રાજકોટમાં 27 લોકોનો ભોગ લેનારા અગ્નિકાંડ મુદ્દે દાખલ સુઓમોટો અરજીની સુનાવણીમાં હાઈકોર્ટે એવી આકરી ટીપ્પણી કરી હતી કે જાહેર સ્થળો પર એક પછી એક ભયાનક દુર્ઘટના તથા આરોપી અધિકારીઓની અઢળક અપ્રમાણસર સંપતિનાં ખુલાસાથી ગુજરાતની ખરડાતી ઈમેજ-પ્રતિષ્ઠા ચિંતાની બાબત છે.રાજય સરકારે રાજકોટના ટીપીઓ એમ.ડી.સાગઠીયા સહીતના અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કર્યાનુ હાઈકોર્ટને જણાવ્યુ હતું.
ત્યારે ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલ તથા જસ્ટીસ પ્રણવ ત્રિવેદીએ એવી સાગઠીયાની બિન હિસાબી મિલકતોના રીપોર્ટની ટીપ્પણી કરી હતી. આ વ્યકિતએ ઘણા લાભ લીધા છે કઈ રીતે લીધા હોય તે બધા જાણે છે ગુજરાત ઘણી તકો ધરાવતું રાજય છે.
અમુક અધિકારીઓના લાભમાં સમગ્ર રાજયને દાવમાં મુકાવાની સ્થિતિ તેઓ ઉભી કરી ન શકે અને એક પછી એક દુર્ઘટનાઓ સર્જાઈ રહી છે. તે ઘણી ગંભીર બાબત છે.
27 લોકોનો ભોગ લેનારા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં ફેકટ ફાઈન્ડીંગ કમીટીનાં રીપોર્ટનાં આધારે હાઈકોર્ટે એવુ પુછાણ કર્યું હતું કે ગેમઝોનને ડીમોલીશનની નોટીસ આપવા છતાં એક વર્ષ સુધી કેમ કાર્યવાહી કરી ન હતી? આ ઉપરાંત ‘સીટ’ના રીપોર્ટની પૃચ્છા કરી હતી તેમજ 25 જુલાઈ સુધીમાં એકશન ટેકન રીપોર્ટ હાઈકોર્ટમાં રજુ કરવાનો આદેશ કર્યો હતો.
ગુજરાત ફાયર સેફટી એકટ હેઠળ ફાયર વિભાગનું માળખુ તથા સ્ટાફની સંખ્યા વિશે પણ માહીતી આપવાની સુચના આપી હતી. ફાયર વિભાગમાં ભરતીની પણ વિગતો માંગી હતી.
એડવોકેટ જનરલ દ્વારા એવો બચાવ કરાયો હતો કે ભરતીમાં યોગ્ય પ્રતિસાદ મળતો નથી ત્યારે ચીફ જસ્ટીસે ડીસ્ટ્રીકટ જજની પરીક્ષામાં વકીલો પાસ ન થયાનો હાઈકોર્ટનો અનુભવ દર્શાવ્યો હતો.