કોંગ્રેસના સિનિયર નેતા અને વર્તમાનમાં વિજાપુરના ધારાસભ્ય ચતુરજી જવાનજી ચાવડા કોંગ્રેસમાંથી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેશે. શુક્રવારે સવારે જ તેઓ પ્રથમ કોંગ્રેસના સભ્યપદેથી રાજીનામું આપીને ત્યારબાદ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને ધારાસભ્ય પદેથી પોતાનું રાજીનામું આપશે. ટૂંક સમયમાં તેમનો ભાજપપ્રવેશ પણ થશે અને તેઓને ફરી એકવાર વિજાપુરની બેઠક પરથી જ ચૂંટણી લડાવાશે. ભાજપે છેલ્લા કેટલાક સમયથી પોતાના નેતાઓને કોંગ્રેસ તેમજ આપમાંથી ધારાસભ્યો તેમજ નેતાઓને ખેરવવાનો ટાસ્ક આપ્યો છે.
આ માટે ભાજપે પોતાના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા સહિત છ નેતાઓને કામે લગાડ્યા છે. સી.જે. ચાવડા બાદ ભાજપ કોંગ્રેસના અન્ય એક સિનિયર નેતા અર્જુન મોઢવાડિયાને પણ ભાજપમાં જોડાવા માટે સમજાવવાના કામે લાગી જશે. આગામી લોકસભા ચૂંટણી સુધીમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના વધુ કેટલાક ધારાસભ્યો તેમજ નેતાઓને ભાજપમાં સામેલ કરશે. સંભવતઃ મોટા ભાગના ધારાસભ્યો વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત પૂર્વે જ રાજીનામાં ધરી દેશે.
ધારાસભ્ય પદે રહેલા અને રાજીનામું આપનારા તમામ નેતાઓને ભાજપમાં આવકારવા માટે લોકસભા ચૂંટણી જાહેર થાય તે દરમિયાન એક મોટો સમારોહ રાખવામાં આવશે. મોઢવાડિયાને રાજ્યસભાના સાંસદ તરીકે લઇ જવાશે હાલ મોઢવાડિયા તેમના પક્ષની નેતાગીરીથી નારાજ ચાલી રહ્યા છે. મોઢવાડિયાની નારાજગીને લઇને હાઇકમાન્ડ સાથે ચર્ચા કરવા માટે સમય માગવામાં આવ્યો હતો, પરંતુ રાહુલ ગાંધીની યાત્રાને કારણે તે મુદ્દો અટવાઇ રહ્યો છે. આ દરમિયાન જો મોઢવાડિયા રાજીનામું આપી દેશે તો તેમને ભાજપ આવતા એપ્રિલ મહિનામાં ખાલી પડી રહેલી રાજ્યસભાની 4 પૈકી એક બેઠક પરથી ઉમેદવારી કરી સાંસદ બનાવી શકે છે.
વેટરનરી ડોક્ટર એવા ચાવડા અગાઉ ગુજરાત સરકારમાં પશુપાલન વિભાગના અધિકારી હતા. ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના કહેવાથી તેઓ સરકારી નોકરી છોડી કોંગ્રેસમાં જોડાયા અને 2002ની વિધાનસભા ચૂંટણીમાં ગોધરાકાંડ અને હિન્દુત્વની લહેર વચ્ચે પણ ગાંધીનગરની બેઠક પરથી ભાજપના પીઢ નેતા વાડીભાઇ પટેલને હરાવી ધારાસભ્ય બન્યા. તે પછી તેઓ 2017માં ગાંધીનગર ઉત્તર અને 2022માં વિજાપુર બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 2019ની લોકસભા ચૂંટણીમાં તેઓ ગાંધીનગર બેઠક પરથી ગૃહમંત્રી અમિત શાહ સામે ચૂંટણી લડ્યા પણ હાર્યા હતા.