કચ્છ જિલ્લામાં સમયાંતરે ભુકંપના આચકાઓ આવતા રહે છે. ત્યારે ગુરુવારની મધરાત બાદ 3:25 મિનિટે ભચાઉ તાલુકાના કડોલ નજીક 2.9ની તિવ્રતાનો આંચકો નોંધાયો હતો, ત્યારબાદ શુક્રવારે સવારે 9.12 મિનિટે એજ વિસ્તારમાં 2.8ની તિવ્રતા ભુકંપનો આંચકો લોકોએ અનુભવ્યો હતો. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરીએ પણ ભૂકંપના હળવા આંચકાની નોંધ લીધી હતી.
કચ્છમાં સમયાંતરે ભૂકંપના આચકાઓ અનુભવાતા હોય છે. ખાસ કરીને વાગડ ફોલ્ટ લાઈન ઉપર આંચકાઓની સંખ્યા વિશેષ નોંધાતી રહે છે. જોકે, સામાન્યથી મધ્યમ કક્ષાના આંચકાઓથી જાનમાલને કોઈ નુકસાન પહોંચતું નથી. ભચાઉથી ઉત્તર પશ્વિમ દિશાએ આવેલા રણ કાંઠા આસપાસ ભૂકંપના આંચકાઓ વિષેશ અનુભવાતા હોય છે. શુક્રવારે સવારે 9.12 મિનિટે નેર ગામ નજીક વધુ એક 2.9ની તિવ્રતા ધરાવતો આંચકો નોંધાયો હતો. જે વાગડ ફોલ્ટલાઈનમાં ભૂગર્ભ ગતિવધિને સાબિત કરે છે, જોકે, સામાન્ય આંચકાઓ મોટા આંચકોને નિવારતા હોય છે. ઉલ્લેખનીય છે કે, ગત ગુરુવારે પણ ધરા ધ્રુજી હતી, તો આ પૂર્વે ગત 17ના ખાવડા નજીક 3.3 અને તા.5ના દુધઈથી 26 કિલોમીટર દૂર રણ સરહદે 3.2ની તિવ્રતા ધરાવતો આફ્ટત શોક નોંધાયો હતો. ધરતીકંપ આવવાનું મુખ્ય કારણ પૃથ્વીની અંદર પ્લેટોની અથડામણ છે. પૃથ્વીની અંદર સાત પ્લેટ છે, જે સતત ફરતી રહે છે. જ્યારે આ પ્લેટ્સ અંદરોઅંદર અથડાય છે ત્યારે ત્યાં ફોલ્ટલાઇન ઝોન રચાય છે અને સપાટીના ખૂણા ફોલ્ડ થાય છે. સપાટીના ખૂણાને લીધે ત્યાં દબાણ વધે છે અને પ્લેટો તૂટવાનું શરૂ થાય છે. આ પ્લેટો તૂટવાને કારણે અંદર રહેલી ઊર્જા બહાર આવવાનો રસ્તો શોધી લે છે, જેને કારણે ધરતી ધ્રૂજે છે અને આપણે એને ભૂકંપ માનીએ છીએ.