ખરાબ લાઈફસ્ટાઈલને કારણે અનેક બીમારીઓ થઈ રહી છે. જેમાં ડાયાબિટીઝ મુખ્ય બીમારી છે. ખાવા-પીવાની આદતોના કારણે તો શરીરમાં બીમારીઓ ઘર કરે જ છે. પરંતુ પુરતી ઉંઘ ન લેવાના કારણે ડાયાબિટીઝનો ખતરો વધી જાય છે. જેથી ડૉક્ટરો પણ સલાહ આપે છે કે, ડાયાબિટીઝના ખતરાને ટાળવો હોય તો પુરતી ઉંઘ લેવી જોઈયે.
ડાયાબિટીઝના એક્સપર્ટ્સ મુજબ ક્રોનિક બીમારીઓથી બચવા આપણે દરરોજ 6-8 કલાક ઉંઘ તો લેવી જ જોઈએ.તમે ગમે તેટલી હેલ્થી ડાયટ કરો પરંતુ જો તમે પુરતી ઉંઘ નથી લેતા તો તમને ડાયાબિટીઝ થવાનો ખતરો રહે છે.
ડાયાબિટીઝ પર યુકે બાયો બેન્કમાં કરવામાં આવેલી સ્ટડીમાં જાણવા મળ્યુ છે કે, ડાયાબિટીઝ અને ઉંઘને સીધો સંબંધ છે. 2,47,867 વયસ્ક લોકો પર 10 વર્ષ સુધી વિશ્લેષણ કરવામાં આવ્યુ હતુ. આ રીસર્ચમાં જાણવા મળ્યુ કે જે લોકોએ 5 કલાકની ઉંઘ લીધી હતી તેમને નોર્મલ ઉંઘ લેનારાની કરતા ટાઈપ -2 ડાયાબિટીઝનો ખતરો 16 ટકા વધી ગયો હતો. જે લોકો 3-4 કલાક સુતા હતા તેમને 8 કલાકની ઉંઘ લેનારાની તુલનામાં ડાયાબિટીઝ થવાનો ખતરો 41 ટકા વધુ હતો.
માણસ જ્યારે પુુરતી ઉંઘ નથી લેતો ત્યારે શરીરમાં કાઉન્ટર રેગુલેટરી હોર્મોન એક્ટિવ થઈ જાય છે. તે સ્ટ્રેસના હોર્મોન રીલીઝ કરે છે. તે ઈન્સ્યૂલિનની ક્રિયામાં બાધા નાખે છે. જ્યારે તમે ખાવાનું ખાવ છો ત્યારે પણ તે ઓછુ ઈન્સ્યૂલિન રીલીઝ કરે છે બ્લડ સુગરને પણ તે યોગ્ય રીતે યૂટીલાઈઝ નથી કરી શકતુ. તેનાથી ડાયાબિટીઝનો ખતરો વધી જાય છે. આ સ્થિતિમાં હ્રદયની બીમારીની પણ શક્યતા રહે છે.