લશ્કરી જાસૂસી ઉપગ્રહ છોડવામાં નિષ્ફળ રહ્યાં પછી ઉત્તર કોરિયાએ ગુરુવારે દક્ષિણ કોરિયાના દરિયાઇ તરફ શ્રેણીબદ્ધ કથિત બેલિસ્ટિક મિસાઇલો છોડ્યા હતાં. આ મિસાઇલો દરિયામાં પડી હતી અને તેનાથી કોઇ નુકસાનના અહેવાલ મળ્યા ન હતાં, પરંતુ ઉત્તર કોરિયાના આવા આક્રમક પગલાંથી બંને દેશો વચ્ચે તંગદિલીમાં વધારો થયો હતો. જાપાને પણ દરિયાઇ સુરક્ષા એડવાઇઝરી જારી કરી હતી.
દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફે જણાવ્યું હતું કે આર્મીએ ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાંગ નજીકના વિસ્તારમાંથી છોડવામાં આવેલા 10 પ્રોજેક્ટાઇલ ડિટેક્ટ કર્યા હતાં, જે ટૂંકા અંતરની બેલિસ્ટિક મિસાઇલો હોવાની શક્યતા છે. આ શંકાસ્પદ મિસાઇલ્સ આશરે 350 કિમીનું અંતર કાપીને ઉત્તરના પૂર્વીય દરિયાકાંઠે પડ્યાં હતાં. દક્ષિણ કોરિયાની આર્મીએ દેખરેખ અને તકેદારીમાં વધારો કર્યો છે તથા મિત્ર દેશો અમેરિકા અને જાપાનને માહિતી પહોંચાડી છે.
ઉત્તર કોરિયાએ મિસાઇલો છોડ્યા પછી જાપાનના કોસ્ટ ગાર્ડે દરિયાઇ સુરક્ષા માટેની એડવાઇઝરી જારી કરીને જહાજોને જો કોઈ પડી ગયેલી વસ્તુઓ મળે તો સાવચેતી રાખવા વિનંતી કરી હતી. જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદાએ પત્રકારોને જણાવ્યું હતું કે શંકાસ્પદ મિસાઇલો જાપાનના એક્સક્લૂઝિવ ઇકોનોમિક ઝોનની બહારના દરિયામાં પડ્યા હોવાનું માનવામાં આવે છે અને નુકસાનના કોઈ તાત્કાલિક અહેવાલો મળ્યા નથી.
તેમણે કહ્યું હતું કે કે ટોક્યો તેની ભારે નિંદા કરે છે. આ મિસાઇલો યુએન સુરક્ષા પરિષદના ઠરાવોનું ઉલ્લંઘન કરે છે.ઉત્તર કોરિયાએ મંગળવારથી દક્ષિણ કોરિયા તરફ કચરો ભરેલાં સેંકડો બલૂન છોડ્યાં હતાં. આ પછી હવે તેને મિસાઇલો છોડ્યાં છે. આ પહેલા સાઉથ કોરિયાએ સરહદ પર નોર્થ કોરિયા વિરુદ્ધ દુષ્પ્રચાર કરતી પત્રિકાઓ નાંખી હતી.