અમેરિકામાં હાલમાં ઈમિગ્રન્ટ્સની સમસ્યા વકરતી જાય છે. દર વર્ષે લાખોની સંખ્યામાં ઈમિગ્રન્ટ્સ વિવિધ રસ્તાઓ અપનાવીને અમેરિકામાં ઘૂસતા હોય છે. હવે તાજેતરના નવા કસ્ટમ્સ અને બોર્ડર પેટ્રોલ ડેટા મુજબ અમેરિકાની દક્ષિણ સરહદે ફેબ્રુઆરીમાં સૌથી વધુ માઈગ્રન્ટ્સ એન્કાઉન્ટરનો રેકોર્ડ બનાવ્યો હતો, જેમાં 1,89,922 ક્રોસિંગના પ્રયાસ કરવામાં આવ્યા હતા.
આ આંકડાએ 2022માં ફેબ્રુઆરીમાં નોંધાયેલા 1,66,010ના રેકોર્ડને તોડી નાંખ્યો છે. જ્યારે ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં આ આંકડો 1,56,000 હતો. તેમાં બોર્ડર પેટ્રોલની ચિંતાઓ અને એન્ટ્રીના ઔપચારિક પોર્ટ્સ પરના ઈન્ટરએક્શનનો સમાવેશ થાય છે, પરંતુ કેટલા માઈગ્રન્ટ્સ દક્ષિણની સરહદ પાર કરે છે તેનો અંદાજ સામેલ નથી.
ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ પ્રમાણે 1 એક્ટોબરે શરૂ થયેલા આ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં એફબીઆઈના આતંકવાદી વોચલિસ્ટમાં 70 માઈગ્રન્ટ્સે ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો છે, જેમાંથી 11 માઈગ્રન્ટ્સે ફેબ્રુઆરીમાં આવું કર્યું હતું. જ્યારે ઉત્તરીય સરહદનો સમાવેશ કરવામાં આવે છે ત્યારે ફેબ્રુઆરીમાં 2,56,000 બોર્ડર ઈન્ટરએક્શન જોવા મળી હતી જે ગત મહિનાની સરખામણીમાં લગભગ 13,000નો વધારો સૂચવે છે.
દક્ષિણ સરહદે થયેલા લગભગ 1,90,000 ઈન્ટરએક્શનમાંથી લગભગ 1,40,000 જેટલી બોર્ડર પેટ્રોલ દ્વારા ધરપકડનો હિસ્સો છે. આ આંકડો ડિસેમ્બરના રેકોર્ડ-બ્રેકિંગ 3,71,000 કરતાં નોંધપાત્ર રીતે નીચે રહ્યો. બાઈડન એડમિનિસ્ટ્રેશનનો એક અલગ પ્રોજેક્ટ હૈતી, ક્યુબા, વેનેઝુએલા અને નિકારાગુઆના અનડોક્યુમેન્ટેડ માઈગ્રન્ટ્સ માટે અમેરિકામાં પ્રવેશની સુવિધા આપે છે. તે દેશોમાંથી લગભગ 4,00,000 માઈગ્રન્ટ્સ પહેલાથી જ દેશમાં પ્રવેશી ચૂક્યા છે, જેમાં ઘણા ફ્લોરિડા તરફ જઈ રહ્યા છે.
હાલમાં અમેરિકામાં માઈગ્રેશનનું પ્રમાણ વધ્યું છે અને તેનો ભારે વિરોધ થઈ રહ્યો છે. ઘણા રાજ્યો આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે પોતાની રીતે કેટલાક કાયદા બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. મેક્સિકો બોર્ડરને અડીને આવેલું ટેક્સાસ અમેરિકામાં અગાઉ ક્યારેય કોઈ રાજ્યએ ના બનાવ્યો હોય તેવો કડક એન્ટી ઈમિગ્રન્ટ કાયદો બનાવીને તેને અમલમાં મૂકવા માટે બાઈડન સરકાર સામે કોર્ટમાં કાયદાકીય લડાઈ લડી રહ્યું છે. મેક્સિકો બોર્ડર ક્રોસ કરીને આવેલા અનડોક્યુમેન્ટેડ ઈમિગ્રન્ટ્સની ધરપકડ કરી તેમને જેલની સજા કરવા ઉપરાંત પરત મેક્સિકો મોકલી દેવાની જોગવાઈ ધરાવતા આ કાયદાને ટેક્સાસના ગવર્નરે મંજૂરી આપી દીધી છે, પરંતુ ફેડરલ ગવર્મેન્ટે તેની સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કર્યા બાદ આ કાયદાનો અમલ હજુ સુધી નથી થઈ શક્યો.