો કાયદો છે. નવો કાયદો કહે છે કે જો કોઈ રોડ અકસ્માતમાં મૃત્યુ પામે છે અને ડ્રાઈવર સ્થળ પરથી ફરાર થઈ જાય છે તો તેને 10 વર્ષની જેલની સજા થઈ શકે છે. આ ઉપરાંત 7 લાખ રૂપિયાનો દંડ પણ ભરવો પડશે. માત્ર ટ્રક-ડ્રાઈવરો જ નહીં, બસ, ટેક્સી અને ઓટો-ડ્રાઈવરો પણ એનો વિરોધ કરી રહ્યા છે. નવા નિયમો ખાનગી વાહનચાલકોને પણ સમાન રીતે લાગુ પડશે.