સંવેદના અને ઋજુતાભર્યા નાગરીક સમાજજીવનની ઉપર પોલીસ દ્વારા સત્તાઓનો અનિયંત્રિત ઉપયોગ થઈ રહ્યાના અનેક કિસ્સા રોજેરોજ બહાર આવે છે.
ભારતમાં સૌથી વધુ કસ્ટોડિયલ ડેથ ગુજરાતમાં નોંધાઈ રહ્યા છે. વર્ષ પ્રતિવર્ષ કસ્ટોડિયલ ડેથમાં થતા વધારાની વ્યથિત સુપ્રિમ કોર્ટના રિટાયર્ડ જસ્ટીસ એમ.બી.શાહના અધ્યક્ષપદે કાર્યરત ગુજરાત સ્ટેટ લો કમિશને 70 પાનોનો એક રિપોર્ટ સરકારને સોપ્યો છે. જેમાં ”કેટલાક વર્ષોથી પોલીસ દ્વારા સત્તાના અનિયંત્રિત ઉપયોગ વ તાબાના આરોપી ઉપર ક્રુરતાના ગંભીર કિસ્સા જોતા રક્ષક જ ભક્ષક હોય તેવી સ્થિતિ સર્જાઈ છે” આવી સખ્ત ટકોર સાથે કમિશને ગુજરાત સરકારને ”સુપ્રિમ કોર્ટે વ્યક્તિ નિર્દોષ હોય કે દોષિત, તેના તમામ મુળભૂત અધિકારોનુ જતન થાય તે રીતે પોલીસે વતર્ણૂંક કરવી જોઈએ તેવા અસંખ્ય ચૂકાદા આપ્યા છે તેના અમલ માટે, પોલીસ પોતાને મળેલી સત્તાનો યોગ્ય ઉપયોગ કરે તેના માટે પોલીસને જરૂરી તાલીમ આપો” એવી ભલામણ પણ કરી છે. જો પોલીસ જ સત્તાનો અનિયંત્રિત ઉપયોગ કરે રાખશે તો કાયદાનું રાજ તુટી પડે. આવી સ્થિતિને અટકાવવા રિપોર્ટમાં પોલીસ તંત્ર બંધારણિય જવાબદારીની મર્યાદામાં રહી ફરજ અદાયગી માટે સંવેદનશીલ બને તે માટે કાયદામાં સુધારા કરવા કહેવાયુ છે. ઉલ્લેખનિય છે કે, કાયદા પંચના રિપોર્ટ નંબર 46ની ભલામણો સંદર્ભે હવે સરકારે કમિટી રચશે. જેના આધારે પ્રવર્તમાન કાયદામાં, પોલીસ કાર્યપ્રણાલીમાં ફેરફારની શક્યતા નકારી શકાય એમ નથી.
નેશનલ ક્રાઈમ રેકોર્ડેસ બ્યુરો- NCRB અનુસાર વર્ષ 2016થી નોંધાયેલા કસ્ટોડિયલ ડેથમાં એક પણ પોલીસ અધિકારી કે કર્મચારી દોષિત ઠેરવાયા નથી 2021 સુધી પાંચ વર્ષમાં ધરપકડના પ્રથમ 24 કલાકમાં મોતના 83કેસ નોંધાયા છે. જેમાંથી માત્ર 42 કેસમાં જ મેજિસ્ટ્રિયલ તપાસ સોંપાઈ હતી. આ જ સમયગાળામાં મૃતકના પરિજનો દ્વારા કોર્ટમાં દાદ મંગાઈ તેવા 26 કેસમાં ન્યાયિક તપાસનો આદેશ થયો પરંતુ, તેમાંથી પણ માત્ર 15 કેસમાં ફરિયાદો નોંધાવામાં આવી હતી ! તેમાંથી પણ માત્ર આઠ જ કેસમાં ચાર્જસિટ દાખલ થઈ છે.
સ્ટેટ લો કમિશને પોલીસ કાર્યવાહીમાં પારદર્શિતા લાવવા તમામ જેલોમાં સીસીટીવી ગોઠવવાના આદેશનો ચૂસ્ત અમલ કરવા કહ્યુ છે. આરોપી, કેદી સાથે અમાનવીય વ્યવહાર કરનાર સામે કડક કાર્યવાહી અને જેલના કેદીઓના નિયમિત આરોગ્ય ચકાસણી માટે પણ ભલામણ કરી છે. પરંતુ, હકીકત એવી છે કે, ગુજરાતના 745 માંથી 123 પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા જ નથી ! જ્યાં હોય ત્યાં કસ્ટોડિયલ ડેથ કે પછી આરોપી, નાગરીકો સાથેના ક્રુરતાભર્યા કિસ્સામાં નેટવર્ક કાર્યરત ન હોય તેવા પણ બચાવ થાય છે. આ મુદ્દે ગતવર્ષે હાઈકોર્ટે પણ પોલીસનો ઉધડો લીધો હતો.