આ તો ઘોર અનાદર છે. તૈયાર રહો, જ્યારે બોલાવીએ ત્યારે બિસ્તરા પોટલા લઈને આવી જજો. બની શકે કોર્ટેમાંથી સીધુ જેલમાં જવું પડે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસે ખુબ જ આકરી ટિપ્પણી કરતા ગુજરાતના એડિશ્નલ ચીફ સેક્રેટરી કમલ દયાની, સુરત પોલીસ કમિશનર એ કે તોમર, ડેપ્યુટી પોલીસ કમિશનર વિજય સિંહ ગુર્જર, સુરતના ન્યાયિક મેજિસ્ટ્રેટ અને ઈન્સ્પેક્ટર આર વાય રાવલને ખુબ જ આકરી ફટકાર લગાવતા નોટિસ પણ ફટકારી.સવાલ એ છે કે આખરે આ મામલો શું છે કે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી આર ગવઈ આટલા બધા ભડકી ગયા.
વાત જાણે એમ છે કે સુરતના એક વેપારી તુષારભાઈ શાહને સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન આપ્યા હતા. પરંતુ પોલીસ અને પ્રશાસનિક અધિકારીઓ પર આરોપ છે કે તેમણએ સુરતની એક કોર્ટમાંથી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા. પૂછપરછમાં બર્બરતા દેખાડી અને એક કરોડ 65 લાખ રૂપિયાની માંગણી કરી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ ચોંકાવનારી વાત છે કે આગોતરા જામીનને અગણવામાં આવ્યા.
વેપારી તુષાર શાહના વકીલોએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે આગોતરા જામીન મળ્યાના ચાર દિવસ બાદ જ સુરત પોલીસે રિમાન્ડ માટે અરજી નાખી. નીચલી કોર્ટના જજે પણ 13 ડિસેમ્બરના રોજ ઓર્ડર પાસ કરીને તેના અસીલને 16 ડિસેમ્બર સુધી જેલમાં મોકલી દીધો. એટલું જ નહીં રિમાન્ડમાં તેના અસીલને પરેશાન કરવામાં આવ્યો. રિમાન્ડ પર લેવાનો હેતુ કઈ બીજો નહીં પરંતુ તેના અસીલને ડરાવવાનો ધમકાવવાનો હતો. પોલીસનો હેતુ કોઈ પણ ભોગે તુષારભાઈ શાહ પાસેથી એક કરોડ 60 લાખ રૂપિયા મેળવવાનો હતો. જ્યારે આ સુપ્રીમ કોર્ટના નિર્ણયનો ખુલ્લેઆમ ભંગ છે. સુપ્રીમ કોર્ટના નિર્ણયને ફક્ત પોલીસ નહીં, પ્રશાસન અને નીચલી કોર્ટના જજે પણ પાલન કરવાનો હતો.
તુષારભાઈ શાહના વકીલોની દલીલ પર જસ્ટિસ બી આર ગવઈ અને જસ્ટિસ સંદીપ મહેતા ખુબ જ ભડકી ગયા. બંને જજોએ કહ્યું કે પોલીસ પ્રશાસન સાથે જોડાયેલા લોકોએ જાણી જોઈને કોર્ટના આદેશને અવગણ્યો છે. આ માટે તેમને છોડી શકાય નહીં. એટલું જ નહીં એડિશનલ સીજેએમની દાનત પણ ઠીક લાગતી નથી. આખરે તમે સુપ્રીમ કોર્ટના ચુકાદા વિરુદ્ધ જઈને આ પ્રકારની કાર્યવાહી કેવી રીતે કરી શકો. તપાસ અધિકારીએ રિમાન્ડ પર લેવાની હિંમત કેવી રીતે કરી.
સુપ્રીમ કોર્ટે ખુબ ફટકાર લગાવ્યા બાદ પોલીસને કહ્યું કે તમે તે ચાર દિવસના સીસીટીવી ફૂટેજ ઉપલબ્ધ કરાવો. કોર્ટના આ સવાલ પર પોલીસે કહ્યું કે કેમેરા કામ કરતા નહતા. આ જવાબ પર કોર્ટે કહ્યું કે હદ છે કે જ્યારે તમે રિમાન્ડમાં લઈને પૂછપરછ કરતા હતા ત્યારે તે સમયે તમારા કેમેરા પણ ખરાબ થઈ ગયા હતા. સુરત દેશનું ડાયમંડ કેપિટલ છે. મોટું વેપારી કેન્દ્ર છે અને તમે લોકો આ પ્રકારની દલીલો રજૂ કરી રહ્યા છો. આ મામલે પોલીસ પ્રશાસનનો પક્ષ રજૂ કરી રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસ વી રાજુએ બિનશરતી માફીની માંગણી કરી. પરંતુ કોર્ટે એક વાત ન સાંભળી અને નીચલી કોર્ટના જજ, પોલીસ અને પ્રશાસનિક અધિકારીઓ વિરુદ્ધ અનાદર નોટિસ ફટકારી.