દહેગામ તાલુકાના એક ગામના પરણિત પ્રેમી પંખીડાએ બુધવારે ઘરેથી નીકળી જતાં પરિવારજનોએ શોધખોળ આદરી હતી. આ દરમ્યાન એકબીજાને શરીરે દુપટ્ટો બાંધેલ હાલતમાં બંનેના મૃતદેહ લીંબડીયા નર્મદા કેનાલમાંથી મળી આવતાં ડભોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દહેગામ તાલુકાના એક ગામના પ્રેમી પંખીડાએ નર્મદા કેનાલમાં પડતું મૂકીને આપઘાત કરી લેતાં ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર દહેગામ તાલુકાના એક ગામમાં રહેતા 20 વર્ષિય યુવક અને 19 વર્ષની યુવતી વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. બુધવારે રાત્રે બંન્ને જણાં ઘરે કોઈને કહ્યા વિના નીકળી ગયા હતા. જેની જાણ થતાં બંને પરિવારજનોએ ચારે દિશામાં શોધખોળ આદરી હતી. પરંતુ બંનેનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો.
આ દરમ્યાન લીંબડીયા નર્મદા કેનાલમાં લાશો તરતી હોવાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ કેનાલે દોડી ગઈ હતી. બાદમાં એકબીજાના શરીરે દુપટ્ટો બાંધેલી હાલતમાં બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા. બનાવના પગલે બંનેના પરિવારજનો પણ કેનાલ ઉપર દોડી આવ્યા હતા. જ્યારે ઘટનાની જાણ થતાં ડભોડા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
આ અંગે ડભોડા પોલીસે વધુમાં ઉમેર્યું હતું કે, યુવક અને યુવતી બંને પરિણીત હતા. યુવકને એક સંતાન પણ છે. બુધવારે બંને જણા ઘરેથી નીકળી ગયા હતા. અને કેનાલમાં પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. એકબીજાનો સાથ છૂટે નહીં એ માટે બંનેએ શરીરે દુપટ્ટો પણ બાંધી દીધો હતો. હાલમાં અકસ્માતે મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બંનેની અંતિમ ક્રિયાઓ પછી પરિવારજનોની પૂછતાંછ કરવામાં આવશે.