કોંગ્રેસના દિગ્ગજ નેતા નારણ રાઠવા હવે ભાજપના થયા છે. નારણ રાઠવાએ પુત્ર સંગ્રામ સિંહ સાથે કેસરિયો ખેસ ધારણ કર્યો છે. ભાજપની નિર્ણયશક્તિના કારણે પિતા-પુત્ર ભાજપમાં જોડાયા તેવું તેમણે જોડાયું. ત્યાર છોટાઉદેપુરના કદાવર નેતા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાવાનો લઈને પૂર્વ સાંસદ અને ટ્રાઇફેડના ચેરમેન રામસિંગ રાઠવાએ પ્રતિક્રિયા આપી છે.
છોટાઉદેપુરના કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાતા ટ્રાઇફેડના ચેરમેન રામસિંગ રાઠવાએ પ્રતિક્રિયા આપી છે. રામસિંગ રાઠવાએ જણાવ્યું કે, જે-તે વખતે અમે વાત કરી હતી કે રાઠવા ત્રિપુટી તૂટવાની છે અને આજે અમે જોઈ રહ્યા છે કે અને હર્ષની લાગણી અનુભવી રહ્યા છે. છોટાઉદેપુરમાં એક સમય એવો હતો કે રાઠવા ત્રિપુટી સામે પડ્યો એનું અસ્તિત્વ રહેતું ન હતું અને એવા સમયે મેં એમના સામે પડકાર ફેંક્યો અને પડકારમાં મેં જીતેને આગળ આવ્યો.
રાઠવા પિતા-પુત્રના ભાજપમાં જોડાવા અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું કે, સંગ્રામ રાઠવા છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખ હતા ત્યારથી નાણાંની ઉથલપાથલનો હવાલો આપ્યો હતો. છોટાઉદેપુર નપા માં ૧.૮૧ કરોડની નાણા ખોટીરીતે વપરાયા હોવાનો કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. કેસની મજબૂરીના કારણે તો ભાજપમાં નથી જોડાયા ને? કોંગ્રેસે રાઠવા પરિવારને સતત સાંસદ અને વિધાનસભાની ટિકિટો આપી છે. ભાજપ ભરતી મેળાના નામે પ્રપંચ કરી રહ્યું છે. યુવાઓ સરકારી નોકરીના ભરતી મેળાની રાહ જોઈ રહ્યા છે અને ભાજપમાં ભારતીમેળા થાય છે. ભાજપ મજબૂત હોવાનો દાવો કરે છે તો કોંગ્રેસના નેતાઓને લેવાની શું મજબૂરી છે? અંબાજીથી ઉમરગામના આદિવાસી વિસ્તારના મતદાતાઓ ભાજપથી નારાજ છે. આદિવાસી સબપ્લાનની ગ્રાન્ટ વપરાઇ નહીં અને નકલી કચેરીઓ ધમધમે છે.
લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી નારણ રાઠવા આજે કોંગ્રેસને અલવિદા કહી ભાજપમાં જોડાયા છે. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની હાજરીમાં કોંગ્રેસના વધુ એક રાઠવા ભાજપમાં જોડાયા છે અને કોંગ્રેસ માટે આ એક મોટો ઝટકો છે. કેમ કે નારણ રાઠવાની ગણતરી કોંગ્રેસના સૌથી મોટા આદિવાસી નેતામાં થતી હતી. નારાયણ રાઠવાની સાથે તેમના પુત્ર સંગ્રામ રાઠવા પણ ભાજપમાં જોડાયા છે. નારણ રાઠવા UPA સરકારમાં રેલવે રાજ્ય મંત્રી બન્યા હતા. અને તેમનો રાજ્યસભાના સાંસદ તરીકેનો કાર્યકાળ 2 એપ્રિલે પૂરો થાય છે.
67 વર્ષના નારણ રાઠવાએ રાજનીતિની શરૂઆત કોંગ્રેસથી જ કરી હતી. તે પાંચ વખત લોકસભાના સાંસદ બન્યા હતા. 1989માં લોકસભા ચૂંટણી જીતીને નારણ રાઠવા પહેલીવાર સંસદ પહોંચ્યા હતા. તેના પછી 1991, 1996, 1998 અને 2004માં પણ તે ચૂંટણી જીતીને સાંસદ બન્યા. તે છોટાઉદેપુરના સાંસદ હતા. 2004થી 2009ની વચ્ચે યૂપીએ-1 સરકારમાં તે રેલવે રાજ્યમંત્રી પણ બન્યા હતા. જોકે 2009ની લોકસભાની ચૂંટણીમાં તે ભાજપના રામસિંહ રાઠવા સામે હારી ગયા હતા. તેના પછી તે 10 વર્ષ સુધી કોઈપણ પદ પર નહોતા. જોકે કોંગ્રેસે 2018માં તેમને રાજ્યસભામાં મોકલ્યા હતા.