ક્લાઇમેટ ચેન્જની વાતો થતી હોય ત્યારે ઘણા લોકોને થતું હશે કે આમાં આપણને શું લાગેવળગે, પણ એક સર્વે મુજબ ભારતમાં ૮૫ ટકા લોકોનું કહેવું છે કે તેમના પર ક્લાઇમેટ ચેન્જની અસર થઈ રહી છે. આમાંથી ૩૪ ટકા લોકો તીવ્ર ગરમી, દુકાળ અને પૂર જેવી પરિસ્થિતિને લીધે સ્થળાંતર કરી ચૂક્યા છે અથવા સ્થળાંતર કરવાનું વિચારી રહ્યા છે. ગયા વર્ષે કરાયેલા સર્વે મુજબ ૩૮ ટકા લોકોને ઓછામાં ઓછો એક આખો દિવસ પીવાનું શુદ્ધ પાણી મળ્યું નહોતું અને ૭૨ ટકા લોકોએ વીજકાપનો સામનો કર્યો હતો.
સર્વેમાં કહેવામાં આવ્યું હતું કે ૭૦ ટકાથી વધુ લોકો માને છે કે ગ્લોબલ વૉર્મિંગ તેમના સ્થાનિક વિસ્તારના હવામાન અને ચોમાસાને અસર કરે છે. જોકે માત્ર ૬૪ ટકા લોકોને જ આ બાબતે ચેતવણી મળે છે. ગ્રીનહાઉસ ગૅસ ઉત્પન્ન કરવામાં ચીન અને અમેરિકા બાદ ભારત ત્રીજા ક્રમે આવે છે. જીનિવા સ્થિત ઇન્ટર્નલ ડિસ્પ્લેસમેન્ટ મૉનિટરિંગ સેન્ટરના અહેવાલ મુજબ હવામાન સંબંધી આફતોએ ૨૦૨૩માં ભારતમાં પાંચ લાખથી વધુ અને ૨૦૨૨માં ૨૫ લાખથી વધુ લોકોને આંતરિક વિસ્થાપન કરવાની ફરજ પાડી હતી.