ભાજપ સામે ભાજપ જ હાર્યું, હવે અનેક નેતાઓનો ડોળો સહકારી ક્ષેત્ર ઉપર હોવાથી ઇફકોનો હાથ અજમાવવા જતા 66 મતે ઓલ આઉટ થયા છે,
ઇફ્કોના ડિરેક્ટરની પસંદગીમાં ભાજપમાં જ એકમત નહીં થતાં ચૂંટણી યોજાઈ છે. આ જંગ ભાજપનો ભાજપ સામે જ જંગ થયો છે.ભાજપે બિપીન ગોતા (પટેલે)ને મેન્ડેટ આપ્યો છે. પરંતુ ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ પાર્ટીના મેન્ડેટની ઉપરવટ જઇ પોતાની દાવેદારી કરતાં ચૂંટણી જંગ ખેલાયો હતો. આ ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે. જેમાં કુલ 182 મતમાંથી 180 મત પડ્યા હતા. આ 180 મતમાંથી જયેશ રાદડિયાને 114 મત મળ્યા હતા. જ્યારે તેના નજીકના હરિફ બિપિન ગોતાને 66 મત જ મળ્યા હતા. તેમજ હવે આવતીકાલે દિલીપ સંઘાણી ઇફ્ફકોના ચેરમન તરીકે બિનહરિફ થશે.
60324 કરોડનું ટર્નઓવર ધરાવતી ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કો-ઓપરેટિવ લિમિટેડ (ઇફ્ફકો)ના ડિરેક્ટર પદ માટે ભાજપના સહકારી સેલના પ્રદેશ પ્રમુખ અને અમિત શાહની નિકટના સાથી બિપિન ગોતાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તેમની સામે કોંગ્રેસ સમર્થિત વિજય ઝાટકિયાએ દાવેદારી કરી હતી. ભાજપના મેન્ડેટ પર ચૂંટણી લડતા બિપિન પટેલ સામે ખેડૂત નેતા તરીકે છાપ ધરાવતા વિઠ્ઠલ રાદડીયાના પુત્ર જયેશ રાદડિયાએ ભાજપ સામે બાંયો ચડાવી પોતાના મતદારોને સાથે રાખી ચૂંટણી લડી હતી. ગુજરાતની એકમાત્ર બેઠક પરના ત્રિપાંખિયા ચૂંટણી જંગમાં ચાર વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવી હતી. જેમાં ભાજપના સત્તાવાર ઉમેદવારની સામે ઉમેદવારી કરનારા રાજકોટના સહકારી નેતા જયેશ રાદડીયાની જીત થઈ ગઈ છે.
સામાન્ય રીતે દર વર્ષે બિનહરિફ થતી ઇફ્કોની ચુંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામ્યો હોવાથી વિવાદ અને ખેંચતાણનો માહોલ ઉભો થયો હતો. સહકારી ચૂંટણી પણ પાર્ટી લેવલે લડવાનું ભાજપનું વલણ છે અને તેના આધારે પાર્ટી દ્વારા અમદાવાદના સહકારી નેતા બીપિનભાઈ પટેલને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા અને તેમના નામનો મેન્ડેટ પણ ઈસ્યુ કરીને તેમની તરફેણમાં મતદાન કરવાની મતદારોને સૂચના આપવામાં આવી હતી. જો કે ભાજપના મેન્ડેટ વચ્ચે પણ જયેશ રાદડીયા તથા મોડાસાના પંકજ પટેલે ફોર્મ ભરી દીધા હતા. પરિણામે ત્રિપાંખીયા જંગની સ્થિતિનું નિર્માણ થયુ હતું અને ચુંટણી જીતવા ત્રણેય ઉમેદવારો દ્વારા એડી ચોટીનું જોર લગાવી દેવામાં આવ્યું હતું.
રાદડિયાએ ભાજપ સમર્થિત ઉમેદવાર બિપિન ગોતાને હરાવવા તમામ ખેલ શરૂ કર્યા હતા, રાદડિયાએ પોતાના જૂથના મતદારોને દિલ્હીમાં અલગ સ્થળે ઉતારો આપી પોતાના તરફે મહત્તમ મતદાન કરી જીત મેળવવા છેલ્લી ઘડીના તમામ પ્રયાસો કર્યા હતા.
ઈફ્ફકો આ ચૂંટણીમાં કુલ 182 મતદારો હતા અને તેમાંથી 94 જેટલા સૌરાષ્ટ્રના મતદારો હતા. જયેશ રાદડીયાને રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા, દિલીપ સંઘાણી તેમજ અન્ય સ્થાનિક નેતાઓનું સમર્થન હતું. રાજકોટના 40થી વધુ ઉપરાંત અમરેલીના 29, મોરબીના 12 જેટલા મતદારો પણ રાદડીયાની સાથે હોવાથી તેમની જીત અગાઉથી જ નિશ્ચિત માનવામાં આવે છે. ઇફ્કોની ચૂંટણીમાં આજે કે 182 માંથી 180 લોકોએ મતદાન કર્યું હતું. જ્યારે બાકી રહેતા બે મતદારો વિદેશ હોવાથી તેમનું મતદાન થાય તેમ ન હતું છતાં મતદાન માટે ચાર વાગ્યાનો સમય હોવાથી ત્યાં સુધી પ્રતિક્ષા કરાયા બાદ મતગણતરી હાથ ધરવામાં આવી હતી.
લોકસભાની ચૂંટણીના પ્રચાર સમયે જામકંડોરણા આવેલા કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહની જયેશ રાદડીયાના નિવાસ્થાને થયેલી દોઢ કલાકની બેઠક બાદથી જ સહકારી ક્ષેત્રનું રાજકારણ ગરમાયુ હતું અને જયેશ રાદડિયાની જીત નિશ્ચિત માનવામાં આવતી હતી. જેની પાછળનું કારણ તેમની પાસે મતદારોનું પૂરતું સંખ્યાબળ માનવામાં આવતું હતું.
20 ડિસેમ્બર 1981માં જન્મેલા જયેશ રાદડિયાએ
એમ.એસ. યુનિવર્સિટીમાંથી બીઇ સિવિલ કરેલું છે. તેમજ
વિદ્યાર્થીકાળમાં તેઓ એમ.એસ. યુનિવર્સિટીના જનરલ
સેક્રેટરી પણ હતા. તેમણે 2012માં કોંગ્રસમાંથી ભાજપના
જશુમતીબેન કોરાટ સામે ભારે બહુમતી સાથે જીત
મેળવી હતી. બે મહિના બાદ કોંગ્રેસમાંથી રાજીનામું આપી
ભાજપમાં જોડાતા ફરી પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં
ભાજપમાંથી જયેશ રાદડીયાનો ભવ્ય વિજય થયો હતો અને
આ બેઠક પર ભાજપે પોતાની પકડ મજબૂત બનાવી હતી.
ત્યાર બાદ 2017 અને 2022માં પણ તેઓ આ જ બેઠક
પરથી જીત્યા હતા. 2017માં જીત મેળવ્યા બાદ રૂપાળી
સરકારમાં અન્ન અને નાગરિક પૂરવઠા મંત્રી બન્યા હતા.તેઓ
હાલ રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન પણ છે. જયેશ
રાદડિયા માત્ર રાજકીય પ્રવૃત્તિ નથી કરતા, પરંતુ તેઓ
વિવિધ સામાજિક પ્રવૃત્તિ સાથે પણ જોડાયેલા છે. તેમના
પત્નીનું નામ મિત્તલબેન અને બે સંતાનોમાં પુત્ર માહિક અને
પુત્રી ક્રિષ્ના છે.