ગુજરાતમાં ફ્લેટ કે દુકાન ધારકો માટે ગુજરેરાનો એક મોટો ચૂકાદો આવ્યો છે. જો કોઈ બિલ્ડર લોન લીધા પછી પેમેન્ટ કરવામાં નિષ્ફળ જાય તો બેન્કો ગ્રાહકોએ લીધેલા ફ્લેટ કે દુકાનોને વેચી શકે નહીં. સુપ્રીમ કોર્ટના એક ચૂકાદાને ધ્યાને રાખીને ગુજરેરાએ ચૂકાદો આપ્યો છે કે ગ્રાહકોના હિતો જ સર્વોપરી હોય છે. SARFAESI એક્ટ અંતર્ગત તમે કાર્યવાહી કરી શકો છે પણ જે ગ્રાહકે ઓલરેડી પેમેન્ટ કરીને ફ્લેટ કે દુકાનો બુક કરાવી છે એમની દુકાનો કે ફ્લેટનો કબજો લઈને તમે વેચાણમાં ન મૂકી શકો.ગુજરેરાના આ ચૂકાદા બાદ ગુજરાતના ઘણા ફ્લેટધારકો માટે આ રાહતના સમાચાર છે.
અમદાવાદથી લઈને સુરત સુધી આ પ્રકારના કેસો બહાર આવ્યા છે. જેમાં બિલ્ડરો પ્રોપર્ટી મોર્ગેજ કરી લોન લીધા બાદ ભરપાઈ ન કરતાં ફ્લેટધારકોએ મુશ્કેલીનો સામને કરવો પડ્યો છે. ઘણા ફ્લેટ ધારકો તો સરફેસી એક્ટ હેઠળ કોર્ટ કેસો પણ લડી રહ્યાં છે. જોકે, ગુજરાતમાં ગુજરેરા કાયદો અમલમાં આવ્યા બાદ બનેલી સ્કીમોને આ ચૂકાદો અસર કરી શકે છે. પ્રમોટર જો લોન ભરવામાં ફેઈલ થાય તો તેવા સંજોગોમાં મકાન ખરીદનારના અધિકારોને ધ્યાનમાં લેવામાં આવશે.
બિલ્ડરે એસબીઆઈ પાસેથી લોન લીધી હતી અને લોનની ચૂકવણી કરી શક્યા નહીં.બેન્કે બિલ્ડરની આખી સ્કીમનું પઝેશન પોતાના હાથમાં લઈ લીધું.ગ્રાહકો GujRERA સમક્ષ ગયા અને ગુજરેરાએ ગ્રાહકોની ફેવરમાં ચુકાદો આપ્યો છે.
ગુજરાત રેરા દ્વારા આ એક મહત્ત્વનો ચુકાદો છે. જે ગ્રાહકો માટે મોટો ફાયદાકારક કહી શકાય છે. બિલ્ડર લોન ભરવામાં નિષ્ફળ જાય તેના કારણે એલોટી દ્વારા ખરીદવામાં આવેલી દુકાનો કે ફ્લેટને SARFAESI એક્ટ હેઠળ બેન્ક રિકવરી કરી શકે નહીં. ગુજરેરાના ચુકાદાને બેન્ક દ્વારા હાઈકોર્ટમાં ચેલેન્જ કરવામાં આવ્યો હતો. હાઈકોર્ટે આ અંગે ફાઈનલ ચુકાદો આપવા GujRERAને જણાવ્યું હતું. ગુજરેરાએ હવે ફાઈનલ ઓર્ડર આપ્યો છે. તે સાબિત કરે છે કે RERA એક્ટ SARFAESI એક્ટને સુપરસિડ કરે છે. રેરા ઓથોરિટી માટે જેને એલોટમેન્ટ થયું હોય તે ગ્રાહકના હિત સર્વોચ્ચ છે.
GujRERAએ વડોદરા કેસમાં નોંધ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે પ્રોપર્ટીના ખરીદદારો સિક્યોર્ડ ક્રેડિટર્સ ગણાય છે. આ કેસમાં એક બિલ્ડરે એસબીઆઈ પાસેથી લોન લીધી હતી અને ત્યાર પછી તે લોનની ચૂકવણી કરી શક્યા નહીં. તેના કારણે બેન્કે બિલ્ડરની સ્કીમનું પઝેશન લઈ લીધું. જેમાં ગ્રાહકની તરફેણમાં ચૂકાદો આપી રેરાએ સાબિત કરી દીધું હતું કે ગુજરાતમાં આજે પણ બિલ્ડરો સામે ન્યાય મળી શકે છે.
ગુજરાતમાં રેરા એક્ટના અમલ બાદ બિલ્ડરોએ તમામ વિગતો રેરામાં જમા કરાવવી પડે છે. રેરાની પરમિશન બાદ જ બિલ્ડર આગળની પ્રોસેસ કરી શકે છે. રેરામાં સ્કીમ નોંધાયેલી ન હોય તો રેરા દંડ પણ ફટકારી શકે છે. ગુજરાતમાં ગ્રાહકો માટે રેરા એક્ટ આવ્યા બાદ હવે ન્યાયની આશા વધી છે.