સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ભારતના દરેક નાગરિકને માહિતી મેળવવાનો અધિકાર છે. આ અધિકાર અન્વયે માહિતી આયોગની રચના કરવામાં આવી છે, પરંતુ ગુજરાત સરકારના માહિતી આયોગમાં ખાટલે મોટી ખોટ જોવા મળી રહી છે. કમિશનરોની કુલ પાંચ જગ્યામાંથી ચાર જગ્યાઓ ખાલી છે, પરિણામે છેલ્લા બે મહિનામાં 5,000 થી વધુ અરજીઓનો ભરાવો થઈ ચૂક્યો છે. છેલ્લા કેટલાક સમયથી RTI કરનારાને સરકારી વિભાગો અને સમગ્ર તંત્રમાંથી સંતોષકારક જવાબ નહીં મળતા હોવાની ફરિયાદો વધી છે.
જ્યારે બીજી તરફ રાજ્ય માહિતી આયોગમાં પાંચમાંથી ચાર કમિશનરોની જગ્યા પણ મહિનાઓથી ખાલી છે, જે ભરવામાં ન આવતા આયોગમાં પેન્ડિંગ કેસની સંખ્યા વધીને 5,265 ઉપર પહોંચી છે.
રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આયોગમાં કમિશનરોની ખાલી જગ્યા ભરવા માટે ઝડપી કાર્યવાહી કેમ થઈ રહી નથી તે સવાલ પણ ઉભા થયા છે. સરકારી વિભાગો કે રાજ્યના સરકારી તંત્રમાંથી જરૂરી માહિતી લેવા માટે રાઇટ ટુ ઇન્ફર્મેશન (RTI) અંતર્ગત અરજી થાય ત્યારે તેનો નિયત સમય મર્યાદામાં ઝડપથી જવાબ મળે તેમ સુપ્રીમ કોર્ટે નિર્દેશ કરેલો છે. હાલ માહિતી આયોગની સ્થિતિ એવી છે કે, પાંચમાંથી ચાર કમિશનર તેમનો સમયગાળો પૂર્ણ થતા પદ પરથી નિવૃત થઇ ગયા છે અને એક જ કમિશનર કામગીરી સંભાળી રહ્યા છે. તેના કારણે ત્રણ મહિના પૂર્વે પેન્ડિંગ કેસની સંખ્યા 4,633 હતી, તે વધીને હવે 5 હજાર ઉપર અરજીઓ પહોંચી જવા પામી છે. તેના કારણે બીજી અપીલ કરનારાઓને મહિનાઓ સુધી સુનાવણીની રાહ જોવી પડે છે.
સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જુલાઈ-2023થી તે સમયની ખાલી કમિશનરોની જગ્યા ભરવા કાર્યવાહી શરૂ થઈ હતી, પરંતુ ગોકળગાયની ગતિએ ચાલતી કામગીરીના કારણે હજુ સુધી જગ્યાઓ ભરવામાં આવી નથી. માહિતી અધિકારના કાયદા હેઠળ મળેલી માહિતીનો યોગ્ય ઉપયોગ કરવા માગતા અરજદારોને સરકારી તંત્રમાંથી સમયસર માહિતી ન મળતા અને અપીલમાં પણ સમય લાગતા ઝડપી માહિતીનો મૂળ હેતુ પૂર્ણ થઈ રહ્યો નથી.