ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારમાં હવે ભૂર્ગભમાં આવેલી ગટરના ઉંડા મેઇન હોલની સફાઇની કામગીરી બેન્ડીકુટ રોબોટ મશીન દ્વારા કરવામાં આવશે. સુરતમાં તેના માટે રોબોટ કામે લગાડાયા બાદ રાજ્યમાં ગાંધીનગર આવું બીજુ શહેર બન્યું છે. મેયર રીટાબેન પટેલની ઉપસ્થિતિમાં રાજ્યના મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે સોમવારે નિદર્શન જોવા સાથે રોબોટ મશીનનું લોકાર્પણ કરવા સમયે જણાવ્યું કે ગટરની કુંડીમાં ઉતરીને સફાઇની કામગીરી કરવામાં ભૂતકાળમાં કર્મયોગીઓએ જીવ ગુમાવ્યાના બનાવ બન્યા છે. હવે આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી માનવ જીંદગીની હાની નિવારી શકાશે. મેયરશ્રી રીટાબેન પટેલે જણાવ્યું કે રોબોટમાં કેમેરા હોવાથી માટી, પથ્થર, ઇંટ જેવો કચરો સહેલાયથી દુર કરી શકાશે.
શહેરો જ નહીં ગામડાઓમાં પણ સ્વચ્છતા માટે સરકાર દ્વારા આધુનિક સાધન સરંજામ વિના મૂલ્યે આપવામાં આવી રહ્યાં છે. રાજ્યમાં ભૂર્ગભ ગટરનું નિર્માણ મોટાપાયે કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગટર વ્યવસ્થાના મેઇન હોલ સમયાંતરે સાફ કરવા પડે છે. ભૂતકાળમાં તેની સફાઇ કામદારો દ્વારા કુંડીમાં ઉતરીને કરવામાં આવતી અને તેમાં ઝેરી ગેસના કારણે કામદારોના મૃત્યુ થવાના બનાવ બનતા હતાં. હવે સુપ્રિમ કોર્ટ દ્વારા કામદારને કુંડીમાં ઉતારવાની મનાઇ કરાઇ છે. હાલમાં મશીનરી દ્વારા જ મેઇન હોલની સફાઇ કરવામાં આવે છે. હવે સ્ક્રીન સહિતનો કોમ્પ્યુટરાઇઝ્ડ રોબોટ ઉપલબ્ધ બન્યો છે. ગાંધીનગર મહાનગર પાલીકેને સાબરમતી ગેસ કંપની દ્વારા આ રોબોટ મશીન ભેંટ આપવામાં આવ્યું છે. આ મશીનની કામગીરી સફળ રહેશે તો આગામી દિવસમાં અન્ય શહેરોને પણ આપવામાં આવશે.
મેયર રીટાબેન પટેલે બેન્ડીકુટ રોબોટ મશીન અંગે જણાવ્યું કે માનવ જીંદગી બચાવવામાં ઉપકારક બનતા આ મશીન દ્વારા મેઇન હોલમાં કેવો અને કેટલો ગેસ છે. તેની માહિતી પણ મળશે. તેમાં લાગેલા કેમેરા દ્વારા મેઇન હોલમાં ક્યાં કેવી ગંદકી ફસાયેલી છે. તે સ્ક્રીન પર જોઇ શકાશે અને બહાર કાઢી શકાશે. કેરળની જેનરોબટિક્સ ઇનોવેશન નામની કંપનીએ બનાવેલા આ રોબોટની કિંમત 38 લાખ રૂપિયા છે.