રસ્તે રખડતા પ્રાણીઓના ત્રાસની અનેક ઘટનાઓ સામે આવે છે. રખડતા ઢોર અને રખડતા શ્વાનનો અનેક લોકો ભોગ બને છે. ત્યારે જામનગરમાં કોંગ્રેસના કોર્પોરેટરે રખડતા શ્વાનના ત્રાસ મામલે અનોખો વિરોધ કર્યો. જામનગરમાં વધતા શ્વાનનો આતંક યથાવત્ છે ત્યારે કોંગ્રેસના કોર્પોરેટર રસ્તે રખડતાં કેટલાક શ્વાન સાથે કોર્પોરેશનમાં પહોંચી ગયા હતા. શહેરના વોર્ડ નંબર 4ના કોંગ્રેસના કોર્પોરેટર રચના નંદાણિયા અને તેમના કાર્યકરો શ્વાન સાથે JMC પહોંચ્યા તો ભારે કુતુહલ સર્જાયું હતું.
કોર્પોરેટર શ્વાન સાથે કચેરીએ બેસી ગયા હતા. જેના કારણે હાજર સુરક્ષાકર્મીઓએ તેમને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. પાલિકાનું ડ્રાફ્ટ બજેટ રજૂ થાય તે પહેલા નગરસેવકે શહેરમાંથી રખડતા શ્વાનનો આતંક દૂર કરવા માટે માંગણી કરી હતી. જામનગરમાં છેલ્લા ઘણા સમયથી રખડતાં શ્વાનનો આતંક જોવા મળે છે. થોડા સમય પહેલા હોસ્પિટલમાં શ્વાન આંટા મારતા જોવા મળ્યા હતા. હોસ્પિટલના બેડ પર દર્દીઓની જગ્યાએ શ્વાન આરામ ફરમાવતા હતા. જેના દ્રશ્યો ખુબ જ વાયરલ થયા હતા. કોર્પોરેટરના આ અનોખા વિરોધ બાદ કોર્પોરેશનનું તંત્ર કેટલું જાગે છે તે જોવું રહ્યું.