વિધાર્થી-વાલી અધિકાર ગ્રુપ પ્રમુખ જ્યોર્જ ડાયસે અમદાવાદ મેયર ને પત્ર લખી જાણ કરી
અમદાવાદ
વિધાર્થી-વાલી અધિકાર ગ્રુપ પ્રમુખ જ્યોર્જ ડાયસે અમદાવાદ મેયરને પત્ર લખી જણાવ્યું હતું કે રાયપુર દરવાજા પાસે વર્ષ ૧૯૬૮ માં સ્થપાયેલ વિવેકાનંદ કોલેજમાં હાલમાં ૫૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ આર્ટસ, કોમર્સ, એલ.એલ.બીના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ કાલેજ પૂર્વ વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગ માટે આર્શિવાદરૂપી ગ્રાન્ટેડ કોલેજમાં મામુલી ફી માં અભ્યાસ કરે છે. એક તરફ પૂર્વ વિસ્તારના વિદ્યાર્થીઓને નજીક પડતી હોય, ટ્રાન્સપોર્ટેશન ખર્ચ બચે છે અને બીજી તરફ કવોલીફાઈડ અનુભવી પ્રોફેસરો હોવાથી ઉત્તમ શિક્ષણ પ્રાપ્ત થતું હોય પરિણામો પણ ૧૦૦% આવે છે. ત્યારે શિક્ષણના પવિત્ર સરસ્વતી મંદિરને બી.યુ. પરમીશનના નામે ૪૫ દિવસ પહેલા તાળુ મારતા માતા સરસ્વતીનું ઘોર અપમાન કરવામાં આવેલ છે. જયારે શહેરમાં મોલ, શોપિંગ સેન્ટરો, જર્જરીત મકાનો અને બી.યુ. પરમીશન વગરના કોમ્પલેક્ષો સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરાતી નથી તેની સામે સ્થાપિત હિતો માટે શિક્ષણના પવિત્ર ધામને તાળા મરાય છે તે અમદાવાદ શહેરની કમનસીબ ઘટના છે. કાલેજને સીલ કરાતા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ અભ્યાસથી વંચિત થવા પામ્યા છે. એટલું જ નહીં આ કોલેજમાં ડીગ્રી લઈ પાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓને માસ્ટર ડીગ્રી, એમ.બી.એ., એલ.એલ.બી., બી.એડ સહિત અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવાનું છે તેમને માર્કશીટ વિગેરે સીલ કરેલી બિલ્ડીંગમાં હોવાથી ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ લઈ શકતા નથી અને તેમની ભાવિ ઉજજવળ કારકિર્દી અંધકારમય બની છે. ધોરણ-૧૨ ના નવા પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાય તેમ નથી અને ઉચ્ચ શિક્ષણ અભ્યાસ અર્થે વિદેશ જવા માંગતા વિદ્યાર્થીઓ ડોકયુમેન્ટસ વેરીફિકેશન વિગેરે કાર્યવાહી ન થતાં તેઓને વિદેશમાં મળેલ પ્રવેશની બેઠકો પણ રદ થાય તેમ છે. બીજી તરફ યુ.પી.એસ.સી.ની પરીક્ષા વખતે વિવેકાનંદ કોલેજ એક સેન્ટર હોવાથી યુ.પી.એસ.સી.ના દબાણમાં કામચલાઉ સીલ ખોલી પરીક્ષા લેવા દીધી હતી. જો યુ.પી.એસ.સી.ની પરીક્ષાર્થીઓની ચિંતા કરી સીલ ખોલી શકતા હોય તો ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે કેમ નહીં ? જે કાયદા અને ચાપના સિધ્ધાંતોની વિરૂધ્ધ સ્થાપિત હિતો માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન કરી રહ્યું છે જો યુ.પી.એસ.સી.ના વિદ્યાર્થીઓ માટે ખોલતા હોય અને ઈમ્પેકટ ફી ભરવાની શરતે અન્ય શૈક્ષણિક સંસ્થાઓને રાહત આપવામાં આવી હોય તો ઈમ્પેકટ ફી અંગે કાર્યવાહી કરેલ વિવેકાનંદ કોલેજને તેનો લાભ કેમ અપાતો નથી માટે વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં કાર્ય શરૂ થાય તેવી યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ. કેમ કે માસ્ટર ડીગ્રી વાળા પ્રવેશ લઈ શકતા નથી, ધોરણ-૧૨ પાસ વાળા પ્રવેશથી વંચિત અને જે ભણે છે તેનો અભ્યાસ બગડી રહ્યો છે અને વિદેશમાં ઉચ્ચ શિક્ષણ અભ્યાસ અર્થે જનાર વિદ્યાર્થીઓના ડોકયુમેન્ટસ વેરીફિકેશન વગેરે કારણોસર વિદેશમાં મળેલ પ્રવેશની બેઠક રદ થાય તેમ છે. જે તમામ કારણોને ધ્યાને લઈ સત્વરે વહેલામાં વહેલીતકે ઈમ્પેકટ ફી ભરવાની શરતે સીલ ખોલવા માટે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે.