અમદાવાદ
આજરોજ અમદાવાદ પૂર્વ લોકસભાના ઉમેદવાર હસમુખ ભાઈ પટેલે (એચ એસ પટેલ) જિલ્લા પંચાયત ભવન લાલદરવાજા ખાતે ઉમેદવારી પત્ર દાખલ કર્યું હતું. આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા, જયસિંહજી ચૌહાણ, મહાનગરના અધ્યક્ષ અને ધારાસભ્ય અમિતભાઈ પી શાહ અને રાજ્યના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા.
નામાંકન પત્ર રજુ કર્યા પછી મીડિયાને સંબોધતા એચ એસ પટેલે જણાવ્યું કે મને સતત બીજી વખત સાંસદ તરીકે ઉમેદવારી કરવાની તક આપવા બદલ સૌ મોવડી મંડળનો આભાર માનું છું. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના શાસન કાળમાં જે રીતે દેશ દરેક ક્ષેત્રે પ્રગતિ કરીને વિકાસની હરણફાળ ભરી રહ્યું છે અને જે રીતે દેશની શાખ સમગ્ર વિશ્વમાં વધી છે અને પ્રજાજનોનો મોદી કી ગારંટી પર જે ભરોસો છે તે જોતા આ વખતે અમદાવાદ પૂર્વ લોકસભામાં લીડ 7 લાખથી પણ વધુ રહેવા પામશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આવતી કાલે તા. 16મી એપ્રિલ, મંગળવારે અમદાવાદ પશ્ચિમ લોકસભાના ઉમેદવારશ્રી દિનેશભાઇ મકવાણા વિજય મુહૂર્ત 12.39 કલાકે કલેકટર કચેરી આરટીઓ ખાતે પોતાનું નામાંકન પત્ર ભરશે. આ પ્રસંગે પ્રદેશ અને મહાનગરના વિવિધ પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેશે. દિનેશભાઇ મકવાણા સવારે 10.00 કલાકે અમદાવાદ પશ્ચિમ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે સૌની સાથે શુભેચ્છા મુલાકાત કરશે અને તે પછી ત્યાંથી મહાનુભાવો સાથે નામાંકન પત્ર રજુ કરવા જશે. અમદાવાદ પશ્ચિમ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ઈલાજ મેડિકલ પાસે, રેલવે ક્રોસિંગ મણિનગર પાસે આવેલું છે.