મહેસુલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રીશ્રી નીતીનભાઈ પટેલની સરકાર દ્વારા પારદર્શક ભ્રષ્ટ્રાચારમુક્ત વહીવટ માટે લોકોપયોગી પગલાં લેવામાં આવી રહ્યા છે. સામાન્ય પ્રજાજનને તેના સરકારી કામકાજ માટે સમય વ્યતિત ન થાય, વહીવટી પ્રક્રિયા સરળ, ઝડપી અને પારદર્શક બને તે માટે અસંખ્ય પગલાં આ સરકારે લીધેલ છે. સામાન્ય પ્રજાજનને પડતી મુશ્કેલીઓનો નિકાલ થાય, તેનું ઝડપથી કામ થાય, તેના કામમાં લેભાગુ તત્વોની દખલગીરી ન થાય, લોકોની માલ મિલકતની સલામતી બની રહે તે માટે The Registration (Gujarat Amendment Bill-2020) લાવવામાં આવ્યું છે. મંત્રી પટેલે આ અંગે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ધદ્રષ્ટી અને સમયબધ્ધ આયોજનના પરીણામે આજે ગુજરાત દેશનું રોલ મોડલ બની રહ્યું છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતીનભાઈ પટેલના નેતૃત્વ વાળી રાજ્ય સરકારે વિવિધ મહેસુલી સુધારાઓ કર્યા છે. જેના ખૂબ સારા પરીણામો પ્રાપ્ત થઈ રહ્યા છે. ત્યારે રાજ્યના સુગ્રથિત વિકાસ માટે રજીસ્ટ્રેશનની કામગીરી ક્ષતિરહિત બને, ઝડપી બને, ભૂમાફિયાઓ દ્વારા મિલકત ધારકોની મિલકત છેતરપીંડીથી હડપ ન થાય, મિલકતધારકોના હક્કોનું રક્ષણ થાય તે હેતુથી દસ્તાવેજોની નોંધણી પ્રક્રિયા ચોક્કસ અને ક્ષતિરહિત થાય તે સુનિશ્ચિત કરવાની બાબતને ધ્યાને રાખીને ભારતીય રજીસ્ટ્રેશન અધિનિયમની કેટલીક કલમોમાં સુધારા સુચવતું ગુજરાત બીલ નં.7/2020 રજૂ કરવામા આવ્યું છે.
મંત્રી પટેલે જણાવ્યું હતું કે, રજીસ્ટ્રેશન અધિનિયમ 1908ની કલમ-17માં ફરજીયાત રજીસ્ટ્રેશનને પાત્ર દસ્તાવેજોની જોગવાઈ કરવવામાં આવેલ છે. જે મુજબ સ્થાવર મિલકતના બક્ષીસનામા, સ્થાવર મિલકતના તબદીલીના કરાર રૂ.100/- થી વધુ કિંમતના સ્થાવર મિલકતના હક્કો વગેરે જેવા દસ્તાવેજોની કલમ-17 હેઠળ નોંધણી કરવામાં આવતી હોય છે. રાજ્ય સરકારે આ સુધારાથી નવી કલમ-17(એ) દાખલ કરવાનું પ્રાવધાન કરેલ છે. સામાન્યતઃ દસ્તાવેજ મોટા ભાગે વકીલો અથવા તો દસ્તાવેજ લખનાર અથવા તો આ બાબતના જાણકાર સ્ટેમ્પ વેન્ડર જેવી વ્યક્તિઓ દ્વારા દસ્તાવેજનું લખાણ કરવામાં આવતું હોય છે અને જે તે વ્યક્તિની જરૂરીયાત મુજબ દસ્તાવેજ લખનાર તે પ્રમાણે લખાણ કરીને દસ્તાવેજનો મુસદ્દો બનાવતા હોય છે અને તેની સારી એવી રકમ જે તે વ્યક્તિઓએ દસ્તાવેજ લખનારને આપવી પડતી હોય છે. મંત્રી પટેલે ઉમેર્યુ હતું કે, રાજ્ય સરકારે દસ્તાવેજની નોંધણી ઓનલાઈન કરીને, દસ્તાવેજ નોંધવાનો તારીખ અને સમય દસ્તાવેજ નોંધવનારને આપીને, દસ્તાવેજની નોંધણી પ્રક્રિયા સરળ બનાવેલ છે. જેથી સામાન્ય પ્રજાજનનો સમયનો બચાવ થાય. સાથે સાથે હવે શિક્ષણનું પ્રમાણ વધેલ છે. કોમ્પ્યુટરની ટેકનોલોજીની જાણકાર વ્યક્તિઓ, કંપનીઓ, પેઢીઓ કે જેઓ દસ્તાવેજ જાતે લખી શકવાની આવડત ધરાવતા હોય તેમની સરળતા માટે રજીસ્ટ્રેશન એક્ટમાં નવી કલમ-17-એ દાખલ કરેલ છે.જેમાં જે કોઈને જાતે દસ્તાવેજ કરવો હોય તો નમૂનારૂપ જુદા જુદા દસ્તાવેજ રાખવામાં આવેલ છે. જે નમૂના જોઈને સામાન્ય પ્રજાજન અથવા પ્રોફેશનલ્સ, કંપનીઓ, વેપારી પઢીઓ, વેપારીઓ વગેરે જેને જે-તે નમૂના પ્રમાણે અથવા તો તેમાં પોતાની જરૂરીયાત મુજબ ફેરફાર કરીને દસ્તાવેજ નોંધણી માટે રજૂ કરી શકશે અને આ રીતે સામાન્ય પ્રજાજનના સમય અને દસ્તાવેજ બનાવવાના ખર્ચની બચત થશે.
