રાજકોટમાં PGVCL દ્વારા વિદ્યુત સહાયકની ભરતી માટે પરીક્ષા લીધા બાદ 1 વર્ષ સુધી ભરતી ન કરતાં 6 હજારથી વધુ બેરોજગાર યુવાનોનાં ભવિષ્ય સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. ત્યારે રાજકોટની કોર્પોરેટ ઓફિસની બહાર છેલ્લા 24 કલાકથી 100થી વધુ ઉમેદવારો ધરણાં પર બેઠા છે. PGVCLના આસિસ્ટન્ટ જનરલ મેનેજર કટારા દ્વારા ઉમેદવારને RTIમાં બતાવેલી 361 જગ્યાની માહિતી ખોટી હોવાનું સાબિત કરતાં આશ્ચર્ય જનમ્યું છે. ત્યારે પ્રદેશ NSUIના પ્રમુખ ઉમેદવારોની સાથે ધરણાં પર બેઠા છે અને જ્યાં સુધી ન્યાય નહિ મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે, એવી ચીમકી ઉચ્ચારી હતી. તો રામધૂન બોલાવતા ઉમેદવારોએ મુખ્યમંત્રીને પોસ્ટકાર્ડ લખવાનું એલાન કર્યું હતું અને ઊર્જામંત્રી હાય હાયના નારા લગાવ્યા હતા.
આ અંગે ઉમેદવાર સિદ્ધાર્થ શુક્લાએ જણાવ્યું હતું કે અમારી એક જ માગ છે કે વર્ષ 2023માં PGVCL દ્વારા ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી માટે પરીક્ષા લેવામાં આવી હતી. એ બાદ ઉમેદવાર મયૂરસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલી RTIમાં માહિતી મળી છે કે 361 જગ્યા ખાલી છે. તો આ જગ્યાઓ પર ભરતી કરવામાં આવે. અહીં આવેલા ઉમેદવારોમાં મોટા ભાગનાને 90 જેટલા માર્કસ છે. વીજપોલ પર ચડી રિપેરિંગનું કામ કરવા માટે સૌથી જુનિયર પોસ્ટ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી કરવામાં આવે છે. આ પોસ્ટ માટે ઉમેદવારો ખૂબ મહેનત કરી સારા માર્કસ મેળવી લાવ્યા છે, પરંતુ પરીક્ષાના 1 વર્ષ બાદ પણ ભરતી કરવામાં નથી આવી.
ઊર્જામંત્રીને એટલું કહેવું છે કે PGVCL દ્વારા આગામી ભરતીનું આયોજન કરવામાં આવી રહ્યું હોવાનું જણાવાઈ રહ્યું છે. જો આગામી સમયમાં નવેસરથી ભરતી થાય અને 60 ટકા માર્ક્સ મેળવનારા ઉમેદવારોનું સિલેક્શન કરવામાં આવે તો અમારા જેવા 90 માર્ક્સ મેળવતા ઉમેદવારોને અન્યાય થાય. આ ક્યાંનો ન્યાય છે? જેથી અમને જ્યાં સુધી ન્યાય નહિ મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.
ઉમેદવારોના પ્રશ્નને લઈને NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે ગુરુવારે બપોરે 12:00 વાગ્યાથી અત્યારસુધી એટલે કે છેલ્લા 24 કલાકથી ઉમેદવારો PGVCLની કોર્પોરેટ ઓફિસની બહાર ધરણાં પર બેઠા છે. વિદ્યાર્થીઓ પોતાના હક માટે રસ્તા પર ઊતર્યા છે. તેમ છતાં PGVCL તંત્રના પેટનું પાણી હલતું નથી, જેથી જ્યાં સુધી વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે તેમની સાથે છીએ.