ગાંધીનગરમાં કુમળી વયે પાંગરેલા પ્રેમસંબંધનાં લીધે 19 વર્ષીય યુવતીને પુખ્તવયે પસ્તાવાનો વખત આવ્યો છે. બંને પક્ષની સંમતિથી પ્રેમલગ્ન કરીને સાસરીએ ગયેલી યુવતીએ ઘરકામ – મેણાટોણાથી કંટાળીને મહિલા પોલીસ મથકમાં પતિ સહીતના સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ગાંધીનગરના અડાલજ વિસ્તારની સોસાયટીમાં રહેતા યુવકે તેની પત્નીને છૂટાછેડા આપી દીધા હતા. બાદમાં યુવક વાવોલની સોસાયટી નીચે તેના મિત્રના પાર્લરે આવતો જતો હતો. એ વખતે અત્રેની સોસાયટીમાં રહેતી સગીરા પણ પાર્લરે ખરીદી કરવા આવતી જતી હતી. જેથી યુવકે સગીરાને પ્રેમના પાઠ ભણાવવાનું શરૂ કરી દીધું હતું. યુવકની મીઠી મીઠી વાતોથી સગીરા પણ તેના પ્રત્યે આકર્ષિત થઈ હતી.
બાદમાં સમય જતાં બન્ને વચ્ચે ગાઢ પ્રેમ સંબંધો બંધાયા
હતા. એટલે યુવકે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ પોતે
સગીર વયની હોવાથી લગ્ન શક્ય ન હતા. બાદમાં સગીરા 19
વર્ષની થતાં બંને પક્ષની સંમતિથી તા. 26/6/2023 નાં રોજ
મંદિરમાં પ્રેમ લગ્ન કરી લીધા હતા. બાદમાં અનેક અરમાનો
સાથે લગ્ન જીવનના હક્ક ભોગવવા માટે યુવતી સાસરીમાં
રહેવા ગઈ હતી.
લગ્નમાં એકાદ મહિનો બધું વ્યવસ્થિત ચાલતું રહ્યું હતું. જે પછી સાસુ નાની બાબતમાં મેણાટોણા મારી કહેવા લાગેલ કે, આને કયા આપણા સમાજમાં પરણીને લાવ્યો છે. આ તો ઘરમાં ઝઘડા કરી આપણા પૈસા લેવા આવી છે. જો કે, લગ્ન જીવનની શરૂઆત હોવાથી યુવતી ચૂપ રહેતી હતી. ત્યારે સસરા પણ કહેતા કે, તારે તારા માતા-પિતાના ઘરે જવાનું નહિ તુ પૈસા ખાવા અને પ્રોપર્ટી જોઇને મારા છોકરાને પ્રેમમાં ફસાવેલ છે. તારા કરતા તો દીકરાની પહેલી પત્ની સારી હતી તને છુટી કરી તેને પાછી લાવવાની છે.
સાસુ સસરાનો ત્રાસ દિન પ્રતિદિન વધતો જતો હોવા છતાં યુવતી પ્રેમ લગ્નનાં કારણે કોઈ વિરોધ પણ કરી શકે એમ ન હતી. બાદમાં સાસુ સસરાની ચઢવણીથી પતિ મારઝૂડ કર્યા કરતો હતો. બાદમાં સાસુ સસરા અલગ રહેવા જતા રહ્યા હતા અને પતિ બિન્દાસ થઈને દારૂ ઢીંચીને આવી મારઝૂડ કરવા લાગ્યો હતો. તો કુટુંબી નણંદ તેના ઘર કંકાસના સાથે રહેવા આવી ગઈ હતી. જેની કાનભંભેરણીથી પતિ મારઝૂડ કરી ત્રાસ આપતો હતો.
આટલું ઓછું હોય એમ પતિનો મિત્ર ઘરે આવવા લાગ્યો હતો અને ઘરે જ દારૂની પાર્ટીઓ શરૂ થઈ ગઈ હતી. પતિનો મિત્ર પણ આને શું રાખે છે. આપણા લાયક નથી કહીને ચઢામણી કરતો હોવાથી પતિ શારીરિક માનસિક ત્રાસ આપવાની કોઈ કસર બાકી રાખતો નહીં. આખરે ત્રાસ અનહદ વધી જતાં યુવતીએ ફેબ્રુઆરી – 2024 માં ગૃહ ત્યાગ કરી પોલીસમાં અરજી પણ કરી હતી. જે પછી પણ સમાધાનના તમામ પ્રયત્નો નિષ્ફળ જતાં આખરે યુવતીએ પતિ, સાસુ સસરા, નણંદ તેમજ પતિના મિત્ર વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.