ગુજરાતમાં અજાયબ જેવા મંદિરો અને દરગાહ આવેલી છે, જ્યાં લોકો શ્રદ્ધાથી માથુ ટેકવે છે. કેટલાક લોકો માનતા માને છે, બાધા રાખે છે અને પોતાની માનતા પૂરી કરે છે. ત્યારે અમદાવાદમાં એક એવી દરગાહ આવેલી છે, જ્યાં પાણી ચઢાવીને પીવાથી જૂનામાં જૂની ખાંસી મટી જાય છે. આ દરગાહ ખાંસી પીરની દરગાહ તરીકે ઓળખાય છે.
અહીં લોકો જૂની ખાંસીના ઈલાજ માટે માનતા રાખે છે. અમદાવાદના ખમાસા પાસે આવેલી હજરત મુબારક સઈદની આ દરગાહ ખાંસી પીરની દરગાહ તરીકે ઓળખાય છે. કેમ કે અહીં માનતા રાખવાથી લોકોની વર્ષો જૂની ખાંસીનો ઈલાજ થાય છે, આ માટે લોકો અહીં પાંચ ગુરુવાર ભરે છે. સાથે તેઓ અહીં આવીને દરગાહની ફરતે પાણી ચડાવે છે આ સાથે પ્રસાદી અને અગરબત્તી પણ કરે છે. ગુજરાતના ખૂણે-ખૂણેથી લોકો અહીં આવી માનતા માને છે.
હિન્દુ મુસ્લિમ ધર્મના લોકો નાતજાતના ભેદભાદ વગર લોકો અહી પોતાની ખાંસીનો ઈલાજ કરવા માટે આવે છે. દરેક વ્યક્તિ હાથમાં પાણીની બોટલ લઈને દરગાહમાં આવે છે. અહીં પાણી ઘરેથી લાવવાનું હોય છે. પાણી જ્યાર આવે છે ત્યારે તો તે સામાન્ય હોય છે, પરંતું અહી દરગાહ પર ચઢાવવામાં આવે એટલે તે ચમત્કારિક બની જાય છે.
અહીં દરગાહ પર પાણી ચઢાવીને પીતા લોકોનું કહે છે કે, અહીં અમારી ખાંસી મટી જાય છે. અહીં સેવા આપતા આસીમભાઈ શેખ કહે છે કે, આ 500 વર્ષ જૂની હજરત મુબારક સઈદની દરગાહ છે. અમારા પૂર્વજોથી અહી સેવા કરીએ છીએ. અહી દરેક ધર્મના લોકો વર્ષોથી આવે છે. બાવાનું પાણી વારીને લઈ જાય છે. પાણી પીવાથી બધી ખાંસી સારી થઈ જાય છે. કોઈ બીજી તકલીફ હોય તો પણ બાવાની દુવાથી બાધા રાખવાથી કામ થઈ જાય છે.
આ દરગાહ પર પાણી ચઢાવવાથી ખાંસી મટી જતી હોવાની માનતાથી તે ખાંસી પીરની દરગાહ તરીકે ઓળખાય છે. અહીં અનેક લોકોને પરચા મળ્યા છે, તેથી લોકો દૂરદૂરથી અહી ખાંસી ખાતા ખાતા આવે છે અને પોતાની ખાંસી મટાડે છે. અન્ય રાજ્યોથી અહી આવે છે. 500 વર્ષ જૂની આ દરગાહ માત્ર મુસ્લિમ સમાજના લોકો માટે જ નહિ, પરંતું હિન્દુ સમાજના લોકો માટે પણ આસ્થાની દરગાહ બની છે.