અમદાવાદમાં ઓગણજ પાસે પોલીસે એરપોર્ટથી પરત ફરી રહેલાં દંપતી સાથે કરેલા તોડકાંડના કેસમાં ગુજરાત હાઈકોર્ટે ગંભીર નોંધ લઈને સુઓમોટો સંજ્ઞાન લીધું હતું, જેની સુનાવણી ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જજ અનિરુદ્ધ માયીની બેંચ સમક્ષ ચાલી રહી છે. એ મુદ્દે આજે હાઇકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. કોર્ટના ગત આદેશ મુજબ રાજ્ય સરકારે આજે હાઇકોર્ટમાં એફિડેવિટ પર પોલીસ સામે ફરિયાદ નોંધવા માટે હેલ્પલાઇન 14449 નંબર આપ્યો હતો. સરકાર વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે આ નંબર આગામી 15 દિવસમાં ચાલુ કરાશે. ત્યાર બાદ જનજાગૃતિ માટે એની જુદાં જુદાં માધ્યમો થકી જાહેરાત કરાશે.
આ મુદ્દે વધુ સુનાવણી 16 ફેબ્રુઆરીએ હાથ ધરાશે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યને આ નંબર આપવામાં આવ્યો છે. આ હેલ્પલાઇન 24X7 કાર્યરત રહેશે. રાજ્યમાં ભ્રષ્ટાચાર નિવારણ માટે એન્ટી કરપ્શન બ્યૂરોની હેલ્પલાઇન 1064 અને મહિલાઓની મદદ માટે વુમન હેલ્પલાઇન 1091 પણ પ્રચલિત છે. એવી જ રીતે પોલીસ સામે ફરિયાદ નોંધાવવા આ હેલ્પલાઇન નંબર પણ પ્રચલિત થશે. કોર્ટ મિત્ર દ્વારા આ ઉપરાંત કેટલાક મહત્ત્વના ઈમર્જન્સી નેશનલ હેલ્પલાઇન નંબરની પણ જાહેરાત કરવા માગ કરવામાં આવી હતી, જે મુદ્દે રાજ્યએ હકારાત્મક પ્રતિક્રિયા દર્શાવી હતી. આ મુદ્દે વધુ સુનાવણી 16 ફેબ્રુઆરીએ હાથ ધરાશે.
અગાઉની સુનાવણીમાં સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે પોલીસ સામે ફરિયાદ માટે એન્ટી કરપ્શન બ્યૂરોના નંબર 1064 પર ફોન કરી શકાશે, જે ફરિયાદ સીધી કમિટી પાસે જશે. 100, 112 અને 1064 હેલ્પલાઇન નંબર પર સરકારી કર્મચારીઓ સામે ગેરકાનૂની કામ કરવા બદલ ફરિયાદ થઈ શકે છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનરે પણ આ નંબર દર્શાવતાં બેનર્સ શહેરમાં મહત્ત્વનાં સ્થળોએ લગાવવા સૂચના આપી છે. પોલીસ સ્ટેશન, સરકારી કચેરીઓ, ટ્રાફિક પોઈન્ટ, ટોલ પ્લાઝા વગેરે જગ્યાએ આ હેલ્પલાઇન નંબર લગાવાઈ રહ્યા છે, જેના ફોટા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.
જોકે કોર્ટ મિત્ર શાલીન મહેતાએ વિરોધ કરતાં જણાવ્યું હતું કે આ જાહેરાતોમાં ‘પોલીસ મદદ/ ફરિયાદ’ એવી રીતે હેલ્પલાઇન દર્શાવી છે, જે અસ્પષ્ટતા દર્શાવે છે, ખરેખરમાં ‘પોલીસ સામે ફરિયાદ’ એમ લખવું જોઈએ. કોર્ટે કહ્યું હતું કે સરકારે દર્શાવ્યું એ પ્રમાણે લોકો સમજે કે આ હેલ્પલાઇન તો પોલીસની મદદ મેળવવા માટે છે, પોલીસ સામે ફરિયાદ માટે નહિ. કોર્ટે સરકારને કહ્યું હતું કે પોલીસ સામે ફરિયાદ માટે ડેડિકેટેડ હેલ્પલાઇન 1064 જ રાખો. સરકારે કહ્યું હતું કે તે કોર્ટના સૂચન મુજબ કરશે. કોર્ટે સરકારને ટકોર કરી હતી કે તમે પોલીસ સામે ફરિયાદ માટે બધે 100, 112ના જ નંબર પ્રદર્શિત કર્યા છે, 1064 નહિ, તમે ડરો છો.
કોર્ટે કહ્યું હતું કે ACB હેલ્પલાઇન 1064ને પોલીસ અત્યાચાર સામે ફરિયાદ કરવા સાથે જોડો. સરકારે કહ્યું હતું કે તેઓ સરકારી કર્મચારીઓ સામે ફરિયાદ કરવાની આ હેલ્પલાઇનમાં પોલીસને અલગથી દર્શાવી શકે નહિ. જોકે કોર્ટે સરકારની આ દલીલ નકારી દીધી હતી. જ્યારે કોર્ટ મિત્ર શાલીન મહેતાએ જણાવ્યું હતું કે લો એન્ડ ઓર્ડર જાળવવાની જવાબદારી પોલીસની છે. વળી, TRB તો પોલીસ પણ નથી તો તેની સામે ફરિયાદ કયા નંબર પર કરવાની?
