અમેરિકામાં કથિત રીતે ઘૂસણખોરી કરી રહેલા 66 ગુજરાતીની તપાસ વેગવંતી બની છે. CID ક્રાઈમે સાંયોગિક પુરાવા એકત્ર કરીને 14 એજન્ટો સામે ફરિયાદ નોંધ્યા બાદ લૂક આઉટ નોટિસ (LOC) ઈશ્યૂ કરી છે. LOC જાહેર કરી હોવાનો મતલબ તપાસ એજન્સીના હાથે એકપણ એજન્ટ હજુ સુધી લાગ્યા નથી. હાલ જે 66 ગુજરાતી પરત આવ્યા છે તેના 11 દિવસ અગાઉ 48 પેસેન્જરોને આ જ રૂટથી અમેરિકા મોકલ્યા હોવાનું પણ પોલીસના ધ્યાને આવ્યું છે.
લેજન્ડ નામની ચાર્ટર્ડ ફ્લાઈટમાં સવાર તમામ મુસાફરોના ફેબ્રિકેટેડ ડોક્યુમેન્ટ એજન્ટોએ બનાવી આપ્યા હોવાનું પણ તપાસમાં ખૂલ્યું છે.
તમામ એજન્ટોનો માસ્ટર પ્લાન એ મુજબનો હતો કે સેન્ટ્રલ અમેરિકાના વિવિધ દેશોના ઓન એરાઈવલ વિઝા હોય છે તે દેશોમાં કોઈપણ ભોગે પ્રવેશ મેળવી લેવાનો અને ત્યારબાદ ભારતના એજન્ટોનું કામ પૂરું થતું હતું. ત્યારબાદ અમેરિકન સિન્ડિકેટના એજન્ટો પંજાબ અને ગુજરાતથી આવેલા મુસાફરોને ઉઝબેકીસ્તાન, યુરોપ, મેક્સિકો થઈને અમેરિકાની બોર્ડરમાંથી ગેરકાયદે ઘૂસણખોરી કરાવતા હતા. કબૂતરબાજીના કિંગપીન એવા 14 એજન્ટોએ આગાઉ પણ ત્રણથી વધુ વખત આ જ પ્રકારે દુબઈથી નિકારાગુઆ અને ત્યાંથી મેક્સિકો બોર્ડર ક્રોસ કરાવીને મુસાફરોને અમેરિકા સુધી મોકલી આપ્યા હતા. સીઆઇડી ક્રાઇમે એવો પણ અંદાજ લગાવ્યો છે કે એક ચાર્ટર્ડ ફ્લાઈટમાં 300 પેસેન્જરની કેપેસિટી હોય તો તે મુજબ અગાઉ ત્રણ વખત ગયેલા પેસેન્જરોની સંખ્યા 900 જેટલી હોઇ શકે છે. સમગ્ર કબૂતરબાજીમાં જોગિંદર ઉર્ફે જગ્ગી, જોગિંદરસિંગ માનસ રામ, સલીમ દુબઈ તથા સેમ આ ચાર લોકોની મુખ્ય ભૂમિકા હોવાનું પોલીસ માની રહી છે. આગાઉ ત્રણ વખત ચાર્ટર્ડ પ્લેન પણ આ ચાર લોકોએ જ મોકલ્યું હોવાનું મનાય છે. દિલ્હીના જે એજન્ટોએ ચાર્ટર્ડ પ્લેન બુક કરાવ્યું હતું અને વિદેશ ભાગેલા એજન્ટો અને ફ્લાઈટ અંગેની તપાસ હવે CBI કરશે.
સૂત્રોનું કહેવું છે કે 25મી ડિસેમ્બરે તમામ પેસેન્જરોને જ્યારે મુંબઈ ડિપોર્ટ કરાયા ત્યારે એજન્ટોએ તમામને મેસેજ અને ફોન કરીને વોટ્સએપ ચેટ તથા અન્ય વાતચીત અંગેના મેસેજીસ ડિલિટ કરી દેવાની જાણ કરી હતી. જેથી તમામે પુરાવાનો નાશ કર્યો હતો. જો કે તે તમામ ડેટા રિકવર કર્યા બાદ 14 એજન્ટોના નામ સામે આવ્યા હતા. ત્યારે હવે કબૂતરબાજીમાં મુખ્ય એજન્ટ જોગીન્દર ઉર્ફે જગ્ગી પાજી તથા જોગીન્દરસિંગ માનસરામ તથા સલીમ દુબઈ તથા સેમ પાજીએ એવી ગોઠવણ કરીને રાખી હતી કે તેમના થકી જે પેસેન્જર અમેરિકા ઉતરે તેને બીજા જ દિવસે નોકરી મળી જતી હતી. કેટલાક લોકોને તો 1000થી 3000 ડોલર કોમ્પ્લિમેન્ટ્રી તરીકે એજન્ટોએ આપ્યા હતા. મેક્સિકો બોર્ડર ક્રોસ કર્યા બાદ અમેરિકામાં પ્રવેશ લઇ લીધા બાદ નક્કી થયેલા રૂપિયા ચૂકવવવાની પણ શરત મૂકાઇ હતી.
66 ગુજરાતીમાંથી ઘણાં મુસાફરોએ ૩૦ દિવસના તો ઘણાં લોકોએ ત્રણ મહિનાના ટૂરિસ્ટ વિઝા મેળવ્યા હતા. તમામ ગુજરાતીઓની તપાસ કરતા CID ક્રાઈમના ધ્યાને એક વાત આવી હતી કે 66 મુસાફરોની ગઈ 21 ડિસેમ્બરની લેજેન્ડ એરવેઝનું ચાર્ટર્ડ પ્લેન હતું અને તમામ લોકો દુબઈથી માનાગુવા જવાના હતા. દુબઈમાં બેથી ત્રણ દિવસ હોટલમાં રોકાયા બાદ વારાફરતી મેક્સિકો બોર્ડર ક્રોસ કરીને અમેરિકામાં ઘૂસણખોરી કરાવવાના હતા.