દાહોદ જિલ્લામાં છ નકલી સરકારી ઓફિસો બનાવી 100 જેટલા નકલી સરકારી પ્રોજેક્ટ્સના નામે 18.5 કરોડથી વધુ રૂપિયાનું ચકચારી ‘કૌભાંડ’ કરનારા આસિસ્ટન્ટ કમિશનર વિશ્વદીપસિંહ ગોહિલની આગોતરા જામીન અરજી હાઇકોર્ટના જસ્ટિસ જે.સી. દોશીએ ફગાવી દીધી છે. સરકારમાં રહીને સરકાર અને ટેક્સ ભરતી પ્રજાના કરોડો રૂપિયાની ઉચાપત કરતાં સરકારી અધિકારીઓ માટે ‘લાલબત્તી’ સમાન ચુકાદામાં જસ્ટિસ દોશીએ નોંધ્યું છે કે,’આરોપીનું કૃત્ય આદિવાસી અને સામાન્ય નાગરિકોના સામાજિક અને આર્થિક ઉત્થાન માટેના સરકારી નાણાંની ગેરરીતિનો આર્થિક ગુનો છે.
અરજદાર આરોપી અને સહઆરોપીઓએ કરોડો રૂપિયાના સુવ્યવસ્થિત કૌભાંડને અંજામ આપ્યો છે. કોર્ટનું માનવું છે કે, અત્યંત મોટા નાણાંકીય કૌભાંડના આરોપી અરજદારને આગોતરા જામીન આપી શકાય નહીં અને કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે તેનું કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન જરૂરી છે.’
આદિવાસી જિલ્લાઓમાં ‘નકલી સરકારી ઓફિસ’, ‘નકલી સરકારી પ્રોજેક્ટસ’ના ફાટેલા રાફડાનો અત્યંત ચર્ચાસ્પદ કિસ્સો હાઇકોર્ટ સમક્ષ પહોંચ્યો હતો. કૌભાંડમાં કથિત સંડોવણીના મામલે તત્કાલિન આસિ. કમિશનર વિશ્વદીપસિંહ ગોહિલે ધરપકડથી બચવા હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જેમાં જસ્ટિસ જે.સી. દોશીએ સિમાચિહ્નરૂપ ચુકાદો આરતાં નોંધ્યું હતું કે,’છોટા ઉદેપુરમાં આવું જ એક કૌભાંડ સામે આવ્યા બાદ આ વિસ્તારમાં અનેક કૌભાંડો સામે આવ્યા છે. જેમાં સિંચાઇ વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયરે પ્રોજેક્ટનો પ્રસ્તાવ ન મૂક્યો હોય તેમ છતાંય તેને મંજૂરી મળીને નાણાં પણ આપી દેવાયા હતા. પ્રસ્તુત કેસનો અરજદાર જેતે સમયે સરકારમાં બે જુદાજુદા હોદ્દા ધરાવતો હતો અને એ પૈકી એક સ્વતંત્ર હોદ્દો હતો. પ્રથમદર્શી રીતે જણાય છે કે, અંદાજિત 100 જેટલા પ્રોજેક્ટ્સ નકલી સરકારી ઓફિસમાંથી મોકલવામાં આવ્યા હતા, જે પૈકી 96 પ્રોજેટ્સમાં અરજદારની સંડોવણી હોવાનું જણાય છે. ઉક્ત પ્રોજેક્ટ્સના ડોક્યુમેન્ટની ખરાઇ કરવાનું કામ જ અરજદારનું હતું, પરંતુ તેમ છતાંય અરજદારે દસ્તાવેજોની યોગ્ય રીતે ખરાઇ કરી નહોતી. એટલું જ નહીં, તેણે પ્રસ્તાવિત પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, ચેક પણ રિલીઝ કર્યા હતા. જોકે, પ્રોજેક્ટસને મંજૂર કરવા કે ચેક રિલીઝ કરવાની તેની સત્તા જ નહોતી. આ રીતે આરોપીઓએ 18 કરોડથી વધુ રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું અને જાહેર સરકારી નાણાંનું નુકસાન કર્યું હતું. આ રૂપિયા 130 જેટલા જુદા જુદા બેંક ખાતામાં ટ્રાન્સફર પણ થયા હતા. અરજદારના તત્કાલિન હોદ્દા(આસિ.કમિશનર) અને નિર્ણય તથા પ્રક્રિયાની અમલવારીમાં તેની ભૂમિકા જોતા સ્પષ્ટ થાય છે કે, સમગ્ર કૌભાંડમાં તેની ભૂમિકા ‘માસ્ટર માઇન્ડ’ જેવી છે અને આ કૌભાંડ સુવ્યવસ્થિત રીતે ડિઝાઇન કરવામાં આવેલા ‘આર્થિક ગુના’નો છે.’ હાઇકોર્ટે ચુકાદામાં ઠરાવ્યું છે કે,’કેસના અનેક દસ્તાવેજો અંગે તપાસ માટે અરજદારનું નિવેદન અને કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન જરૂરી હોવાથી તેની આગોતરા જામીન અરજી રદ કરવામાં આવે છે.’
અરજદાર વિશ્વદીપસિંહ તરફથી એવી રજૂઆત કરાઇ હતી કે, આરોપી નિર્દોષ છે અને આ ગુનામાં તેની સામે કરાયેલા આક્ષેપો ફરિયાદી પક્ષે સાબિત કરવાના હોય. તેમ છતાં અરજદાર સાયન્ટિફિટ ટેસ્ટ માટે તૈયાર છે, પરંતુ હાઇકોર્ટે આ રજૂઆત ફગાવી કાઢતાં નોંધ્યું હતું કે,’આગોતરા જામીનના તબક્કે અરજદારની સાયન્ટિફિક ટેસ્ટ માટેની તૈયારીને ગ્રાહ્ય રાખી શકાય નહીં.’