અમેરિકા ભારતીયોનો સૌથી ગમતો દેશ રહ્યો છે. એમાંય ગુજરાતીઓની વાત થાય તો આપણે ત્યાં તો ઘણા એવા ગામ છે, જેમા દરેક પરિવારમાંથી એટલીસ્ટ એક વ્યક્તિ અમેરિકા હોય. ડોલરિયા દેશમાં કમાણી કરવા જવાનો ક્રેઝ પેઢીઓથી ગુજરાતીઓમાં રહ્યો છે, આ માટે ગુજરાતીઓ કાયદેસર, ગેરકાયદેસર બધા જ પ્રકારના રસ્તા અપનાવે છે. પરંતુ અમેરિકામાં હવે ગેરકાયદે ઈમિગ્રેશન મામલે બાઈડેન સરકાર કડક પગલાં લેવા જઈ રહી છે.
અમેરિકામાં વધી રહેલા ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને કારણે સ્થાનિકોને રોજગારીમાં તકલીફ પડી રહી છે, ત્યારે બંને પક્ષો ચૂંટણી પહેલા મતદારોને રિઝવવા માટે આવા ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ સામે પગલાં લે તેવી શક્યતા છે.
ફોક્સ ન્યૂઝના અહેવાલ મુજબ અમેરિકામાં સ્થાનિક નાગરિકો લાંબા સમયથી ગેરકાયદે વસતા વિદેશીઓ સામે પગલાં લેવા માટે માગ કરી રહ્યા છે. લાખોની સંખ્યામાં દર વર્ષે વિદેશી નાગરિકો ગેરકાયદે રીતે અમેરિકા પહોંચે છે અને થોડા વર્ષો રહીને શરણાર્થી તરીકે રહેવા માટે પરમિટ માગે છે. અમેરિકન સરકાર કાયદા પ્રમાણે આવા કેટલાક ઈમિગ્રન્ટ્સને રહેવાની પરવાનગી પણ આપે છે. ખાસ કરીને હાલના પ્રેસિડેન્ટ જો બાઈડેન સરકારની આવી પોલિસીથી અમેરિકન નાગરિકો નાખુશ જોવા મળી રહ્યા છે, ત્યારે ચૂંટણી પહેલા બાઈડેન સરકાર ગેરકાયદે રહેતા લોકો સામે કડક કાયદો ઘડે તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે ગેરકાયદે અમેરિકામાં ઘૂસેલા વિદેશી નાગરિકોની સંખ્યાં 73 લાખ કરતા પણ વધારે છે. એટલે કે અમેરિકાના 50 રાજ્યોમાંથી 36 રાજ્યોની વસ્તી કરતા પણ અમેરિકામાં ગેરકાયદે વસી રહેલા વિદેશી નાગરિકોની સંખ્યા વધારે છે. જો આવા ગેરકાયદે આવેલા નાગરિકો એક શહેરમાં ભેગા થાય તો અમેરિકાના સૌથી વધુ વસ્તી ધરાવતા ન્યૂયોર્ક પછી આ શહેરની વસ્તી બીજા નંબરે હશે. અમેરિકામાં અત્યાર સુધી ચાલુ વર્ષે એટલે કે 2024 સુધીમાં જ ગેરકાયદે ઘૂષણખોરીના 9.61 લાખથી વધુ કેસ સામે આવી ચૂક્યા છે. હજી તો 2024નો ફેબ્રુઆરી મહિનો જ છે. આખા વર્ષ દરમિયાન જો આ જ રીતે ગેરકાયદે લોકો અમેરિકા આવતા રહે તો સંખ્યા જૂના રેકોર્ડ તોડી શકે છે.
પરંતુ અમેરિકામાં હવે પ્રેસિડેન્ટ ઈલેક્શન નજીક છે, ત્યારે સ્થાનિક મતદારોને ખુશ કરવા માટે બાઈડેન સરકાર નવો કાયદો બનાવે તેવી શક્યતા છે. એટલે કે બહારથી આવતા લોકોને રોકવા માટે અને અત્યારે જે નાગરિકો અમેરિકામાં ગેરકાયદે રહે છે, તેમને પોતાના દેશમાં મોકલી દેવા માટે બાઈડેન સરકાર પગલા લેવા જઈ રહી છે. સ્થાનિક નાગરિકોની માગ છે કે મોટી સંખ્યામાં લોકો મેક્સિકોની બોર્ડર પરથી અમેરિકામાં ઘૂસે છે ત્યારે યુએસની બોર્ડર પોલિસી વધુ કડક હોવી જોઈએ. જો બાઈડેન સરકાર ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ સામે પગલાં લેવાનું શરૂ કરે તો હજારોની સંખ્યામાં ગુજરાતીઓએ પરત આવવું પડી શકે છે.
બીજી તરફ અમેરિકન સરકાર ગેરકાયદે આવતા નાગરિકોને કાયમી નાગરિક બનાવતી અરજીમાં થયેલા વધારાને પણ અંકુશમાં લેવા કાર્ય કરી રહી છે. આ રીતે રહેતા ઈલિગલ ઈમિગ્રન્ટ્સને શરણાર્થી બનાવવાના નિયમો પણ નજીકના ભવિષ્યમાં કડક બનવાી પૂરેપૂરી શક્યતા છે. ડોનાલ્ડ ટ્રમ્પની જેમ બાઈડેન સરકાર પણ સેક્શન 212 (F)નો હેઠળ પ્રેસિડેન્ટને મળતી સત્તાનો ઉપયોગ કરીને ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરી શકે છે.
જગત જમાદાર અમેરિકા યુક્રેન, ઈઝરાઈલ અને તાઈવાનને પણ ફંડ આપીને મદદ કરી રહી છે. હાલ ચૂંટણીમાં થઈ રહેલા સર્વે દરમિયાન અમેરિકન નાગરિકો આ મદદનો પણ વિરોધ કરી રહ્યા છે. જો કે, હજીય સ્થાનિકો માટે સૌથી મોટો મુદ્દો ગેરકાયદે અમેરિકા આવતા નાગરિકો જ છે. અમેરિકાના ઘણા શહેરોના મેયર, ગવર્નરો અને ઈમિગ્રેશન એડવોકેટ્સે પણ બાઈડનને આ મામલે કંઈક કરવા વિનંતી કરી છે. રાષ્ટ્રપતિ બાઈડને 2021માં સત્તા સંભાળી ત્યારથી, ગેરકાયદેસર ક્રોસિંગનો કુલ આંકડો 72,98,486 (લગભગ 73 લાખ) છે. ફોક્સ ન્યૂઝના જણાવ્યા મુજબ આ આંકડા અલાબામા, કોલોરાડો અને મેરીલેન્ડ સહિતના રાજ્યોની વસતી કરતા પણ વધુ છે.