મંત્રીશ્રી પટેલે ઉમેર્યુ હતું કે, સામાન્યતઃ દસ્તાવેજની નોંધણી કરતી વખતે, સબ રજીસ્ટ્રાર દ્વારા કલમ-34માં નોંધણી કરતા પહેલાં જરૂરી તપાસ કરવાની જોગવાઈ છે અને કલમ-34(1)(ક) થી (ઘ) અન્વયે પક્ષકારો અથવા ઓળખ આપનારના પુરાવા લેવાની કામગીરી કે કોઈ દસ્તાવેજ માટે કોઈ વ્યક્તિને અધિકૃત કરેલાં હોય તેવા પ્રતિનિધિ અથવા એજન્ટના પુરાવા લેવાની કામગીરી, પક્ષકારોની દસ્તાવેજના દરેક પાના પર સહી લેવાની તથા જો પાવર ઓફ એટર્નીનો દસ્તાવેજ હોય તો પાવર આપનાર હયાત હોવા અંગેના પુરાવા લેવા અંગેની કામગીરી સબ રજીસ્ટ્રારશ્રીએ કરવાની હોય છે. પરંતુ જે તે મિલકતના માલિકી હક્કના પુરાવા લેવાની કાયદેસરની જોગવાઈ નથી. પરિણામે મૂળ માલિકની જાણ બહાર ઘણા ભૂમાફિયાઓ કે છેતરપીંડી કરનાર વ્યક્તિઓ દ્વારા આવા દસ્તાવેજો થવાના બનાવો બનતા હોવાની ફરીયાદ રહેતી. મંત્રી પટેલે ઉમેર્યુ હતું કે, રાજ્ય સરકારશ્રી દ્વારા નોંધણી અધિનિયમ-1908માં આ સુધારા વિધેયકથી હાલની કલમ-34માં માલિકી હક્કના પુરાવા લેવા માટે તથા શક્ય હોય ત્યાં સુધી દસ્તાવેજ કરી આપનાર, કરાવી લેનાર અને ઓળખ આપનાર તેમની ઓળખની સાબિતી માટે આધાર નંબર લેવાની જોગવાઈ એમ બે નવા પરંતુક દાખલ કરવાનું સૂચિત કર્યુ છે. રાજ્ય સરકાર દ્વારા કલમ-34 હેઠળ Proviso દ્વારા મિલકતના માલિકી હક્ક / કબ્જા હક્કના પુરાવા લેવાની જોગવાઈ કરવામાં આવેલ છે. જેવી કે ખેતીની જમીન માટે 7/12 અને સીટી સર્વેની જમીન માટે પ્રોપર્ટી કાર્ડ, આ બાબતે વહીવટી સુચના / નોટીફીકેશન દ્વારા કયા પુરાવાઓ લેવા તે સુનિશ્ચિત કરવામાં આવશે. આ મુજબની જોગવાઈ દાખલ કરવામાં આવશે. જેથી, મૂળ માલિકની જાણ બહાર કોઈ મિલકતનો દસ્તાવેજ નોંધવાની શક્યતા રહેશે નહીં. મૂળ માલિકની મિલકત અને હક્કનું રક્ષણ થશે. ખાસ કરીને રાજ્યમાં વિકસતા વિસ્તારમાં જમીન માફીયાઓ દ્વારા આચરવામાં આવતી છેતરપીંડી અટકાવી શકાશે. સાથોસાથ રજીસ્ટ્રેશન અધિકારીને આવા દસ્તાવેજો ચકાસવાના અધિકાર મળશે અને સામાન્ય પ્રજાની મિલકતનું રક્ષણ થશે. દસ્તાવેજ કરી આપનાર પક્ષકાર મુખત્યારનામું ધરાવનાર હોય તે કિસ્સામાં રાજ્ય સરકારે નક્કી કરેલી કાર્યરીતી મુજબ રજીસ્ટ્રેશન અધિકારી નોંધણી કરશે જેથી છેતરપીંડીના બનાવો અટકાવી શકાશે.
