અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી. કે.એ મીડિયા મોનિટરિંગ સેન્ટરની મુલાકાત લીધી
અમદાવાદ
લોકસભા સામાન્ય ચૂંટણી-2024ની જાહેરાત થતાંની સાથે જ સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા અમલી બની છે. આ ચૂંટણી મુક્ત, ન્યાયી અને નિર્ભય વાતાવરણ યોજાય તે માટે અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી. કે.ના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં કામગીરી કરી રહ્યું છે. ચૂંટણીમાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયામાં આવતા ફેક ન્યૂઝ, પેઈડ ન્યૂઝ અને આચારસંહિતાના ભંગને લગતી બાબતો પર વૉચ રાખવા માટે અમદાવાદ કલેકટર કચેરી ખાતે MCMC (મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી) સંચાલિત ઈલેક્ટ્રોનિક મીડિયા મોનિટરિંગ સેન્ટરની કામગીરી શરૂ થઈ ચૂકી છે. જેની કામગીરી નિહાળવા અને આ કમિટી સાથે જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને ચૂંટણીલક્ષી જરૂરી માર્ગદર્શન આપવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે.એ આજે કલેક્ટર કચેરી ખાતે ઊભા કરવામાં આવેલા મીડિયા મોનિટરિંગ સેન્ટરની મુલાકાત લીધી હતી. લોકસભા સામાન્ય ચૂંટણી શાંતિમય વાતાવરણમાં યોજાય તે માટે MCMC સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં સ્થાનિક, રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાની ન્યૂઝ ચેનલમાં અમદાવાદ જિલ્લાને લગતી ચૂંટણીલક્ષી બાબતો અંગે ખાસ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ચૂંટણી દરમિયાન આદર્શ આચારસંહિતાનો ભંગ કરતી હોય તેવી બાબતો પર ચાંપતી નજર રાખી નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી થાય તે માટે કામગીરી શરૂ કરાઈ છે. જિલ્લામાં પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા પર ફેક ન્યૂઝ, પેઈડ ન્યૂઝ અને આચારસંહિતાના ભંગના સમાચાર બાબતે રાઉન્ડ ધ ક્લોક વોચ કરી બાજ નજર રાખવામાં આવશે. પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક્સ મીડિયા મોનિટરિંગ માટે વિવિધ સ્ટાફને તાલીમ આપી સજ્જ કરીને તેમની આ કામગીરી માટે નિમણૂંક કરવામાં આવી છે.આ પ્રસંગે અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ ઠક્કર અને શ્રી નેહા ગુપ્તા, નાયબ માહિતી નિયામક શ્રી હિમાંશુ ઉપાધ્યાય, સહાયક માહિતી નિયામક સર્વશ્રી શ્રી રેસુંગ ચૌહાણ, શ્રી હરીશ પરમાર, નાયબ મામલતદાર શ્રી સંદીપ ગાંધી અને નિધિ પટેલ સહિત અમદાવાદ પ્રાદેશિક માહિતી કચેરીનો સ્ટાફ અને મીડિયા સેન્ટર ખાતે ફરજ બજાવતા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.