ગાંધીનગર જિલ્લાના કોલેરાગ્રસ્ત કલોલમાં વધુ ૨ પોઝિટિવ દર્દી મળી આવ્યા છે. તેમજ ગાંધીનગર સિવિલ અને કલોલ સીએચસી સહિત કોલેરાના ૭ દર્દી હજુ સારવાર હેઠળ છે. પરિસ્થિતિ વધુ વણસે તે પહેલાં જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી સહિતના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓએ મંગળવારે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી અને આવશ્યક સૂચનાઓ આપી હતી.
કલોલ શહેરના પૂર્વ વિસ્તારમાં દૂષિત પાણી પીવાના કારણે તા. ૨૭મી ફેબ્રુઆરીના દિવસથી ઝાડા ઉલટીનો રોગચાળો ફાટી નિકળ્યો હતો. તેના એક પછી એક દિવસ અનેક લોકો ઝાડા ઉલટીમાં સપડાવા લાગ્યા હતાં. દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો સામે આવ્યો હતો. જેથી ફફડી ઉઠેલા આરોગ્ય તંત્રએ દર્દીઓના જરૂરી ટેસ્ટ કરી લેબોરેટરીમાં મોકલી આપ્યા હતાં. તેમાં કોલેરા પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા હતાં. તેના પગલે ગાંધીનગર જિલ્લા કલેક્ટર દ્વારા કલોલના પૂર્વ વિસ્તારના બે કિલો મીટર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરતુ જાહેરનામુ પ્રસિધ્ધ કર્યુ હતું. ત્યાર બાદ સ્થિતિને કાબુમાં લેવા માટે કલોલ પાલિકા અને જિલ્લા આરોગ્ય તંત્ર સફાળુ દોડતુ થયુ હતું અને અનેક દર્દીઓના સેમ્પલો લેવાની સાથે આરોગ્ય વિષયક પગલા ભરવા માંડ્યા હતાં.
જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ મંગળવારે ઝાડા ઉલટીના અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેલન્સની ૪૦ ટીમો ઉતારવામાં આવી હતી. તે દરમિયાન ડોર ટૂ ડોર સર્વે કરવામાં આવ્યો હતો. તેમાં ગંભીર અસરગ્રસ્ત જણાયેલા ૭ દર્દીના સેમ્પલ લેવાયા હતાં. તે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવતાં પાંચ દર્દીને ઓપીડીમાં સારવાર આપવાની ફરજ પડી હતી. તેમજ વધુ બે દર્દીને હોસ્પિટલમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી. તંત્ર દ્વારા વધુમાં જણાવાયુ છે કે હાલના તબક્કે કુલ ૭ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમાં પાંચ દર્દી કલોલ સીએચસીમાં અને બે દર્દી ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કોલેરાની સારવાર લઇ રહ્યાં છે.