પોલીસ કોન્સ્ટેબલથી માંડીને SP જેવા ઉચ્ચ અધિકારીઓ વિરુદ્ધ ગુનાની ફરિયાદો વધવા સંબંધિત કેસોથી હાઇકોર્ટે ભારોભાર ચિંતા વ્યક્ત કરી હતી અને આવા જ એક કેસમાં IPS રવિન્દ્ર પટેલની શંકાસ્પદ ભૂમિકાની તપાસ કરી રિપોર્ટ રજૂ કરવા હાઇકોર્ટે હુકમ કર્યો છે.
હાઈકોર્ટે પોલીસ વિભાગની આકરી ટીકા અને ભારે ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, વર્દી પહેરનારી વ્યક્તિએ તેનું સન્માન કરવું જોઈએ નહીં કે ગુનેગારોની જેમ વર્તવું જોઈએ. પોલીસ અને એમાંય IPS જેવા ઉચ્ચ અધિકારીઓએ તેમના હોદ્દાનો દુરુપયોગ કરવો જોઈએ નહીં. વેકેશન બાદ હાઇકોર્ટની કામગીરી શરૂ થયાના બે દિવસ થયા છે અને એમાં કોન્સ્ટેબલથી માંડી SPG અધિકારીઓ વિરુદ્ધની ફરિયાદો ચોંકાવનારી છે. પ્રસ્તુત કેસમાં આંબાવાડીનાં ફ્રૂટનાં વેપારીનું 4 પોલીસ કર્મચારીઓએ અપહરણ કર્યાના આક્ષેપો સાથે હાઇકોર્ટમાં અરજી કરાઈ હતી, જેમાં IPS રવિન્દ્ર પટેલની ભૂમિકા પણ શંકાસ્પદ હોવાનું સામે આવ્યું છે. કેસની સુનાવણી માટે જસ્ટિસ નિર્જર દેસાઈએ એડિશનલ એડવોકેટ જનરલ મિતેશ અમીન હાજર રહે તેવું ફરમાન કર્યું હતું અને સુનાવણી દરમિયાન કોર્ટે વેધક સવાલ કરતા આકરી ટીકા કરતા કહ્યું હતું કે, શું તમને લાગે છે કે જે વ્યક્તિ IPS વિરુદ્ધ આટલા ગંભીર આક્ષેપો હોય તે જિલ્લાના પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવી શકે ? તે વગદાર હોદ્દા પર છે અને તે તપાસની લટકાવી રાખી શકે. શા માટે તેણે ફરિયાદીને કોલ કરીને બોલાવ્યો હતો અને હોદ્દાનો દુરુપયોગ કરીને ફરિયાદીને ધમકાવ્યો હતો ? શું આ તેમનું કામ છે ?
હાઇકોર્ટે સરકારને કહ્યું હતું કે, આ મામલે નિષ્પક્ષ અને પારદર્શી તપાસ થાય એ જરૂરી છે SP થી ઉપરના હોદ્દા પર હોય તેવા પોલીસ અધિકારીઓએ તપાસ અને કેસનું સુપરવિઝન કરે એ જરૂરી છે. લોકોને એવું ન લાગવું જોઈએ કે કોઈ IPS ઓફિસર દબાણ કરીને કોર્ટની આંખો બંધ કરાવી શકે. કોઈ પણ અધિકારી હોય એની સત્તાનો દુરુપયોગ ન કરી શકે, એવો કોર્ટનો લાઉડ એન્ડ ક્લિયર મેસેજ છે. આ મામલો ઉચ્ચ પોલીસ અધિકારી સામે આક્ષેપો છે છતાંય, કોર્ટે હાલ કોઈ આદેશ કરતી નથી અને રાજ્ય સરકારના ડાહપણ પર છોડે છે કે તેઓ કઈ રીતે તપાસ કરી કાર્યવાહી કરશે. પોલીસના હોદ્દા પર રહેલા અધિકારીઓ તેમના પદનો દુરુપયોગ કરતા રોકવાની આ આખી કવાયત જ છે. લોકોને પોલીસ તંત્રમાં વિશ્વાસ અને આસ્થા જળવાઈ રહે એ માટેનું આ પ્રયાસ છે. સરકારે ખાતરી આપતા કહ્યું હતું કે, આ કેસમાં યોગ્ય રીતે તપાસ કરવામાં આવશે અને કોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કરવામાં આવશે. કેસની વધુ સુનાવણી 18 જૂનના રોજ મુકરર કરાઈ છે.
હાઇકોર્ટ એવો વેધક સવાલ કર્યો હતો કે પોલીસ વિભાગમાં કોઈ એવી સ્કીમ ચાલે છે કે પોલીસ કર્મચારીઓ ગુનો કરે તો એમની વિરુદ્ધ કોઈ ફોજદારી કાર્યવાહી નહીં કરવાની ? કોન્સ્ટેબલથી માંડીને એસપી સુધીના અધિકારીઓ વિરુદ્ધ આવી ફરિયાદો આવી રહી છે. તેમને લાગે છે કે તેમની વિરુદ્ધ તો કોઈ કાર્યવાહી થશે જ નહીં. તેથી તે લોકોને ધમકાવી શકે, મારી શકે છે કે ખંડણી માગી શકે ? કોર્ટ કઈ કહે એ પહેલા સર્વોચ્ચ ઓથોરિટી પાસેથી માહિતીની સરકાર શું કરવા માંગે છે એ જણાવો. હાઇકોર્ટે એ પણ સવાલ કર્યો હતો કે, પોલીસ કમિશનરને પણ ફરિયાદીએ લેખિત રજૂઆત કરી હતી પરંતુ તેમણે પણ અરજી વાંચ્યા વિના કચરાપેટીમાં ફેંકી દીધી લાગે છે. શું આ IPS અને કમિશનર ફ્રેન્ડ્સ છે ? કે પછી બેચમેંટ્સ છે ? તો શા માટે આઇપીએસને બચાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. હાઇકોર્ટ ચિંતા વ્યક્ત કરી હતી કે પોલીસ કર્મચારીઓની ગુનામાં સંડોવણી હોય એવા કેસમાં વધારો થયો હોવાનું ત્રણ-ચાર દિવસથી સામે આવી રહ્યું છે, જે અત્યંત ચિંતાજનક છે. મોટાભાગના કેસોમાં એવી જ તકરાર હોય છે કે પોલીસ વિરુદ્ધ ફરિયાદ લેવામાં આવતી નથી અને કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. આવું કોઈ પણ રીતે થવું જોઈએ નહીં. આના કારણે નાગરિકોમાં ખોટો સંદેશો જાય છે.