માણસા તાલુકાના તખતપુરામાં અગાઉના ઝગડાની અદાવતમાં પાંચ શખ્સોએ એકસંપ થઇ યુવાનને ઘેરી લઈ ગડદાપાટુનો માર મારી છરા જેવા ધારદાર હથિયાર વડે ઘાતકી હૂમલો કરવામાં આવતાં માણસા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
માણસા તાલુકાના તખતપુરા ગામમાં રહેતો 22 વર્ષીય વિશાલ રણજીતજી ઠાકોર ગાંધીનગર રિલાયન્સ ચાર રસ્તા પાસેની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે. ગઈકાલે વિશાલ તેના ઘર પાસેના પાનના ગલ્લાએ ઊભો હતો. તે વખતે માણસામાં રહેતો શૈલેશ કુવરજી લુહાર પણ ત્યાં હાજર હતો.
બાદમાં શૈલેશે વિશાલને તેની પાસે બોલાવી તે મારી સાથે અગાઉ કેમ ઝગડો કર્યો હતો કહીને ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. જેથી વિશાલે ગાળો બોલવાની ના પાડતાં શૈલેશ એકદમ ઉશ્કેરાઈ જઈ ગડદાપાટુનો માર મારવા લાગ્યો હતો. એ વખતે તેની આજુબાજુથી તેના મિત્રો જયેશ ભરતભાઇ ઠાકોર, કનુજી વિષ્ણુજી ઠાકોર, ભરતજી જેણાજી ઠાકોર ઉર્ફે ભુવાજી તથા વિશાલ ઠાકોર ઉર્ફે ભાણો (તમામ રહે.માણસા) પણ પહોંચી ગયા હતા અને બધા ભેગા મળીને વિશાલને ફરી વળ્યાં હતા.
આ દરમ્યાન શૈલેશ લુહારે છરા જેવા ધારદાર હથિયાર વડે વિશાલ ઉપર હુમલો કર્યો હતો. જે હુમલાથી બચવા વિશાલે છરો પોતાના હાથમાં પકડી લીધો હતો. જેથી શૈલેશે જોરથી છરો ખેંચતા વિશાલની હથેળી – આંગળીઓમાં ગંભીર ઈજાઓ થઈ હતી. આથી પુષ્કળ લોહી વહેવા લાગતા વિશાલે બુમાબુમ કરી મુકતા પાંચેય ઈસમો આજ પછી તુ ઘાટમાં આવીશ તો જાનથી મારી નાખીશુ તેવી ધમકી આપીને નાસી ગયા હતા. આ અંગે માણસા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.