મંત્રી પટેલે ઉમેર્યુ હતું કે, રજીસ્ટ્રેશન એક્ટની કલમ-35 અન્વયે દસ્તાવેજ કરી આપવાનો સ્વીકાર અને ઈન્કાર કરી આપવામાં આવે ત્યારે અનુસરવાની કાર્યરીતી સંબંધિત છે. રાજ્ય સરકારે આ સૂચિત સુધારામાં સરકાર કે સરકારી સત્તામંડળની મિલકતો, રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકારના પ્રવર્તમાન કાયદાથી જ કોઈ વ્યવહાર પ્રતિબંધિત હોય તેવી મિલકતોના વેચાણના કરાર, વેચાણ, ભાડાપટ્ટો, બક્ષીસ અંગેના કોઈ દસ્તાવેજ નોંધવાના હોય ત્યારે અધિકૃત વ્યક્તિ સિવાય આવા દસ્તાવેજો કરી આપવામાં આવે ત્યારે તેવા દસ્તાવેજ નોંધવાનો સબ રજીસ્ટ્રાર ઈન્કાર કરી શકશે તેવી જોગવાઈ કલમ-35-એ(એ) અને કલમ-35-એ(બી) નવી પેટા કલમ દાખલ કરીને જોગવાઈ કરેલ છે. તે જ રીતે રાજ્ય સરકારે નવી સૂચિત કલમ-35-એ(સી) દાખલ કરીને, રાજ્ય સરકાર/કેન્દ્ર સરકાર / કોર્ટ / ટ્રીબ્યુનલના પ્રવર્તમાન કાયદા દ્વારા કાયમી કે હંગામી ધોરણે ટાંચમાં લેવાયેલ મિલકત કે જેના વેચાણનો કરાર, વેચાણ, ભાડા પટ્ટો, બક્ષીસ અંગેના કોઈ દસ્તાવેજ અધિકૃત વ્યક્તિ સિવાય કરી આપે તો તેવા દસ્તાવેજ નોંધવાનો સબ રજીસ્ટ્રાર ઈન્કાર કરી શકશે તેવી જોગવાઈ કરેલ છે. તે જ રીતે કલમ-35-એ (ડી) નવી પેટા કલમ દાખલ કરીને કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો, સ્થાનિક મંડળો, વકફ બોર્ડ, ભૂદાનયજ્ઞ સહિતની શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક અથવા સખાવતી સંસ્થાઓની સ્થાવર મિલકતો જો કોઈ અધિકૃત કરેલ વ્યક્તિ સિવાય કરી આપવામાં આવે તો સબ રજીસ્ટ્રારશ્રી તેવા દસ્તાવેજની નોંધણી કરવાનો ઈન્કાર કરી શકશે. મંત્રી પટેલે ઉમેર્યુ હતું કે, આ કાયદાની જોગવાઈઓ મુજબ, નવી પેટા કલમો દ્વારા રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારની માલિકીની અથવા તો તેના કોઈ કાયદા હેઠળ ટાંચમાં લેવાયેલી મિલકતો વગેરેના નિકાલ/વ્યવહારના જે કોઈ દસ્તાવેજો થાય ત્યારે અધિકૃત વ્યક્તિ દ્વારા જ તેવા દસ્તાવેજ થાય તેવું પ્રાવધાન કરેલ છે. આ નવી કલમ/પેટા કલમોથી રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, લોકલ બોડીઝ, રાજ્ય કે કેન્દ્ર સરકારના સાહસ કે રાજ્ય અથવા કેન્દ્ર સરકારના કોઈ કાયદા હેઠળ બનેલ સત્તામંડળ કે રાજ્ય કે કેન્દ્ર સરકાર જાહેરનામાંથી નક્કી કરે તેવી સંસ્થાઓમાં શૈક્ષણિક, ધાર્મિક કે ચેરીટેબલ સંસ્થાઓની મિલકત માટે તેના વેચાણ કરાર, વેચાણ, બક્ષિસ, ભાડાપટ્ટા કે અન્ય વ્યવહાર માટે અધિકૃત કર્યા સિવાયની વ્યક્તિ અથવા સક્ષમ અધિકારની મંજૂરી સિવાય નોંધણી માટે આવે ત્યારે નોંધણીનો ઈન્કાર કરવાની સત્તા મળતી હોવાથી સરકારી મિલકતોની તબદીલ સંબંધિત છેતરપીંડીના બનાવો અટકાવી શકાશે અને સરકારી તથા સરકારના બોર્ડ નિગમોની મિલકતો તથા શૈક્ષણિક, ધાર્મિક અને ચેરીટેબલ ટ્રસ્ટની મિલકતનો સુરક્ષિત રહેશે.
