નોર્થ કોરિયાએ સોમવારે સવારે પૂર્વ સમુદ્ર (જાપાન સમુદ્ર)માં ત્રણ બેલેસ્ટિક મિસાઇલો ઝીંકી હતી. સાઉથ કોરિયાના સંરક્ષણ મંત્રાલયે આ માહિતી જણાવી છે.
રક્ષા મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું – નોર્થ કોરિયાએ જાપાનના સમુદ્રમાં મિસાઈલ ફાયર કરી હતી. જાપાન કોસ્ટ ગાર્ડે પણ આ વાતની પુષ્ટિ કરી છે. તેમજ, જાપાનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે મિસાઇલો 50 કિલોમીટરની ઉંચાઈ પર ગઈ અને તેની રેન્જ 350 કિલોમીટર હતી.
એક ન્યૂઝ એજન્સીનાં જણાવ્યા અનુસાર નોર્થ કોરિયા દ્વારા આ મિસાઈલો એવા સમયે ઝીંકવામાં આવી છે જ્યારે અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિકન સાઉથ કોરિયાના પ્રવાસે છે. બ્લિકન રવિવારે મોડી રાત્રે સાઉથ કોરિયાની રાજધાની સિયોલ પહોંચ્યા હતા. સોમવારે સવારે 7.44 થી 8.22 વાગ્યાની વચ્ચે નોર્થ કોરિયાએ સાઉથ કોરિયા તરફ મિસાઈલ ફાયર કરી હતી.
જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાએ નોર્થ કોરિયા દ્વારા ઝીંકવામાં આવેલી મિસાઈલોને ઉશ્કેરણીજનક કૃત્ય ગણાવ્યું છે. તેમણે કહ્યું કે આવી હરકતોને બિલકુલ સાંખી લેવામાં આવશે નહીં.
14 માર્ચે નોર્થ કોરિયાના રાષ્ટ્રપતિ અને તાનાશાહ કિમ જોંગ ઉને ટેન્ક ચલાવી હતી. કિમ આ ટેન્કોની ફાયરપાવર ક્ષમતાઓથી ખૂબ પ્રભાવિત જણાતા હતા. આ પરીક્ષણના એક દિવસ પહેલા અમેરિકા અને સાઉથ કોરિયાએ સંયુક્ત મિલિટરી ડ્રિલ હાથ ધરી હતી.
અમેરિકા અને સાઉથ કોરિયાની લશ્કરી કવાયતના જવાબમાં નોર્થ કોરિયા અવારનવાર મિસાઇલ-ટેન્ક અથવા નવા શસ્ત્રોનું પરીક્ષણ કરે છે. ઓગસ્ટ 2023માં તામાશાહે કહ્યું હતું – અમેરિકા અને સાઉથ કોરિયા યુદ્ધાભ્યાસ આપણા દેશ પર હુમલો કરવાની તૈયારીમાં કરે છે.
પરમાણુ દેશ બન્યા બાદ નોર્થ કોરિયા સાથે યુદ્ધ લડી ચુકેલા સાઉથ કોરિયાને તેની સુરક્ષા સામે જોખમ છે. તેને જોતા અમેરિકા અને સાઉથ કોરિયા સંરક્ષણ સહયોગ વધારી રહ્યા છે. આ માટે સૈન્ય કવાયત કરવામાં આવી રહી છે. તેમજ, સાઉથ કોરિયામાં 27 હજાર અમેરિકન સૈનિકો તહેનાત છે.
2022માં, રાષ્ટ્રપતિ જો બાઈડનની પહેલ પર અમેરિકા અને સાઉથ કોરિયા વચ્ચે સમિટ ફોર ડેમોક્રેસી શરૂ થઈ. આ બેઠક દર વર્ષે યોજાય છે. આ વખતે તે સાઉથ કોરિયામાં યોજાઈ રહી છે. સમિટ ફોર ડેમોક્રેસીની ત્રીજી બેઠકમાં ભાગ લેવા માટે અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિકન સિયોલ પહોંચ્યા છે.
સંયુક્ત રાષ્ટ્રએ નોર્થ કોરિયા પર પરમાણુ અને બેલેસ્ટિક હથિયારોના પરીક્ષણને લઈને પ્રતિબંધો લગાવ્યા છે. સરળ શબ્દોમાં કહીએ તો નોર્થ કોરિયા પરમાણુ અને બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કરી શકતું નથી. આમ છતાં સતત મિસાઈલ પરીક્ષણ કરી રહ્યું છે.