બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના નાના સખપર ગામના એક જ પરિવારના પિતા, પુત્ર અને બે પુત્રીઓ સહિત કુલ ચાર વ્યક્તિઓએ 31 ડીસેમ્બર 2023ના રોજ, સામૂહિક આત્મહત્યા કરી લીધી હતી. મૃત્યુ પામનારાઓમાં મંગાભાઈ વાઘાભાઈ વિંઝુડા (ઉ. 42-પિતા)/ જીગ્નેશ ઉર્ફે જીગાભાઈ મગાભાઈ વિંઝુડા (ઉ. 19-પુત્ર)/ સોનલબેન ઉર્ફે સોનીબેન મંગાભાઈ વિંઝુડા (ઉ. 17-પુત્રી)/ રેખાબેન ઉર્ફે રાધીબેન મંગાભાઈ વિંઝુડા(ઉ.21-પુત્રી)નો સમાવેશ થાય છે. આ ઘટનાથી સમગ્ર પંથક આઘાતથી સ્તબ્ધ બની ગયો હતો.
16 ઓગસ્ટ 2023ના રોજ દીવાલની વાડ બાબતે મંગાભાઈને મોટા ભાઈ હીરાભાઈ સાથે બોલાચાલી/ મારામારી થઈ હતી. હીરાભાઈને માથામાં ઈજા થઈ હતી. તેથી આ ચારેય મૃતકો પર IPC કલમ-307 હેઠળ ગઢડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ. 27 ડિસેમ્બર 2023ના રોજ ચારેય જામીન પર છૂટ્યા હતા. આર્થિક તેમજ માનસિક સ્થિતિ ખરાબ હોવાના કારણે આપઘાત કર્યો હોવાનું મૃતકના ભાઈ કનુભાઈએ પોલીસને જણાવ્યું હતું.
ભાઈ-ભાઈ વચ્ચેના ઝઘડાએ કેવું વિકરાળ સ્વરુપ ધારણ કર્યું તેનું આ ઉદાહરણ છે. કૌટુંબિક ઝઘડામાં સહિષ્ણુ ન બને તો શું પરિણામ આવે તે આ ઘટના દર્શાવે છે. પોલીસ કેસ/ જેલ/ વકીલ વગેરે પરિવારને આર્થિક રીતે પાયમાલ કરી મૂકે છે. આ સત્ય કેમ સમજાતું નથી? [2] પંચાયત એક્ટ હેઠળ ગામના ઝઘડા ગામના સ્તરે ઉકેલે તે માટે સરકાર તરફથી શામાટે કોશિશ થતી નથી? [3] મોટાભાગના ઝઘડાનું મૂળ આર્થિક હોય છે. આર્થિક કટોકટી પરિવારને ડામાડોળ કરી મૂકે છે. ઝડતા/ કટ્ટરતા/ અંધવિશ્વાસ/ સામાજિક, રાજકીય, ધાર્મિક અંધભક્તિ માણસની વિવેકશક્તિ છીનવી લે છે. જેનું પરિણામ આત્મહત્યામાં પરિણમે છે. સ્વ-જાગૃતિ હોશપૂર્વક જીવવા માટે જરુરી છે. આટલું ક્યારે સમજાશે? [4] 17-19 વરસના યુવાનો આત્મહત્યા કરે તે ચિંતાનો વિષય છે. આ બાબતે સરકારે અભ્યાસ-સંશોધન કરી-કરાવી પગલાં લેવાની જરુરિયાત ઊભી થઈ છે. વિકાસની આંધળી દોટમાં વધતી જતી અસમાનતાના કારણે, વર્ષ 2023માં ગુજરાતમાં 13 થી વધુ પરિવારોએ સામૂહિક આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું છે. આર્થિક સંકડામણ, વધતી જતી અસમાનતા, સામાજિક અસુરક્ષા, ડર, વ્યાજખોરોનો આતંકના કારણે ન છૂટકે સામૂહિક રીતે જીવન ટૂંકાવવા લોકો મજબૂર બને છે. ગુજરાતમાં 2017થી 2021, પાંચ વર્ષમાં રોજમદાર શ્રમિકોના આત્મહત્યાના દરમાં 50. 44%નો વધારો થયો છે;
અસમાનતા જેટલી વધશે તેટલી આત્મહત્યા પણ વધશે ! રોજના લગભગ 9 શ્રમિકો આત્મહત્યા કરે છે ! ‘દૈનિક વેતન દર’ એક મુખ્ય પરિબળ છે. અર્થશાસ્ત્રી ઈન્દિરા હિરવે કહે છે : “ગુજરાતમાં કામદારોનો સરેરાશ દૈનિક વેતન દર ભારતમાં સૌથી ઓછો છે ! કેરળમાં રુપિયા 837.7; તમિલનાડુમાં રુપિયા 478.6; જમ્મુ અને કાશ્મીરમાં રુપિયા 519; હિમાચલ પ્રદેશમાં રુપિયા 462; બિહારમાં રુપિયા 328.3 છે, જ્યારે ગુજરાતમાં આ દર રુપિયા 295.9 છે ! ગુજરાતમાં 85 % શ્રમિકો અસંગઠિત ક્ષેત્રમાં છે, તે બધાને કાયમી કામ મળતું નથી ! એક તરફ ગુજરાતની પ્રગતિની વાહવાહી, બીજી તરફ સામૂહિક આત્મહત્યાઓ ! શું આ ચિંતાનો વિષય નથી?