મંત્રીશ્રી પટેલે ઉમેર્યુ હતું કે, કલમ-82 દસ્તાવેજો સંબંધિત છેતરપીંડીના કિસ્સામાં સજાની જોગવાઈ સંબંધિત છે. જેમાં રજીસ્ટ્રેશન અધિનિયમ હેઠળની કોઈ કાર્યવાહીમાં કે તપાસમાં દા.ત. રજીસ્ટ્રેશન અધિકારી દસ્તાવેજ કરાવા આવનાર વ્યક્તિને તેના નામ, સરનામા, દસ્તાવેજ અંગે કોઈ પૃચ્છા કરે ત્યારે જે તે વ્યક્તિ ખોટી વિગતો રજૂ કરે, ખોટુ બોલે ખોટી નકલ કે ભાષાંતર આપે, ખોટી રીતે બીજાનું નામ ધારણ કરે તો 7 વર્ષ સુધીની કેદની સજા અથવા દંડની શિક્ષા અથવા તે બંને શિક્ષા કરવાની જોગવાઈ કરવામાં આવી છે. સુધારા વિધેયકથી નવી કલમ-82-એ, બી, સી દાખલ કરેલ છે. કલમ-82-એ થી રાજ્ય અને કેન્દ્ર સરકારની મિલકતોના અનધિકૃત વ્યવહાર અંગેના કલમ-35-એની સંબંધિત જોગવાઈના ભંગ માટે કલમ-82-બી થી ઈલેક્ટ્રોનિક સાધનોથી રજીસ્ટ્રેશન કરવામાં દાબ દબાણ કે છેતરપીંડી કરનારને તથા કલમ-82-સી થી દસ્તાવેજની નોંધણીમાં મુખત્યારનામા હેઠળ આપેલી અધિકૃતિનો ઈરાદાપૂર્વક છળકપટ અથવા દૂરઉપયોગ કરે તો કરનારને 7 વર્ષ સુધીની મુદતની કેદની સજા અથવા મિલકતની બજાર કિંમત જેટલો દંડ અથવા સજા અને દંડ બંનેની જોગવાઈ કરવામાં આવેલ છે. મંત્રી પટેલે ઉમેર્યુ હતું કે, આ પ્રકારની જોગવાઈ કરવાથી સરકારી મિલકતોની તબદીલી સંબંધિત દસ્તાવેજોની છેતરપીંડી અટકાવી શકાશે તથા ઈલેક્ટ્રોનિક માધ્યમથી દાબ દબાણ અને છેતરપીંડીથી દસ્તાવેજ થશે નહીં તથા મુખત્યારનામાથી થતા દસ્તાવેજોમાં દુરઉપયોગ કરીને દસ્તાવેજ કરી શકશે નહીં. આ શિક્ષાની જોગવાઈથી ખોટા અને બોગસ દસ્તાવેજોની નોંધણી અટકાવી શકાશે. રાજ્ય સરકારના આ ક્રાંતિકારી નિર્ણયથી વધુ સરળતા અને છેતરપીંડીના અવકાશ ન રહે, ક્ષતિરહિત કામગીરી, પારદર્શીતા વગેરેનું અમલીકરણ થઈ શકે તેવા ઉમદા હેતુથી આ વિધેયક વિધાનસભા ખાતે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યુ હતું.