ભારતનું માર્કેટ કેપ પાંચ ટ્રિલિયન ડોલર સુધી પહોંચી ગયું છે. ભારતનું માર્કેટ કેપ 2007માં પ્રથમ વખત એક ટ્રિલિયન ડોલર સુધી પહોંચ્યું હતું. આ પછી તેને બે ટ્રિલિયન ડોલર સુધી પહોંચવામાં દસ વર્ષ લાગ્યાં. પરંતુ ચાર ટ્રિલિયનથી પાંચ ટ્રિલિયન ડૉલર સુધી પહોંચવામાં માત્ર છ મહિના લાગ્યા હતા.
ભારતમાં તમામ લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ મંગળવારે ઇન્ટ્રાડે ટ્રેડમાં 5 ટ્રિલિયન ડૉલરને વટાવી ગયું હતું.
દેશના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે. આ સિદ્ધિ સાથે, ભારત આ સીમાચિહ્ન હાંસલ કરનાર વિશ્વનું પાંચમું શેરબજાર બન્યું. અત્યાર સુધી માત્ર અમેરિકા, ચીન, જાપાન અને હોંગકોંગ આ માઈલસ્ટોન સુધી પહોંચી શક્યા છે. મંગળવારે બજાર બંધ સમયે, BSEનું માર્કેટ કેપ રૂ. 414.6 લાખ કરોડ હતું, જે 4.97 ટ્રિલિયન ડૉલરની સમકક્ષ છે. જો આપણે NSE પર લિસ્ટેડ કેટલીક મોટી કંપનીઓના માર્કેટ કેપને ધ્યાનમાં લઈએ તો ભારતનું કુલ માર્કેટ કેપ રૂ 415.2 લાખ કરોડ અથવા 4.98 ટ્રિલિયન ડૉલર હશે.
29 નવેમ્બર, 2023ના રોજ ભારતનું માર્કેટ કેપ 4 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચ્યું હતું અને તેને 5 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચવામાં માત્ર છ મહિનાનો સમય લાગ્યો હતો. ભારતનું માર્કેટ કેપ માર્ચ 2007માં પ્રથમ વખત એક ટ્રિલિયન ડૉલરે પહોંચ્યું હતું. આ પછી તેને બે ટ્રિલિયન ડૉલર સુધી પહોંચવામાં 10 વર્ષ લાગ્યા. મે 2021માં તે ત્રણ ટ્રિલિયન ડૉલર પર પહોંચી ગયો. આ રીતે, PM મોદી સરકારના કાર્યકાળમાં ભારતના માર્કેટ કેપમાં ઝડપથી વધારો થયો છે.
55.7 ટ્રિલિયન ડૉલર સાથે અમેરિકા વિશ્વનું સૌથી મોટું બજાર છે. આ પછી ચીન (9.4 ટ્રિલિયન ડૉલર), જાપાન (6.4 ટ્રિલિયન ડૉલર) અને હોંગકોંગ (5.5 બિલિયન ડૉલર) આવે છે. જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ VK વિજયકુમારે જણાવ્યું હતું કે પાંચ ટ્રિલિયન ડૉલરના માર્કેટ કૅપ સુધી પહોંચવું એ એક મોટી સિદ્ધિ છે. આ ભારતીય શેરબજારની એકધારી ગતિ દર્શાવે છે.
વિજયકુમારે કહ્યું, ‘એ સમજવું અગત્યનું છે કે, જ્યારે બજાર રેન્જ-બાઉન્ડ હતું ત્યારે આ માઈલસ્ટોન હાંસલ કરવામાં આવ્યો હતો, એટલે કે માર્કેટ કેપિટલાઇઝેશનમાં દિવસના ઉછાળામાં ફાળો વ્યાપક બજારથી આવ્યો હતો. PSUએ આ સિદ્ધિમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.’ ભારતે આ સિદ્ધિ એવા સમયે હાંસલ કરી છે, જ્યારે બજારોમાં ભારે અસ્થિરતા જોવા મળી રહી છે. ઈન્ડિયા VIX, બજારની અસ્થિરતાને માપતો ઈન્ડેક્સ 17 મહિનામાં તેના સર્વોચ્ચ સ્તરે છે. વિદેશી ફંડો ભારે વેચવાલી કરી રહ્યા છે, જ્યારે સ્થાનિક ફંડો ખરીદી કરી રહ્યા છે. તેઓ માત્ર બજારને ટેકો આપતા નથી, પરંતુ તેને ઝડપથી વૃદ્ધિ કરવામાં પણ મદદ કરી રહ્યા છે.
મંગળવારે સેન્સેક્સ 53 પોઈન્ટના ઘટાડા સાથે 73,953 પોઈન્ટ પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી 27 પોઈન્ટના વધારા સાથે 22,529 પોઈન્ટ પર બંધ થયો હતો. સત્ર દરમિયાન, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ રૂ. 1,875 કરોડનું વેચાણ કર્યું હતું જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 3,549 કરોડની ખરીદી કરી હતી. BSE ડેટા અનુસાર, મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 19.4 લાખ કરોડ રૂપિયાની માર્કેટ મૂડી સાથે ભારતની સૌથી મૂલ્યવાન કંપની છે. આ પછી ટાટા ગ્રુપની IT કંપની TCS (રૂ. 13.8 લાખ કરોડ), HDFC બેંક (રૂ. 11.1 લાખ કરોડ), ICICI બેંક (રૂ. 7.9 લાખ કરોડ) અને ભારતી એરટેલ (રૂ. 7.6 લાખ કરોડ) આવે છે.