જાપાનમાં ભૂકંપના જોરદાર ઝટકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.3 માપવામાં આવી છે. જાપાનના હોંશૂમાં પૂર્વમાં આ ઝટકા અનુભવાયા હતા. ભૂકંપના ઝટકા એટલા જોરદાર હતા કે તે ચીન સુધી અનુભવાયા હતા. જાપાનમાં ભૂકંપ એવા સમયે આવ્યો છે જ્યારે બુધવારે પાડોશી દેશ તાઇવાનમાં 7.5ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો જેમાં 10 લોકોના મોત થયા હતા.
યૂરોપિયન-મેડિટેરેનિયમ સીસ્મૉલોજીકલ સેન્ટર (EMSC)એ જણાવ્યું કે જાપાનના હોંશૂ ટાપુના પૂર્વ ભાગમાં 6.3ની તીવ્રતા ધરાવતો ભૂકંપ આવ્યો છે. જાપાનના ચાર મુખ્ય ટાપુને મળીને બન્યો છે જેમાં હોક્કાઇડો, હોંશૂ, શિકોકૂ અને ક્યૂશુ સામેલ છે. હોંશૂમાં જ ટોક્યો સહિત તમામ મુખ્ય શહેર આવેલા છે. EMSCનું કહેવું છે કે ભૂકંપના કેન્દ્રની ઊંડાઇ 32 કિમી હતી. જાપાનમાં બુધવારે પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા, જેની તીવ્રતા પણ 6ની આસપાસ રહી હતી.
તાઇવાનમાં આવેલા ભૂકંપના ઝટકા બાદ જાપાને ઓકિનાવા પ્રાંત માટે સુનામીનું એલર્ટ જાહેર કર્યું હતું. લોકોને દરિયા કિનારાથી દૂર રહેવા અને ઉંચાઇ ધરાવતા સ્થળો પર જવાનો આદેશ આપવામાં આવ્યો છે. જાપાનના દક્ષિણ-પશ્ચિમ દરિયા કિનારા પર 3 મીટર ઉંચી લહેરોને ઉઠતી પણ જોવામાં આવી છે. તાઇવાનમાં આવેલા ભૂકંપના ઝટકા ફિલિપાઇન્સ અને ચીનમાં પણ અનુભવાયા હતા. જોકે, સૌથી વધુ અસર જાપાનમાં જોવા મળી હતી અને તે બાદ સુનામીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.
જાપાન દુનિયાના તે દેશોમાં સામેલ છે જ્યાં સૌથી વધુ ભૂકંપના ઝટકા અનુભવાય છે. આ કારણે દેશમાં બનતી બિલ્ડિંગની ડિઝાઇનને તે રીતે કરવામાં આવે છે કે તે સૌથી જોરદાર ભૂકંપના ઝટકામાં પણ તેના પર કોઇ અસર ના થાય. 12.5 કરોડની વસ્તી ધરાવતું જાપાન દર વર્ષે 1500થી વધુ ભૂકંપના ઝટકાનો સામનો કરે છે જેમાંથી મોટાભાગના ઝટકા ઓછી તીવ્રતા ધરાવતા જ હોય છે.