આમ તો બેન્ક ફ્રોડમાં ગુમાવેલા નાણાં પાછા મળતા નથી પરંતુ ગુજરાત સાયબર ક્રાઇમ અને પોલીસની કામગીરીમાં ઝડપ આવતાં રાજ્યના 1.34 લાખ લોકોને ફ્રોડમાં ગુમાવેલા 155 કરોડ રૂપિયા પાછા મળવાની આશા જાગી છે. જે લોકોએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે તેમને તેમના નાણાં પાછા મળે તે માટે 22મી જૂને રાજ્યભરમાં લોક અદાલત યોજાવા જઇ રહી છે. બેન્કમાંથી ઉપડી ગયેલા, ફ્રોડના કારણે ફ્રીઝ થયેલા અને ઓનલાઇન ફ્રોડનો શિકાર બનેલા 1.34 લાખ લોકોને 155 કરોડ જેટલી રકમ પાછી આપવામાં આવનાર છે.
ગુજરાત હાઇકોર્ટ દ્વારા તમામ પોલીસ સ્ટેશન, એસપી, પોલીસ કમિશનર અને રેન્જના વડાઓને આ અંગેની સૂચના આપવામાં આવી છે. મહત્વનું છે કે ગુજરાતના તમામ જિલ્લામાં સાયબર ક્રાઇમની 2.04 લાખ ફરિયાદ નોંધાઇ હતી જે પૈકી 1.34 કરોડ ફરિયાદોનો હજી નિકાલ થયો નથી. તપાસ ચાલી રહી છે, જ્યારે 70 હજારથી વધુ ફરિયાદોમાં પોલીસે કામગીરી પૂર્ણ કરી છે. ગુજરાતમાં સાયબર ફ્રોડના મોટાભાગના કેસોમાં ઇન્ટર સ્ટેટ કનેક્શન જોવા મળે છે. કેટલાક કેસોમાં ઇન્ટરનેશનલ ફ્રોડના કારણે લોકોના નાણાં ગયા છે. ભારતીય રીઝર્વ બેન્ક અને જે બેન્કમાં એકાઉન્ટ હોય તેમના દ્વારા લોકોને જાગૃત કરવા અપીલ કરવામાં આવે છે છતાં લાલચના કારણે લોકો રૂપિયા ગુમાવી રહ્યં છે તેમ છતાં જે લોકોએ પોલીસમાં ફરિયાદ આપી છે તેમને નાણાં પાછા મળશે તેવું લાગે છે.