પોરબંદર કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા
પહેલા સરકારી યોજનાઓના અમલ,લોકોની ફરિયાદોના નિકાલને આધારે અધિકારીઓના રિપોર્ટ કાર્ડ બનતા હતા, હવે સરકારના રાજકીય કાર્યક્રમોના આયોજનોના આધારે બને છે,જે આઈ.એ.એસ, આઈ.પી.એસ. અધિકારીઓ ભ્રષ્ટાચાર કરે તેવો વિચાર પણ ન આવતો હતો તેમાં પણ ભ્રષ્ટાચાર વ્યાપ્ત થયો છે ? :૨૮ વર્ષ ભાજપની સરકાર હોવા છતાં ઈચ્છા શક્તિના અભાવે હજી સુધી નર્મદા યોજનાની કેનાલોના કામ પૂર્ણ થઈ શક્યા નથી,પોરબંદર, વેરાવળ-સોમનાથ, નડીયાદ જેવી મોટી નગર પાલિકાઓનોને પણ મહાનગર પાલિકાનો દરજ્જો આપવો જોઈએ :આવાસ યોજનાના કામ પાલિકાઓને સોપવાની જગ્યાએ રાજ્ય સરકારે પોતાની એજન્સીઓ મારફતે કરાવવા જોઈએ, જેથી ભ્રષ્ટાચારને અટકાવી શકાય : અર્જુન મોઢવાડિયા
ગાંધીનગર
આજે વિધાનસભામાં સરકાર તરફથી સામાન્ય વહીવટ વિભાગ અને નર્મદા યોજના અંગે પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે સરકારનો નોડલ હૃદય સમાન વિભાગ છે. જેથી તે મજબુત રહે એ માટે દેશમાં ઘણી અપેક્ષા સાથે આઈ.એ.એસ, આઈ.પી.એસ. ની સેવાઓ શરૂ કરવામાં આવી હતી. એક સમય એવો હતો કે આઈ.એ.એસ, આઈ.પી.એસ. અધિકારી લાંચ લે અથવા ભ્રષ્ટાચાર કરે એવો કોઈ સ્વપ્ને પણ વિચાર ના કરી શકતું. પરંતુ આજે ક્લાસ-૧ અધિકારીઓ, આઈ.એ.એસ, આઈ.પી.એસ. અધિકારીઓમાં પણ ભ્રષ્ટાચાર વ્યાપ્ત થયો છે ? પહેલા અધિકારીઓના રિપોર્ટ કાર્ડ બનતા હતા અને સરકારના કેટલા ગોલ એમણે સિદ્ધ કર્યા તે જોવાતુ હતું. કેટલુ કામ કરેલ છે, કેટલી ફરિયાદો ઓછી કરી છે તેના આધારે રિપોર્ટ કાર્ડ બનતુ હતું. પરંતુ વર્તમાન સરકારમાં અધિકારીનું રિપોર્ટ કાર્ડ એમણે એ વિસ્તારમાં સરકારના કેટલા રાજકીય ઉત્સવો, રાજકીય કાર્યક્રમનું આયોજન કર્યુ, સરકાર સાથે જોડાયેલ લોકોનું કેટલુ સારું કામ કરેલ છે તેના આધારે બને છે. સરકારી અધિકારીઓ ખંડણી ઉઘરાવે અને ખુલ્લેઆમ ઉઘરાવે તેવી ફરિયાદો બીજુ કોઈ નહીં પરંતુ ખુદ શાસકના ધારાસભ્યો કરી રહ્યા છે. આવી બાબતો ઉપર કોઈપણ રીતે તત્કાલ નિયંત્રણ લાવવુ જરૂરી છે, તેવુ નહીં કરીએ તો ગુજરાતને બનાના રિપ્લિક થતા વાર નહીં લાગે. શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ સરકારને વિનંતી કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં સરકારી કામ કરવા માટેના કલેક્ટરો છે, એ રીતે બીજા કલેક્ટરની પણ નિમણૂંક કરવી જોઈએ. જે સરકારના રાજકીય કામો કરી આપે, જેથી બાકીના જે અધિકારીઓ છે તે સારી રીતે પ્રજાનું કામ કરી શકે. સરકારી કામ માટે એક ઓફીસ જ જુદી કરો જે ઉત્સવો કરો, યાત્રાઓ કાઢે અથવા સરકારના અન્ય રાજકીય કામો કરે રાખે.
નર્મદા યોજના અંગે પ્રકાશ પાડતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ૨૮ વર્ષથી ભાજપની સરકાર છે, પરંતુ આ ૨૮ વર્ષમાં હજી સુધી કેનાલનું કામ પૂર્ણ થયુ નથી. કેનાલના કામો ઉપર તો કોઈ કોર્ટનો સ્ટે નડતો હતો કે ના કોઈ ચુકાદો, તો તેનું કામ તો કરી શકાયુ હોત, પરંતુ સરકારની ઇચ્છા શક્તિના અભાવે આજે આપણે જે ૭૮ તાલુકામાં ૧૮.૪૫ લાખ હેક્ટર જમીનને સિંચાઈની સગવડ આપવાની હતી, તેની જગ્યાએ માત્ર ૧૩.૮૫ લાખ હેક્ટર જમીનને જ સિંચાઈની સગવડ આપી શક્યા છીએ. હજુ પણ વિશાખા, પ્રશાખા અને પ્ર-પ્રશાખાના ૫૭૨૩.૭૭ કી.મી. કેનાલના કામ બાકી છે અને તે ક્યારે પુર્ણ થશે તેનું કોઈ આયોજન સરકાર પાસે નથી. શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે આપણે શહેરી વિકાસમાં માત્ર ૮ મહાનગર પાલિકાઓને જ ગણીએ છીએ, પરંતુ ૧૫૭ નગર પાલિકાઓ છે એનું વહીવટી તંત્ર સાવ નબળુ છે, આજે લોકો પાસેથી અભિપ્રાય લઈએ તો દર ૧૦૦ માંથી ૯૦ વ્યક્તિ નગર પાલિકાના કામ સામે અસંતોષ વ્યક્ત કરે. જેનું કારણે એ છે કે વહીવટી માળખુ મજબુત હોવું જોઈએ એટલુ મજબુત્ નથી. પરિણામે શહેરીજનોને જે સારી ક્વોલીટીની સેવાઓ મળવી જોઈએ તે મળતી નથી. એટલે મારી સરકારને વિનંતી છે કે નગર પાલિકાઓને મજબુત બનાવવા પ્રયત્નો કરવામાં આવે, તેમજ જે નવી મહાનગર પાલિકાઓ બનાવવાની જાહેરાત થઈ છે તેમાં હજી પોરબંદર, વેરાવળ-સોમનાથ, નડીયાદ જેવા મોટી નગર પાલિકાઓનોને પણ સમાવેશ કરવામાં આવે તો સુવ્યવસ્થિત રીતે વ્યવસ્થા થઈ શકે. તેમજ શહેરી વિસ્તારોમાં જે આવાસ યોજનાના કામો થાય છે ખાસ કરીને નગર પાલિકા વિસ્તારમાં તેનો વહિવટ નગર પાલિકાને આપવાની જગ્યાએ રાજ્ય સરકાર પોતાની એજન્સીઓ મારફતે કામ કરાવે જેથી તેમાં થતા ભ્રષ્ટાચારોને નિયંત્રીત કરી શકાય અને લોકોને સારામાં સારુ પોતાનું ઘરનું ઘર મળી શકે.