યુવાનોમાં હવે કોન્ડોમનો નશો કરી રહ્યાં છે. પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં યુવાનો ફ્લેવર્ડ કોન્ડોમના વ્યસની બની રહ્યાં છે. નશા માટે યુવાનો મોટા પાયે ફ્લેવર્ડ કોન્ડોમ ખરીદી રહ્યા છે અને તેમાંથી આલ્કોહોલ મેળવીને પી રહ્યાં છે. યુવાનો ફ્લેવર્ડ કોન્ડોમને લગભગ એક કલાક સુધી ગરમ પાણીમાં પલાળી રાખે છે. એક કલાક સુધી પલાળ્યા બાદ આ પાણીને પી જાય છે અને પછી 10થી 12 કલાક સુધી નશો રહે છે તેવો તેમનો દાવો છે.
દુર્ગાપુરમાં ફ્લેવર્ડ કોન્ડોમનું અચાનક વેચાણ વધી જતાં આ મામલો સામે આવ્યો હતો. એક વિદ્યાર્થીએ નશાકારક પદાર્થના નવા સ્વરૂપનો ખુલાસો કર્યો હતો. ઘણા વિદ્યાર્થીઓ દુર્ગાપુરની છાત્રાલયોમાં રહે છે અને દારૂ, સિગારેટ અને અન્ય જેવા વિવિધ પ્રકારના વ્યસનોથી ટેવાયેલા છે. જોકે કોન્ડોમની સરખામણીમાં આ પ્રોડક્ટ્સ મોંઘી હોય છે.
કોન્ડોમ મેડિકલ સ્ટોર્સમાં સરળતાથી મળી રહે છે અને તેને ખરીદવા પણ ખૂબ સરળ બની રહે છે. તે ઉપરાંત કોન્ડોમ ખરીદવા માટે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનની પણ જરુર નથી. આ કેટલાક કારણો છે જેના કારણે વિદ્યાર્થીઓ ફ્લેવર્ડ કોન્ડોમની લતમાં વ્યસ્ત રહે છે. કોન્ડોમના વેચાણમાં આ વિસ્તારમાં ભારે વધારો જોવા મળ્યા બાદ એક દુકાનદારે એક વિદ્યાર્થીને તેના વિશે પૂછ્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીએ ખુલાસો કર્યો કે તેઓ નશા માટે નિયમીત રીતે કોન્ડોમ ખરીદી રહ્યાં છે. એક દુકાનદારે દાવો કર્યો હતો કે આ વિસ્તારમાં કોન્ડોમનું વેચાણ એક દિવસમાં 3 થી 4 પેકેટ સુધી વધી ગયું છે, તે એટલી હદે વધી ગયું છે કે આસપાસની દુકાનોમાં કોન્ડોમ ખાલી થઈ ગયાં છે. એક દુકાનદારે એવો દાવો પણ કર્યો છે કે સ્વાદવાળા કોન્ડોમમાં ઝેરી સંયોજનો હોઈ શકે છે જે વપરાશ પર કેન્સરનું કારણ બની શકે છે. તેમણે યુવાનોને ચેતવણી આપી છે કે તેઓ નશા માટે આવી જોમમી ચીજોનું સેવન ન કરે. ક્ષણિક આનંદ જિંદગીભરનું નુકશાન પહોંચાડી શકે છે.