કોરોનામાંથી માંડ છૂટેલી દુનિયા માથે હવે નવી મહામારીનો ખતરો મંડરાઈ રહ્યો છે. WHOએ ગુરુવારે માનવ સહિત અન્ય પ્રજાતિઓમાં H5N1 બર્ડ ફ્લૂના ચેપના વધતા જોખમ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. WHOના મુખ્ય વૈજ્ઞાનિક જેરેમી ફેરારે જીનીવામાં પત્રકારોને જણાવ્યું હતું કે, “મને લાગે છે કે બર્ડ ફ્લૂ હજી પણ એક મોટી ચિંતા છે. ગાય અને બકરીઓ વર્તમાન બર્ડ ફ્લૂની પકડમાં આવી રહી છે.
તેનાથી સસ્તન પ્રાણીઓ પર જોખમ વધી ગયું છે. આ એક મોટી ચિંતા છે કારણ કે બર્ડ ફ્લૂ પહેલા બતક અને ચિકનમાં જોવા મળતો હતો પરંતુ હવે બીજા પ્રાણીઓમાં ફેલાઈ રહ્યો છે અને ત્યાં સુધી કે તે મનુષ્યને પણ ચેપ લગાડવાની ક્ષમતા ધરાવે છે જે કોરોનાથી વધુ ઝડપથી એક માણસથી બીજામાં ફેલાઈ શકે છે. જો તે મનુષ્યમાં ફેલાય છે, તો મૃત્યુ દર અનેકગણો વધારે હોઈ શકે છે.
તાજેતરના વર્ષોમાં બર્ડ ફ્લૂના ચેપને કારણે લાખો જંગલી પક્ષીઓના મોત થયાના અહેવાલ છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં આ ચેપ હવે સસ્તન પ્રાણીઓમાં પણ ફેલાવા લાગ્યો છે. આ પહેલીવાર છે જ્યારે H5N1 વાયરસ પશુઓને ઘેરી રહ્યો છે.
આ વાયરસની અસર અમેરિકાના આઠ રાજ્યોના ડેરી ઉદ્યોગ પર પડી છે. જ્યારે મનુષ્ય આવા ડેરી ઉદ્યોગના પ્રાણીઓના સંપર્કમાં આવે છે, ત્યારે ઈન્ફલ્યુએન્ઝા એ (H5N1) વાયરસથી ચેપ લાગવાનું જોખમ અનેકગણું વધી જાય છે.
જાન્યુઆરીમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને એક્વાડોરમાં એક યુવાન છોકરીમાં એવિયન ઈન્ફલ્યુએન્ઝાની જાણ કરી હતી અને લેટિન અમેરિકામાં આ પ્રકારનો પહેલો કેસ હતો. નોંધનીય છે એ છેલ્લા એક વર્ષમાં માનવ બર્ડ ફ્લૂના માત્ર પાંચ કેસ નોંધાયા છે પણ WHO મુજબ, H5N1 એવિયન ઈન્ફલ્યુએન્ઝાના ભૂતકાળના માનવ કેસોમાં મૃત્યુદર 53 ટકા હતો. આ બધા વચ્ચે હાલ ઉત્તર અને દક્ષિણ અમેરિકા, યુરોપ, એશિયા અને આફ્રિકામાં વાયરસનો પ્રકોપ વધ્યો છે.