કોર્ટે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ પોલીસ સામે ફરિયાદ માટે રાજ્ય અને જિલ્લા સ્તરે સેલની રચના થવી જોઈએ. લોકો શું ફરિયાદ કરવા સરકારી ઓફિસોની બહાર ઊભા રહેશે? કોણ તેમને પ્રવેશ આપશે? કલેક્ટર અને કમિશનર તો ભગવાનની જેમ વર્તે છે! તેઓ રાજા હોય એવું તેમનું વર્તન હોય છે. સરકારી ઓફિસોમાં કોને સરળતાથી પ્રવેશવા દેવાય છે? કોર્ટ બધું જાણે છે! કોર્ટ પાસે વધુ બોલાવો નહિ!
સામાન્ય માણસ સાથે પોલીસ મથક, કમિશનર કચેરી અને કલેક્ટર કચેરીઓમાં કેવું વર્તન થાય છે એ કોર્ટ જાણે છે. અમને પાયાની હકીકત ખબર છે. અમને જાત અનુભવ છે. સરકાર લોકોને એટલું જણાવે કે પોલીસ અત્યાચાર સામે ક્યાં, કોને અને ક્યારે ફરિયાદ કરવી. જાહેરાતમાં સ્પષ્ટ રીતે દર્શાવો કે પહેલી વખત જોનારને ખબર પડી જાય કે એ શાના માટે છે. ફરિયાદ સેલના નંબર આપો અને સ્પષ્ટ રીતે લોકો સમજે એમ લખો.
કોર્ટે ફરિયાદ માટે અલગ હેલ્પલાઇન આપવા જણાવ્યું હતું
ગત સુનાવણીમાં ઓગણજ તોડકાંડ કેસમાં કોર્ટે પોલીસ
સામે ફરિયાદ માટે અલગ હેલ્પલાઈન આપવાનું જણાવ્યું
હતું. સરકારે કહ્યું, 100 નંબર પર જ એક્સટેન્શન અપાય,
કારણ કે એ સરળ છે અને લોકોને યાદ છે. 112 નંબર કેન્દ્ર
સરકારના સૂચનથી જાહેર કરાયો છે. 112 નંબર પણ 100
નંબરની લાઈન પર જાય છે, 100ને એક્સટેન્શન આપી એનું
રેકોર્ડિંગ કરાય છે. 106 નંબર ACB માટે છે.
કોર્ટે કહ્યું પોલીસ અને TRB સામે ફરિયાદ માટે અલગ
નંબર જાહેર કરાય, તો સરકારે કહ્યું, પોલીસને જાણ થતાં
PCR ઘટનાસ્થળે જશે, લોકલ પોલીસને પણ જાણ કરાશે,
કોર્ટે કહ્યું, અલગ નંબર આપવામાં શું તકલીફ છે? પોલીસ
સામે ફરિયાદ માટે કોમન નંબર ના ચાલે. તો સરકારે કહ્યું,
રાજ્યમાં અલગ અલગ જગ્યાએ પોલીસની મદદ માટે, લાંચ
વિરુદ્ધ અને પોલીસ સામે ફરિયાદ માટે નંબરો લગાવશે.
પોલીસ મથકે અને રોડ ઉપર પોસ્ટરો લગાવશે.
25 ઓગસ્ટની રાત્રે અમદાવાદના સાઉથ બોપલમાં રહેતા મિલન કેલા તેમની પત્ની અને 1 વર્ષના નાના દીકરા સાથે થાઇલેન્ડ ફરીને પરત અમદાવાદ એરપોર્ટ આવ્યાં હતાં, જ્યાંથી કેબ બુક કરીને તેઓ પોતાના ઘરે જઈ રહ્યાં હતાં. ત્યારે ઓગણજ સર્કલ તરફ પોલીસની એક વાન ઊભી હતી, જ્યાં ત્રણ પોલીસ જવાન અને એક વ્યક્તિ સાદાં કપડાંમાં હતી. પોલીસે કેબ રોકીને તેઓ અત્યારે ક્યાંથી આવી રહ્યાં છે? મોડીરાત્રે ટ્રાવેલ કરવું એ શહેર પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ છે, અત્યારે ડ્રાઈવ ચાલી રહી છે. તમારી પર કેસ થશે અને તમને ત્રણ વર્ષની સજા થશે, એમ કહીને બાદમાં મિલન કેલાને જીપ્સીમાં બેસાડી દીધા હતા અને બાદમાં આગળ જઈને પોલીસે 2 લાખ રૂપિયા માગ્યા હતા.
CP સુધી વાત પહોંચતાં ત્રણેયની ધરપકડ કરાઈ હતી છેવટે પોલીસ 60 હજાર રૂપિયા લેવા તૈયાર થતાં મિલનભાઈએ 40 હજાર ATMમાંથી ઉપાડીને તથા 20 હજાર રૂપિયા મિલનભાઈનાં પત્નીએ કેબના ડ્રાઇવરના ખાતામાં ઓનલાઈન જમા કરીને એ પણ ATMમાંથી ઉપાડીને આપ્યા હતા. બાદમાં આ મુદ્દે સોલા હાઇકોર્ટ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. એટલું જ નહીં, શહેર પોલીસ કમિશનર સુધી વાત પહોંચતાં ત્રણેય આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં ‘એ’ ડિવિઝન ટ્રાફિક-પોલીસ મથકમાં ફરજ બજાવતા મુકેશ, અશોક તથા TRB જવાન વિશાલનો સમાવેશ થાય છે.